Mumbai

મહારાષ્ટ્રના 4 લાખ શિક્ષકોને એઆઈની તાલીમ અપાશે

By GS Team
21 Jun 20261 min read
મહારાષ્ટ્રના 4 લાખ શિક્ષકોને એઆઈની તાલીમ અપાશે

ગુગલ સાથે શિક્ષણ વિભાગના કરાર

જનરેશન અલ્ફાના વિદ્યાર્થીઓને આધુનિક શિક્ષણ આપવા ડિજીટલ કૌશલ્ય વિકાસ પર ભાર

મુંબઈ -  મહારાષ્ટ્રના સ્કૂલ શિક્ષણ વિભાગે શિક્ષણ ક્ષેત્રમાં આટફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ) અને ડિજિટલ ટેક્નોલોજીનો વ્યાપ વધારવા માટે ગુગલ સાથે મહત્વપૂર્ણ ભાગીદારી કરી છે. આ કરાર અંતર્ગત રાજ્યના આશરે ૪ લાખ શિક્ષકોને એઆઈ આધારિત તાલીમ આપવામાં આવશે, જેથી તેઓ નવી પેઢી એટલે કે 'જનરેશન અલ્ફા'ના વિદ્યાર્થીઓને આધુનિક અને અસરકારક રીતે શિક્ષણ આપી શકે.

આ ટ્રેનિંગ પ્રોગ્રામમાં શિક્ષકોને ડિજિટલ ટૂલ્સ, એઆઈના ઉપયોગ, ટેક્નોલોજી આધારિત શિક્ષણ પદ્ધતિઓ અને વર્ગખંડમાં નવીન શિક્ષણ પદ્ધતિઓ અંગે માર્ગદર્શન આપવામાં આવશે. શિક્ષકોને શૈક્ષણિક સામગ્રી તૈયાર કરવા, વિદ્યાર્થીઓ સાથે વધુ અસરકારક સંવાદ સાધવા અને અભ્યાસને વધુ રસપ્રદ બનાવવા માટે આધુનિક સાધનોનો ઉપયોગ કઈ રીતે કરવો તે શીખવવામાં આવશે.

રાજ્ય સરકારનું માનવું છે કે, ઝડપથી બદલાતા ટેક્નોલોજીકલ યુગમાં વિદ્યાર્થીઓને ભવિષ્ય માટે તૈયાર કરવા શિક્ષકોનું ડિજિટલ સશક્તિકરણ જરૃરી છે. એઆઈ અને અન્ય નવી ટેક્નોલોજી અંગે શિક્ષકોની સમજ વધારવાથી શિક્ષણની ગુણવત્તામાં સુધારો થશે અને વિદ્યાર્થીઓને વૈશ્વિક સ્પર્ધા માટે વધુ સજ્જ બનાવી શકાશે.

શાળા શિક્ષણ વિભાગ અને ગુગલની આ પહેલને રાજ્યમાં ડિજિટલ શિક્ષણને નવી દિશા આપનાર મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. સરકારનો ઉદ્દેશ શિક્ષકોને ટેક્નોલોજી-સક્ષમ (ટેક-સેવી) બનાવી શિક્ષણ વ્યવસ્થાને વધુ આધુનિક, સર્જનાત્મક અને ભવિષ્યલક્ષી બનાવવાનો છે.