એઆઈ ડબિંગથી ફિલ્મો દરેક ભાષામાં ઓરિજિનલ લાગશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

વીડિયો કન્ટેન્ટમાં એઆઈનો ઉપયોગ વધશે : વોઈઝ ક્લોનિંગથી મૂળ કલાકારના અવાજના ટોન અને બોલવાની સ્ટાઈલ જાળવીને પરફેક્ટ લિપ સિંક કરાશે
મુંબઈ: દક્ષિણ ભારતની ફિલ્મો હોય કે હોલીવૂડની મોટી ફિલ્મો, ડબિંગના કારણે હવે દર્શકો પોતાની ભાષામાં ફિલ્મો માણી શકે છે. પરંતુ ઘણી વખત એક વાત તરત જ નજરે ચડી જાય છે કે સ્ક્રીન પર કલાકારના હોઠ અને સાંભળાતો અવાજ એકસરખા નથી લાગતા. હવે આ સમસ્યાનો ઉકેલ એઆઈ લાવી રહ્યું છે.
ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં હવે એવી એઆઈ ટેકનોલોજી અપનાવવામાં આવી રહી છે, જે કલાકારનો અવાજ બીજી ભાષામાં તૈયાર કરવાની સાથે લિપ સિંક(હોઠની હિલચાલ) પણ ભાષા પ્રમાણે બદલી શકે છે. તેના કારણે ડબિંગ વધુ નેચરલ લાગે છે. દર્શકોને લાગે છે કે, અભિનેતા ખરેખર એ જ ભાષામાં બોલી રહ્યો છે.
આ ટેકનોલોજીમાં વોઈઝ ક્લોનિંગ અને એઆઈ લિપ સિંકનો ઉપયોગ થાય છે. વોઈઝ ક્લોનિંગ દ્વારા મૂળ કલાકારના અવાજનો ટોન, ભાવ અને બોલવાની શૈલી જાળવી રાખીને બીજી ભાષામાં ડાયલોગ તૈયાર કરવામાં આવે છે. ત્યારબાદ વીડિયોમાં હોઠની હિલચાલને નવા અવાજ સાથે મેળવવામાં આવે છે. આ પ્રક્રિયા એઆઈને કારણે પહેલાંની સરખામણીએ વધુ ઝડપી અને ઓછી ખર્ચાળ બની છે. નિષ્ણાતો માને છે કે આવનારા વર્ષોમાં એઆઈ ડબિંગ માત્ર ફિલ્મો પૂરતું મર્યાદિત નહીં રહે. વેબ સિરીઝ, ઓટીટી પ્લેટફોર્મ, ડોક્યુમેન્ટરી અને એનિમેશન સહિત લગભગ દરેક પ્રકારના વીડિયો કન્ટેન્ટમાં તેનો ઉપયોગ વધશે. એઆઈના માધ્યમથી ભારતની ફિલ્મો સ્પેનિશ, ચાઈનીઝ, જાપાનીઝ ભાષામાં ડબ કરવામાં આવશે.




