મુંબઈમાં રેડ એલર્ટ વચ્ચે શાળા-કોલેજોના બપોરનું સત્ર બંધ રાખવામાં આવ્યું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

વિદ્યાર્થીઓ શાળા કોલેજમાં પહોંચી ગયા બાદ જાહેરાત
તમામ શૈક્ષણિક સંસ્થાઓને સરકારી સૂચનાઓનું પાલન કરવા અને હવામાનની સ્થિતિ પર નજર રાખવા સૂચના
મુંબઈ - ભારતીય હવામાન વિભાગ (આઈએમડી) દ્વારા મુંબઈ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવતા મુંબઈ મહાનગરપાલિકાએ શનિવારે શહેરની તમામ શાળાઓ અને કોલેજોના બપોરના સત્રના વર્ગો રદ્દ કરીને રજા જાહેર કરી હતી. જો કે, તમામ વિદ્યાર્થીઓ શાળા અને કોલેજોમાં બપોરના સત્ર માટે પહોંચી ગયા બાદ પાલિકા દ્વારા આ જાહેરાત કરાઈ હતી. જેથી વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલીઓ પડી હતી.
શહેરમાં સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જ્યારે માર્ગ અને રેલવે પરિવહન પણ પ્રભાવિત થયું હતું. હવામાન વિભાગે આગામી કલાકોમાં કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી કરતાં નાગરિકોને સતર્ક રહેવાની અપીલ કરી હતી.
તેથી પાલિકાએ શનિવારે તમામ શાળાઓ અને કોલેજના બપોરના સત્રના વર્ગો રદ્દ કરીને રજા જાહેર કરવામાં આવી હતી. તેમજ માતા-પિતા અને વિદ્યાર્થીઓને અનાવશ્યક બહાર ન નીકળવાની સલાહ આપી હતી. સાથે જ તમામ શૈક્ષણિક સંસ્થાઓને સરકારી સૂચનાઓનું પાલન કરવા અને હવામાનની સ્થિતિ પર સતત નજર રાખવા સૂચના આપવામાં આવી હતી.
જો કે, તમામ વિદ્યાર્થીઓ તેમના નિર્ધારિત સમયગાળા દરમિયાન કોલેજો અને શાળાઓએ પહોંચી ગયા હતા. બાદમાં પાલિકાએ રજાની જાહેરાત કરતા વિદ્યાર્થીઓને ભારે વરસાદ વચ્ચે પાછા ઘરે જવું પડયું હતું. જેથી વાલીઓ અને વિદ્યાર્થીઓને ભારે વરસાદ વચ્ચે મુશ્કેલીઓનો સામનો કરવો પડયો હતો.
બીજી તરફ, થાણે અને વસઈ વિરાર પાલિકાએ શુક્રવારથી જ રજાની જાહેરાત કરી દીધી હતી. જેથી આ વિસ્તારોમાં સવાર અને બપોર બંને સત્રો બંધ રહ્યા હતા. જો કે, મુંબઈ પાલિકા દ્વારા રજાની કોઈ જાહેરાત કરવામાં આવી ન હતી. તેથી સવારનું સત્ર તેના નિર્ધારિત સમયગાળામાં ચાલુ રહ્યું હતું. પરંતુ બપોરના સત્ર માટે વિદ્યાર્થીઓ પહોંચી ગયા બાદ રજા જાહેર કરવામાં આવતા પાલિકાની કામગીરી પર પ્રશ્નો પણ ઉભા થયા હતા અને વાલીઓએ પાલિકાની આવી કામગીરી બદલ રોષ પણ વ્યક્ત કર્યો હતો.









