સરકારી શાળાઓમાં ધો.1માંં પ્રવેશમાં 4 વર્ષમાં 1.37 લાખનો ઘટાડો

વધુને વધુ વાલીઓ ખાનગી શાળાઓ તરફ દોટ મૂકી રહ્યા છે
સરકારના લાખ દાવા છતાં સરકારી શાળાઓમાં
શિક્ષણની ગુણવત્તા તથા ઈન્ફ્રાસ્ટ્રકચરમાં
વાલીઓને વધતો અવિશ્વાસ
મુંબઈ-
મહારાષ્ટ્રમાં સ્થાનિક સરકારી શાળાઓમાં ધોરણ-૧માં પ્રવેશમાં ં
છેલ્લા ચાર વર્ષથી સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. યુનિફાઇડ ડિસ્ટ્રિક્ટ ઇન્ફોર્મેશન
સિસ્ટમ ફોર એજ્યુકેશન પ્લસના આંકડા મુજબ છેલ્લા ચાર વર્ષમાં ધોરણ-૧માં પ્રવેશ
લેનારા વિદ્યાર્થીઓની સંખ્યા ૧.૩૭ લાખ જેટલી ઘટી છે. આ વલણને કારણે શિક્ષણ
વિભાગમાં ચિંતા વ્યાપી છે અને સરકારી શાળાઓ પ્રત્યે માતા-પિતાનો ઘટતો વિશ્વાસ
ચર્ચાનો વિષય બન્યો છે.
સત્તાવાર આંકડા મુજબ શૈક્ષણિક વર્ષ
૨૦૨૨-૨૩ દરમિયાન ધોરણ-૧માં ૮.૧૫ લાખ વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો હતો. ત્યારબાદ ૨૦૨૩-૨૪માં
આ સંખ્યા ઘટીને ૭.૪૫ લાખ થઈ હતી. તો ૨૦૨૪-૨૫માં તે વધુ ઘટીને ૬.૯૮ લાખ પર પહોંચી હતી.
જ્યારે હવે ૨૦૨૫-૨૬માં માત્ર ૬.૭૭ લાખ વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો છે. આમ ચાર વર્ષમાં
કુલ ૧.૩૭ લાખથી વધુ વિદ્યાર્થીઓનો ઘટાડો નોંધાયો છે.
શૈક્ષણિક નિષ્ણાતોના મતે માતા-પિતા હવે વધુ પ્રમાણમાં ખાનગી શાળાઓ તરફ વળી
રહ્યા છે. શિક્ષણની ગુણવત્તા, અંગ્રેજી માધ્યમનું આકર્ષણ, આધુનિક
સુવિધાઓ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા પરિબળો પ્રવેશના નિર્ણયને પ્રભાવિત કરી રહ્યા
છે. પ્રવેશમાં સતત ઘટાડાને કારણે ખાસ કરીને ગ્રામ્ય અને અર્ધશહેરી વિસ્તારોની
કેટલીક સરકારી શાળાઓના ભવિષ્ય અંગે પણ પ્રશ્નો ઊભા થયા છે.
વિદ્યાર્થી સંખ્યામાં ઘટાડાને રોકવા માટે શિક્ષણ વિભાગે સરકારી શાળાઓને
વિશેષ પ્રવેશ અભિયાન ચલાવવાના નિર્દેશ આપ્યા છે. શિક્ષકોને આંગણવાડી અને
પૂર્વ-પ્રાથમિક કેન્દ્રોની મુલાકાત લઈને માતા-પિતાને સરકારી શાળાઓમાં બાળકોનો
પ્રવેશ કરાવવા માટે પ્રોત્સાહિત કરવાની સૂચના આપવામાં આવી છે. ઉપરાંત શાળાઓમાં
ઉપલબ્ધ સુવિધાઓ, શિષ્યવૃત્તિ યોજનાઓ અને શૈક્ષણિક કાર્યક્રમોની માહિતી
વ્યાપક રીતે પહોંચાડવા પર ભાર મૂકવામાં આવ્યો છે.









