Mumbai

ઝેરી દારૃના ગેરકાયદેસર પુરવઠાને રોકવામાં નિષ્ફળ રહેવા બદલ એક્શન

By GS Team
31 May 20262 mins read
ઝેરી દારૃના ગેરકાયદેસર પુરવઠાને રોકવામાં નિષ્ફળ રહેવા બદલ એક્શન

પુણેમાં લઠ્ઠાકાંડમાં ૨૨ પોલીસ અને એક્સાઇઝ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા

મુંબઈણેમાં ૧૪ લોકોના મોત નિપજનારા શંકાસ્પદ ઝેરી દારૃના ગેરકાયદેસર પુરવઠાને રોકવામાં નિષ્ફળ રહેવા બદલ પુણે અને પિંપરી-ચિંચવડ પોલીસ અને મહારાષ્ટ્ર એક્સાઇઝ વિભાગના  ૨૨ જેટલા કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે,એમ અધિકારીએ શનિવારે જણાવ્યું હતું.

    પિંપરી-ચિંચવડ અને પુણે શહેરમાં બે દિવસ દરમિયાન બનેલી આ ઘટનાના સંદર્ભમાં એક મુખ્ય બુટલેગર સહિત આઠ લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ ચકચારજનક કેસની ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ (સીઆઇડી) એ તપાસ હાથ ધરી છે.

    પુણે પોલીસ કમિશનરેટ દ્વારા જારી કરાયેલા આદેશ મુજબ હડપસર પોલીસ સ્ટેશન સાથે જોડાયેલા સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર સંજય મોગલે, આસિસ્ટન્ટ પોલીસ ઇન્સ્પેક્ટર હસીના સિકલગર અને સબ-ઇન્સ્પેક્ટર હસન મુલાનીને હડપસર વિસ્તારમાં કથિત ગેરકાયદેસર વેપાર અને ભેળસેળયુક્ત દારૃના સપ્લાયને રોકવામાં નિષ્ફળ રહેવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.આ ઉપરાંત, પિંપરી ચિંચવડ પોલીસના છ અધિકારીઓને સસ્પેન્ડ કરાયા છે. એમાં એક સિનિયર ઇન્સ્પેક્ટર, એક સબ-ઇન્સ્પેક્ટર અને દાપોડી પોલીસ સ્ટેશનના ચાર કોન્સ્ટેબલનો સમાવેશ છે, એમ પિંપરી ચિંચવડ પોલીસના એક વરિ અધિકારીએ જણાવ્યું હતું.

    સ્ટેટ એક્સાઇઝ ડિપાર્ટમેન્ટના ત્રણ ઇન્સ્પેક્ટર, છ સબ-ઇન્સ્પેક્ટર સહિત ૧૩ કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા છે, એમ સુપરિન્ટેન્ડેન્ટ અતુલ કાનડેએ જણાવ્યું હતું.

    પોલીસના જણાવ્યા અનુસાર, પિંપરી ચિંચવાડના ફુગેવાડી વિસ્તારમાં ૧૦ લોકોના મોત થયા છે. જ્યારે પુણેના હડપસરના પાંઢરે માળા વિસ્તારમાં રહેતા ચાર લોકોના મોત ઝેરી દારૃ પીવાથી થયા છે. ભેળસેળયુક્ત દારૃ પીવાના શંકાસ્પદ પાંચ વ્યક્તિઓ પિંપરી ચિંચવાડની એક હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

    આ ઘટના બાદ સમગ્ર વસાહતમાં શોક ફેલાયો  અને નાગરિકોમાં રોષનું વાતાવરણ હતું. ખાસ કરીને મહિલાઓએ ભારે નારાજગી વ્યક્ત કરી  અને આરોપ લગાવ્યો છે કે આ વિસ્તારમાં ઘણા દિવસોથી ગેરકાયદેસર દારૃ વેચાઈ રહ્યો હતો. સ્થાનિક લોકોએ આ અંગે વારંવાર પોલીસને ફરિયાદ કરી હતી.પોલીસ ફક્ત કામચલાઉ કાર્યવાહી કરીને જતી રહે છે. થોડા દિવસોમાં દારૃની દુકાનો ફરી ખોલવામાં આવતી હતી.

  સ્થાનિક મહિલાઓએ વધુ ગંભીર આરોપ પણ લગાવ્યા છે કે કેટલાક પોલીસકર્મીઓ લાંચ લઈ રહ્યા હતા. આ બેદરકારીને કારણે જ નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે.નાગરિકોનું કહેવું હતું કે આ મૃત્યુ માટે સંબંધિત અધિકારીઓ અને ગેરકાયદેસર દારૃ વેચનારા જવાબદાર છે.