આધાર સેવા વેન્ટિલેટર પર!નવું પોર્ટલ બન્યું માથાનો દુખાવોઃ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

નોંધણી-સુધારાની પ્રક્રિયા ઠપ્પ, નાગરિકો કલાકો સુધી ધક્કા ખાઈ રહ્યા
મુંબઈ - આધાર ઓથોરિટી દ્વારા જૂનું સોફ્ટવેર બંધ કરીને અમલમાં મૂકવામાં આવેલા નવા યુનિવર્સલ ક્લાયન્ટ પોર્ટલમાં સતત સર્જાતી ટેકનિકલ ખામીઓના કારણે છેલ્લા એક અઠવાડિયાથી આધાર નોંધણી અને સુધારાની પ્રક્રિયા ગંભીર રીતે ખોરવાઈ ગઈ છે. પરિણામે રાજ્યભરના આધાર કેન્દ્રોમાં અરજદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
મહારાષ્ટ્ર વીએલઈ સંવાદ સંસ્થાના જણાવ્યા મુજબ, નવા પોર્ટલમાં વારંવાર સર્વર ડાઉન થવું, સિસ્ટમ હેંગ થઈ જવી, ફરીથી લોગિન અને ઓટીપીની પ્રક્રિયા કરવી પડવી, નામ અને દસ્તાવેજોની માહિતીમાં ગડબડ જેવી ખામીઓના કારણે કામગીરી ધીમી પડી ગઈ છે. રોજ આશરે ૫૦ અરજદારો આધાર કેન્દ્રોમાં પહોંચે છે, પરંતુ ટેકનિકલ અવરોધોને કારણે માત્ર ૧૦થી ૧૨લોકોનું જ કામ પૂર્ણ થઈ રહ્યું છે. બાકીના અરજદારોને કલાકો સુધી રાહ જોયા બાદ નિરાશ થઈને પરત ફરવું પડે છે.
આ સ્થિતિની સીધી અસર વિદ્યાર્થીઓ, કર્મચારીઓ, મજૂરો અને સરકારી યોજનાઓના લાભાર્થીઓ પર પડી રહી છે. આધાર અપડેટમાં વિલંબ થતાં શૈક્ષણિક પ્રવેશ, રોજગારીની પ્રક્રિયા તેમજ વિવિધ સરકારી યોજનાઓનો લાભ મેળવવામાં મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે. રોજિંદી મજૂરી છોડીને આધાર કેન્દ્રે પહોંચતા શ્રમિકોને પણ ભારે આથક નુકસાન સહન કરવું પડી રહ્યું છે.
મહારાષ્ટ્ર વીએલઇસંવાદના સંયોજકે જણાવ્યું હતું કે, નવા પોર્ટલની વારંવારની ટેકનિકલ નિષ્ફળતાના કારણે નાગરિકોમાં ભારે રોષ ફેલાયો છે. વીએલઈ સંચાલકોને આથક નુકસાન ઉપરાંત માનસિક તણાવનો પણ સામનો કરવો પડી રહ્યો છે. તેમણે આધાર ઓથોરિટીને તાત્કાલિક પોર્ટલની ખામીઓ દૂર કરીને નોંધણી અને સુધારાની પ્રક્રિયા સરળ અને ઝડપી બનાવવાની માંગ કરી છે.









