રાજ્યના પ.૫ લાખ વિદ્યાર્થીઓનાં આધાર હજુ અપડેટ નહિ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

રાજ્યભરની શાળાઓમાં વિશેષ આધાર અપડેટ કેમ્પ
વિદ્યાર્થીઓનના શૈક્ષણિક લાભો નહિ અટકાવવા વિધાનસભામાં બાંહેધરી
મુંબઈ - મહારાષ્ટ્રમાં ૧૮ વર્ષ સુધીના અંદાજે ૫.૫ લાખ વિદ્યાર્થીઓના આધાર કાર્ડમાં બાયોમેટ્રિક અપડેટ બાકી હોવાનું રાજ્યના સ્કૂલ શિક્ષણમંત્રી દાદા ભુસેએ વિધાનસભામાં જણાવ્યું છે. જોકે તેમણે સ્પષ્ટ કર્યું છે કે, આધાર અપડેટ ન હોવા છતાં એકેય વિદ્યાર્થીને સરકારી યોજના, શૈક્ષણિક લાભ કે અન્ય કોઈ સુવિધાથી વંચિત રખાશે નહિ કે હજુ સુધી કોઈના લાભ અટકાવાયા પણ નથી.
ભાજપના વિધાન પરિષદ સભ્ય શ્રીકાંત ભારતીયએ લેખિત પ્રશ્ન દ્વારા પૂછ્યું હતું કે, આધાર અપડેટ ન હોવાથી વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ, શિષ્યવૃત્તિ, ડાયરેક્ટ બેનેફિટ ટ્રાન્સફર (ડીબીટી), પરીક્ષાના ફોર્મ ભરવા અથવા બેન્ક ખાતા સાથે આધાર લિન્ક કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે કે નહીં. તેના જવાબમાં દાદા ભુસેએ જણાવ્યું કે, આવા કોઈ અવરોધ વિદ્યાર્થીઓને ઊભા થયા હોવાના દાવા સાચા નથી.
સ્કૂલ શિક્ષણ વિભાગના જણાવ્યાનુસાર, ૨૧ એપ્રિલ ૨૦૧૫ના સરકારી ઠરાવ મુજબ દર વર્ષે શાળામાં નવા પ્રવેશિત બાળક માટે આધાર રજીસ્ટ્રેશન અને લિન્કિંગની વિશેષ પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. આ વર્ષે પણ ૨૭ એપ્રિલથી ૨૬ જૂન દરમ્યાન આ કામગીરી માટે ખાસ અભિયાન ચલાવાયું હતું. હાલમાં આધાર અપડેટ અને બાયોમેટ્રિક ચકાસણી માટે રાજ્યભરની શાળાઓમાં વિશેષ કેમ્પનું આયોજન કરાયું છે.
મંત્રીએ જણાવ્યું કે, જેમની પાસે આધાર કાર્ડ નથી કે જેમના અપડેટ બાકી છે તેમની પ્રક્રિયા પૂર્ણ કરવા માટે શાળા તથા તાલુકા સ્તરે સતત કામગીરી ચાલી રહી છે. સાથે જ શિક્ષણ વિભાગે તમામ સંબંધિત અધિકારીઓને સૂચના આપી છે કે, આધાર અપડેટની પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી કોઈપણ વિદ્યાર્થીને શૈક્ષણિક પ્રવેશ, સરકારી યોજનાઓ કે અન્ય લાભોથી વંચિત રાખવામાં ન આવે.




