કલ્યાણમાં અઢી વર્ષના બાળકની કમરમાં ઈન્જેક્શનની સોય રહી ગઈ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

માતાને શંકા ગઈ પણ ડોક્ટરોએ અવગણના કરી
ડકવાનું ઈન્જેકશન આપતી વખતે મહાપાલિકા હોસ્પિટલની બેદરકારી
મુંબઈ - કલ્યાણ-ડોમ્બિવલી મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય હોસ્પિટલમાં સારવાર દરમિયાન તબીબી બેદરકારીનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. કૂતરાએ કરડેલા અઢી વર્ષના બાળકને હડકવા વિરોધી ઇન્જેક્શન આપતી વખતે, તેની તૂટેલી સોય બાળકની કમરમાં ફસાઈ ગઈ હતી. હોસ્પિટલના સ્ટાફે આ ગંભીર બાબતને અવગણી, પરંતુ જ્યારે બાળકને અસહ્ય દુખાવો થવા લાગ્યો, ત્યારે માતાપિતાએ તેનો એક્સ-રે કરાવ્યો અને આ ઘટના બહાર આવી.
કલ્યાણ પૂર્વના કાકા ધાબા વિસ્તારમાં સૂર્યભાણ પાંડે અને તેમની પત્ની કાજલ પાંડે રહે છે. તેમના અઢી વર્ષના પુત્ર કવેશને એક રખડું કૂતરો કરડયો હતો. તેને સારવાર માટે કેડીએમસીની રૃક્મિણીબાઈ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. અહીં ફરજ પરના ડોકટરો અને સ્ટાફે તેને હડકવા વિરોધી ઇન્જેક્શન આપ્યું હતું. જોકે, ઇન્જેક્શન આપ્યા પછી, માતાપિતાએ જોયું કે સોય તૂટી ગઈ હતી અને બાળકની કમરમાં રહી ગઈ હતી.
છોકરાની માતા કાજલ પાંડેને શંકા ગઈ કે સોય તૂટી ગઈ છે અને તેમણે હોસ્પિટલના સ્ટાફને પૂછયું. જોકે, ડોક્ટરે તેમને છોકરાને ઘરે લઈ જવાનું કહ્યું, અને કહ્યું કે સોય ક્યાંક પડી ગઈ હશે. ઘરે ગયા પછી, છોકરાને ખૂબ દુખાવો થવા લાગ્યો અને તે ખૂબ રડવા લાગ્યો.
માતા-પિતા તાત્કાલિક બાળકને મુંબઈની સાયન હોસ્પિટલમાં લઈ ગયા, પરંતુ ત્યાં સારવારનો ઇનકાર કરવામાં આવતાં, તેમણે આખરે બાળકને ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યું હતું. ત્યાં, ડોકટરોએ એક્સ-રે લીધા પછી, સ્પષ્ટ થયું કે સોય બાળકની કમરમાં ફસાઈ ગઈ હતી. ત્યારબાદ, સર્જરી દ્વારા બાળકની કમરમાંથી સોય કાઢવામાં આવી.
આ ઘટના બાદ છોકરાના માતા-પિતાએ રોષે ભરાઈને પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે અમારા દીકરા સાથે બનેલી ભયાનક ઘટના બીજા કોઈ માસૂમ બાળક સાથે ન બનવી જોઈએ. આ ઘટના બાદ ફરી એકવાર પાલિકાની રુક્મિણીબાઈ હોસ્પિટલના ગેરવહીવટ પર પ્રશ્નો ઉભા થયા છે.
સ્થાનિક કાર્યકર્તાઓએ આ ઘટનાની ગંભીર નોંધ લીધી છે અને હોસ્પિટલના જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. આ સમગ્ર મામલે હજુ સુધી રૃક્મિણીબાઈ હોસ્પિટલ વહીવટીતંત્ર કે કેડીએમસી તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આવી નથી.









