બાંગ્લાદેશથી દુર્લભ પ્રજાતિઓનાં વન્ય જીવોની ભારતમાં દાણચોરીનું રેકેટ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

પશ્ચિમ બંગાળમાં દરોડા પાડી ત્રણ આરોપીઓની ધરપકડ
મુંબઈની ટીમોએ ઈજિપ્શિયન ગીધ, સ્લો લોરિસ વાંદરા સહિતના વન્ય જીવો કબ્જે કર્યાં ઃ ભારતમાં વેચાણનું સુનિયોજિત નેટવર્ક ચાલતું હતું
મુંબઈ - બાંગ્લાદેશથી સંરક્ષિત પ્રાણીઓની દાણચોરી કરી ભારતમાં તેનું વેચાણ કરતા અર્જુન મંજલ સહિત ત્રણની સીબીઆઈ તથા ડીઆરઆઈની ટીમની સંયુક્ત કાર્યવાહી દરમિયાન ધરપકડ કરાઈ હતી.
મુંબઈની ટીમો દ્વારા પશ્ચિમ બંગાળમાં વિવિધ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. આમાં એક મોટા પાંજરામાં છ ઈજિપ્શિયન ગીધ મળી આવ્યા હતા. આરોપી સૈકત બિશ્વાસે કબૂલાત કરી હતી કે આ ગીધ અર્જુન મંડલ બાંગ્લાદેશથી લાવ્યો હતો અને અર્જુન મંડલનો સાથી હિમાંશું મંડલ આ પ્રાણીઓની સંભાળ રાખતો હતો.
આ બાદ અધિકારીઓએ હિમાંશુ મંડલના ઘરે દરોડો પાડીને તપાસ કરતા તેના નિવાસ્થાનના ટેરેસ પરથી આઠ મોટા પાંજરામાં રાખવામાં આવેલા ૧૦ સ્લો લોરિસ મળી આવ્યા હતા. પૂછપરછ દરમિયાન હિંમાશૂએ કબૂલાત કરી હતી કે અર્જુન મંડલ આ પ્રાણીઓ લાવ્યો હતો અને તેને આ પરિસરમાં રાખવા બદલ અર્જુન તેને મોટું કમિશન પણ આપતો હતો.
આ કેસમાં પ્રાથમિક તપાસમાં અર્જુન મંડલ વન્યજીવ તસ્કરી રેકેટનો મુખ્ય સૂત્રધાર હોવાનો ખુલાસો થયો હતો. વધુ તપાસમાં અર્જુન બંગાળમાંથી સંરક્ષિત પ્રાણીઓ અને પક્ષીઓ લાવીને અહીં તેના વેચાણ માટે સુનિયોજિત નેટવર્ક ચલાવતો હતો. જપ્ત કરાયેલા પ્રાણીઓની સંભાળ અને તેમની હેરફેરમાં અન્ય લોકોની સંડોવણી અંગે પણ તપાસ ચાલી રહી છે. આ સમગ્ર રેકેટના આંતરરાષ્ટ્રીય જોડાણો તેમજ નાણાકીય વ્યવહારોની પણ તપાસ કરવામાં આવી રહી છે. આ કેસમાં અર્જુન મંડલ, સૈકત બિશ્વાસ અને હિમાંશુ મંડલની ધરપકડ કરાઈ છે.









