Mumbai

થાણેના કેબ ચાલકે ઘરે ઝઘડો થતાં રાયગઢ ફોર્ટ પહોંચી નીચે ઝંપલાવી દીધુ

By GS Team
6 Oct 20262 mins read
TukuTouch Logo
થાણેના સુયોગ પાંચાળ નામના કેબ ડ્રાઈવરે કૌટુંબિક ઝઘડા બાદ રાયગઢ કિલ્લાની ટકમક ટોચ પરથી પડતું મૂકી આપઘાત કર્યો. તેણે પત્નીને ફોટા મોકલી આત્મહત્યાની જાણ કરી હતી. પોલીસે ડ્રોનની મદદથી 800 ફૂટ ઊંડેથી સુયોગનો મૃતદેહ શોધી કાઢ્યો, જેને રેસ્ક્યુ ટીમે બહાર કાઢ્યો. મહાડ તાલુકા પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

થાણેના કેબ ચાલકે ઘરે ઝઘડો થતાં રાયગઢ ફોર્ટ પહોંચી નીચે ઝંપલાવી દીધુ

ફોર્ટ પર પહોંચી પત્નીને ફોટા  મોકલ્યા, આપઘાત કરતો હોવાની જાણ કરીં

ડ્રોનની મદદ લેતાં  ખીણમાં ૮૦૦ ફૂટ ઉંડે દેખાયેલો મૃતદેહ લેવા માટે એક ટીમ નીચે ઉતારાઈ

મુંબઈ -  થાણે શહેરના વાગ્લેએસ્ટેટ વિસ્તારના રામનગરમાં રહેતા એક કેબ ડ્રાઈવરે સુયોગ પાંચાળે રાયગઢ કિલ્લાની ટકમક નામની ટોચ પરથી પડતું મૂકી જીવન ટૂંકાવી દીધું હતું. આ ઘટના બાદ સ્થાનિક પોલીસ અને ટ્રેકરોએ ડ્રોનની મદદથી ૮૦૦ ફૂટ ઉંડેથી સુયોગનો મૃતદેહ શોધી કાઢ્યો હતો અને રેસ્ક્યુ ટીમના સભ્યોએ ખીણમાં ૮૦૦ ફૂટ નીચે ઉતરી તેના મૃતદેહને બહાર કાઢ્યો હતો.

આ બાબતે પ્રાપ્ત વધુ વિગતાનુસાર મૃતક સુયોગ પાંચાળ (૩૭)મૂળ રત્નાગિરી જિલ્લાનો વતની છે અને હાલ થાણાના વાગલે એસ્ટેટ વિસ્તારના રામનગરમાં રહેતો હતો. શનિવારે તેના ઘરમાં વિવાદ થતા તે ગુસ્સામાં બહાર નિકળ્યો અને બાઈક પર ખેડ જવા રવાના થયો હતો. જો કે ખેડ ન જતા તે રાયગઢ કિલ્લા પર પહોંચી ગયો હતો અને ત્યાં એક ટોચ (ટકમક) પરથી તેની પત્નીને વોટ્સએપ મેસેજ કરી અહીંના અમૂક ફોટાઓ મોકલી આવ્યા હતા. ત્યારબાદ તેણે ફોન કરી પરિવારજનોને આત્મહત્યા કરી રહ્યો હોવાનું જણાવ્યું હતું અને ફોન બંધ કરી દીધો.

આ વાતથી ચોંકી ઉઠેલી તેના પરિવારજનોએ તાત્કાલિક તેનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો પણ તેનો સંપર્ક થઈ શક્યો નહોતો. ડરી ગયેલા તેના પરિવારજનો તરત જ રાયગઢ જવા નીકળી પડયા હતા. જ્યાં કિલ્લાના પગથીયા પાસે પાર્ક કરેલી તેની બાઈક નજરે પડી હતી. પરિવારજનોએ તાત્કાલિક આ વાતની જાણ પોલીસને કરતા મહાડ તાલુકા પોલીસની એક ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. સ્થાનિક નાગરિકો અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમે રાયગઢ પર શોધ  ચલાવી હતી પણ રાત પડી જતા રેસ્ક્યુ કાર્ય થંભાવવામાં આવ્યું હતું. ત્યારબાદ રવિવારે વહેલી સવારથી રેસ્ક્યુ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.

આધુનિક ડ્રોન કેમેરાની મદદથી ૮૦૦ ફૂટ ઉંડે સુયોગનો મૃતદેહ નજરે પડયો હતો. ત્યારબાદ એક  ટીમ ખીણમાં ઉતરી હતી અને દોરડા તેમજ અન્ય આધુનિક ઉપકરણોની મદદથી સુયોગનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. મહાડ તાલુકા પોલીસે આ સમગ્ર ઘટનાની વધુ તપાસ ચલાવી રહી છે.