તંત્રની બેદરકારી? મુંબઈમાં વૃક્ષ ધરાશાયી થતાં માસૂમ વિદ્યાર્થી બાદ હવે નેતાના પુત્રએ ગુમાવ્યો જીવ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Mumbai Rain Tragedy: મુંબઈ સહિત આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદના કારણે સ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે. ઠેર-ઠેર પાણી ભરાઈ જવાના કારણે રસ્તાઓ પરના ખાડા દેખાતા બંધ થઈ ગયા છે, જેને લીધે લોકો મેનહોલમાં ખાબકી રહ્યા છે. સતત વરસી રહેલા વરસાદને કારણે વૃક્ષો નબળા પડીને રસ્તાઓ પર ધરાશાયી થઈ રહ્યા છે, જે વાહનચાલકો અને રાહદારીઓ માટે જીવલેણ સાબિત થઈ રહ્યા છે. મુંબઈથી અડીને આવેલા મીરા-ભાયંદર વિસ્તારમાંથી પણ આવી જ એક ઘટના સામે આવી છે, જ્યાં એક યુવાને પોતાનો જીવ ગુમાવ્યો છે.
ચાલુ બાઇક પર નાળિયેરીનું ઝાડ પડતા યુવકનું મોત
મીરા-ભાયંદરના રાઈ ગામમાં બે દિવસ પહેલા ભારે વરસાદ દરમિયાન એક મોટી દુર્ઘટના ઘટી હતી. 35 વર્ષીય રાહુલ અશોક પાટીલ પોતાની બાઇક લઈને રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે અચાનક એક મોટું નાળિયેરીનું ઝાડ તેમની ચાલુ બાઇક પર આવી પડ્યું હતું. ઝાડ નીચે દબાવાને કારણે રાહુલ પાટીલ ગંભીર રીતે ઘાયલ થયા હતા. આસપાસના સ્થાનિક લોકોએ તાત્કાલિક એકઠા થઈને ભારે વૃક્ષ નીચેથી તેમને બહાર કાઢ્યા અને ગંભીર હાલતમાં હોસ્પિટલના આઇસીયુમાં દાખલ કર્યા હતા. જોકે, ડૉક્ટરોના ભારે પ્રયાસો છતાં તેમને બચાવી શકાયા નહોતા અને શુક્રવારે તેમણે હોસ્પિટલમાં દમ તોડ્યો હતો. મૃતક રાહુલ પાટીલ મીરા-ભાયંદર નગર પરિષદના પૂર્વ ડેપ્યુટી મેયર અશોક પાટીલના પુત્ર હતા.

મુંબઈમાં ઝાડ પડવાની અન્ય એક ઘટનામાં 11 વર્ષના માસૂમનું મોત
વૃક્ષ ધરાશાયી થવાની આવી જ એક કાળજું કંપાવી દે તેવી ઘટના 30 જૂનના રોજ મુંબઈના ચેમ્બુર (પૂર્વ) વિસ્તારમાં પણ બની હતી. ડાયમંડ ગાર્ડન પાસે આવેલા 11મા રોડ પર એક વિશાળ પીપળાનું ઝાડ જડમૂળમાંથી ઉખડીને યુનિવર્સલ સ્કૂલની બસ પર ખાબક્યું હતું. આ ભયાનક અકસ્માતમાં 11 વર્ષના માસૂમ વિદ્યાર્થી વિહાન શ્રીવાસ્તવનું મોત નીપજ્યું હતું. આ માસૂમ બાળક તેના માતા-પિતાનો એકનો એક પુત્ર હતો. મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં નબળા પડેલા વૃક્ષો હવે લોકો માટે કાળ સાબિત થઈ રહ્યા છે.









