રાજ્યમાં ૮૭ ટકા વિદ્યાર્થીનાં અપાર આઈડી તૈયારઃ મુંબઈનાં પરાં સૌથી પાછળ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

સમ્રગ શૈક્ષણિક રેકોર્ડ જાળવવા માટે અપાર આઈડી અગત્યનાં
૨૫ લાખથી વધુ વિદ્યાર્થીઓએ હજુ પણ અરજી કરી નથીઃ શહેરો કરતાં ગામડામાં બહેતર કામગીરી
મુંબઈ - રાજ્યના વિદ્યાર્થીઓની શૈક્ષણિક નોંધોને ડિજિટલ સ્વરૃપે એકત્રિત કરવા માટે ચાલી રહેલી અપાર આઈડી બનાવવાની પ્રક્રિયામાં મહારાષ્ટ્રે ૮૭.૪૧ ટકા કામગીરી પૂર્ણ કરી છે. રાજ્યમાં કુલ ૨.૧૩ કરોડ વિદ્યાર્થીઓમાંથી ૧.૮૬ કરોડ વિદ્યાર્થીઓના અપાર આઈડી તૈયાર થઈ ચૂક્યા છે. જોકે, હજુ ૨૫. ૪૦ લાખ વિદ્યાર્થીઓ નોટ એપ્લાઇડ શ્રેણીમાં છે.
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (એનઈપી) ૨૦૨૦ હેઠળ વિદ્યાર્થીઓના સમગ્ર શૈક્ષણિક પ્રવાસનો ડિજિટલ રેકોર્ડ તૈયાર કરવા માટે અપાર આઈડીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. કેન્દ્ર સરકારના નિર્દેશો અનુસાર રાજ્યમાં આ કામગીરી ઝડપી બનાવવામાં આવી રહી છે. જો કે, મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હજુ પ્રક્રિયામાં અપ્લાય ન કર્યું હોવાથી શિક્ષણ વિભાગ સામે કામગીરી પૂર્ણ કરવાનો પડકાર છે.
જિલ્લાવાર કામગીરીમાં સિંધુદુર્ગ ૯૬.૮૫ ટકા સાથે રાજ્યમાં પ્રથમ ક્રમે છે. અહીં ૯૧,૪૨૫ વિદ્યાર્થીઓમાંથી ૮૮,૫૪૭ વિદ્યાર્થીઓના અપાર આઈડી તૈયાર થયા છે. ત્યારબાદ રત્નાગિરીમાં ૯૪.૬૪ ટકા, ગઢચિરોલીમાં ૯૩.૪૮ ટકા, ભંડારામાં ૯૩.૨૩ ટકા અને ગોંદિયામાં ૯૩.૨૧ ટકા વિદ્યાર્થીઓના અપાર આઈડી તૈયાર થયા છે.
અન્ય જિલ્લાઓમાં અહિલ્યાનગરમાં ૯૨.૬૦ ટકા, વર્ધામાં ૯૨.૪૭ ટકા, સાતારામાં ૯૨ ટકા, નાશિકમાં ૯૦.૪૩ ટકા અને ચંદ્રપુરમાં ૯૦.૩૩ ટકા કામગીરી પૂર્ણ થઈ છે. આ આંકડાઓથી કેટલાક ગ્રામીણ જિલ્લાઓએ મોટા શહેરી જિલ્લાઓની સરખામણીએ વધુ સારી કામગીરી કરી હોવાનું ચિત્ર સામે આવ્યું છે.
બીજી તરફ મુંબઈ ઉપનગર જિલ્લો ૮૦.૮૦ ટકા કામગીરી સાથે રાજ્યમાં સૌથી પાછળ છે. મુંબઈ ઉપનગરના કુલ ૬. ૮૭ લાખ વિદ્યાર્થીઓમાંથી ૫. ૫૫ લાખ વિદ્યાર્થીઓના અપાર આઈડી તૈયાર થયા છે. મુંબઈ શહેરમાં ૮૮.૯૪ ટકા, પાલઘરમાં ૮૬.૩૮ ટકા, થાણેમાં ૮૫.૭૯ ટકા અને પુણેમાં ૮૫.૪૪ ટકા વિદ્યાર્થીઓના અપાર આઈડી તૈયાર થયા છે.
દરમિયાન, રાજ્યમાં ૭૧,૫૩૬ વિદ્યાર્થીઓના અપાર આઈડી બનાવવા માટે વિનંતીઓ કરવામાં આવી હતી. પરંતુ તેમાંથી ૭૦,૦૬૧ અરજીઓ નિષ્ફળ ગઈ છે. તેથી માત્ર નવા અપાર આઈડી તૈયાર કરવાનું જ નહીં, પરંતુ નિષ્ફળ ગયેલી અરજીઓની પ્રક્રિયા પૂર્ણ કરવાનું પણ શિક્ષણ વિભાગ માટે મહત્વનું કાર્ય બની ગયું છે.
શિક્ષણ વિભાગ હવે બાકી રહેલા વિદ્યાર્થીઓને અપાર આઈડીની પ્રક્રિયામાં સામેલ કરવા સાથે નિષ્ફળ અરજીઓનું નિરાકરણ લાવવાની દિશામાં કામગીરી કરશે. રાજ્યમાં ડિજિટલ શૈક્ષણિક રેકોર્ડની વ્યવસ્થાને વધુ વ્યાપક બનાવવા માટે આગામી તબક્કામાં આ કામગીરીને વધુ ગતિ આપવાની જરૃરિયાત ઊભી થઈ છે.




