Mumbai

દેશમાં સ્ટોરેજના અભાવે દર વર્ષે 85 લાખ ટન કાંદા સડી જાય છે

By GS Team
30 May 20262 mins read
દેશમાં  સ્ટોરેજના અભાવે દર વર્ષે 85 લાખ ટન કાંદા સડી જાય છે

દેશનું ૪૫ ટકા કાંદા ઉત્પાદન એકલાં મહારાષ્ટ્રમાં

૧૭ લાખ ટનનો વપરાશ, ૧૧ લાખ ટન નિકાસ થાય છેઃ ફક્ત ત્રણથી ચાર લાખ ટન જ પ્રોસેસ કરાય છે

મુંબઇ -  આપણાં દેશમાં દર વર્ષે ૩૦૦થી ૩૧૦ લાખ ટન કાંદાનું ઉત્પાદન થાય છે. કાંદાની દેશાંતર્ગત માગણી અને વપરાશ ૨૦૪ લાખ ટન છે અને ૧૧ લાખ ટન કાંદા નિકાસ કરવામાં આવે છે. જ્યારે ૮૫ લાખ ટન કાંદા સંગ્રહ કરવાની પૂરતી અને યોગ્ય સુવિધાના  અભાવે સડી જતા હોવાથી ફેંકી દેવા પડે છે. આટલી ગંભીર બાબત તરફ સરકાર અને પ્રશાસન સહિત લોકપ્રતિનિધિઓ અને ખેડૂતોમાં ઉદાસીનતા જોવા મળે છે.

 દેશમાં મહારાષ્ટ્ર  સહિત છ રાજ્યોમાં કાંદાનું ઉત્પાદન થાય છે. આમાંથી ૪૦થી ૪૫ ટકા અર્થાત ૧૨૦થી ૧૩૫ લાખ ટન કાંદા એકલા મહારાષ્ટ્ર રાજ્યમાં જ પાકે છે. આમાંથી ૮૫થી ૯૦ ટકા ઉત્પાદન મહારાષ્ટ્રના નાસિક, પુણે, અહિલ્યાનગર, સોલાપુર અને જળગાંવમાં થાય છે.

ભારતમાં દર મહિને ૧૭ લાખ ટન કાંદા વપરાશ થાય છે, ત્રણથી ચાર લાખ ટન કાંદા ઉપર  પ્રક્રિયા કરવામાં આવે છે, સરારેશ ૧૧ લાખ ટન કાંદા નિકાસ કરવામાં આવે છે અને ૮૫ લાખ ટન કાંદા પ્રક્રિયા કર્યા વિના પડયા રહે છે.

કાંદા પર પ્રક્રિયા કરવાના ઉદ્યોગમાં ગુજરાતનું મહુવા શહેર મોખરે છે. મહુવામાં ફક્ત સફેદ કાંદા ઉપર પ્રક્રિયા કરવામાં આવે છે. પ્રક્રિયા માટેના કાંદા ભાવનગર વિસ્તારમાંથી આવે છે. મહારાષ્ટ્રના જળગાંવમાં કાંદા  પર પ્રક્રિયા થાય છે.

કાંદાનો સંગ્રહ કરવા માટે વેન્ટિલેટેડ સ્ટોરેજ આવશ્યક છે. કાંદાની સેલ્ફ લાઇફ વધારવા માટે પત્તા સાથે વ્યવસ્થિત રીતે સૂકવવા પડે છે. આને માટે હવાની અવરજવર જરૃરી છે.કૃષિ ક્ષેત્રના નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે કાંદાને ડિહાઇડ્રેટ કરી વધુ જ પાણી  ચૂકવી નાખવામાં આવ્યા પછી તેમાંથી ફ્લેક્સ અને પાઉડર બનાવી શકાય છે, કાંદાનું તેલ, અર્ક, પેસ્ટ, પ્યુરી, રસ, સિરપ તૈયાર કરી શકાય છે. આપણે ત્યાં અત્યારે સફેદ કાંદા ઉપર વધુ પ્રમાણમાં પ્રક્રિયા થાય છે, કારણ કે લાલ કાંદા  પર પ્રક્રિયા કરવાનું પ્રમાણમાં મોંઘુ પડે છે.