Mumbai

દેશની ખાનગી બેન્કોમાં એક વર્ષમાં 7,700 કર્મચારીઓની છટણી થઈ

By GS Team
15 Jul 20262 mins read
TukuTouch Logo
મુંબઈમાં HDFC, એક્સિસ અને કોટક મહિન્દ્રા જેવી 3 મોટી ખાનગી બેંકોએ AI અને ડિજિટલ ટેક્નોલોજીના વધતા ઉપયોગને કારણે 7,700 કર્મચારીઓની છટણી કરી છે. નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન આ ઘટાડો જોવા મળ્યો છે, જ્યારે બેંકોનો કારોબાર અને શાખાઓ સતત વધી રહી છે. આ દર્શાવે છે કે બેંકિંગ ક્ષેત્રમાં માનવીય ભૂમિકા ઘટી રહી છે અને ટેક્નોલોજી પર નિર્ભરતા વધી રહી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

દેશની ખાનગી બેન્કોમાં એક વર્ષમાં 7,700 કર્મચારીઓની છટણી થઈ

મુંબઈ: આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના કારણે છટણીના અહેવાલો અત્યાર સુધી અમેરિકા અને યુરોપના દેશોમાંથી જ આવતા હતા, પરંતુ હવે ભારતમાં પણ તેની અસરો દેખાવા લાગી છે. દેશમાં એઆઈના કારણે બેન્કિંગ ક્ષેત્રમાં મોટું પરિવર્તન આવી રહ્યું છે. ત્રણ મોટી ખાનગી બેન્ક એચડીએફસી, એક્સિસ અને કોટક મહિન્દ્રાએ નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬માં કુલ ૭,૭૦૦ કર્મચારીઓની છટણી કરી હતી. બીજીબાજુ રસપ્રદ બાબત એ છે કે આ સમયમાં આ બેન્કોનો કારોબાર સતત વધી રહ્યો છે અને નવી શાખાઓ પણ ખૂલી રહી છે.
દેશની ત્રણ મોટી ખાનગી બેન્કો એચડીએફસી, એક્સિસ અને કોટક મહિન્દ્રાએ ઓટોમેશન, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ) અને ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ વધાર્યું છે. સાથે જ તેમણે દૈનિક કામકાજમાં માનવીય ભૂમિકા ઘટાડી છે, જે બેન્કિંગ ક્ષેત્રે માળખાગત પરિવર્તનના સંકેત આપે છે.

સમીક્ષા હેઠળના સમયમાં આ ત્રણેય બેન્કોના કુલ કર્મચારીઓની સંખ્યા ૩.૯૩ લાખથી વધુ હતી, જે એક વર્ષમાં ઘટીને ૩.૮૫ લાખ રહી ગઈ. એક વર્ષમાં ત્રણેય બેન્કોએ કુલ ૭,૭૦૦થી વધુ કર્મચારીઓની છટણી કરી હતી. બીજીબાજુ આ બેન્કોની શાખાઓ સતત વધી રહી છે. આ બાબત કારોબાર વધવાની સાથે કર્મચારીઓની સંખ્યા વધારવાની ઉદ્યોગની વ્યૂહરચનામાં પરિવર્તનના સંકેત આપે છે.
બેન્કો હવે નિયમિત કામકાજ માટે ટેક્નોલોજી પર નિર્ભરતા વધારી રહી છે જ્યારે માનવ સંશાધનોને વેચાણ, રિલેશનશિપ મેનેજમેન્ટ અને એડવાઈઝરી સર્વિસમાં રોકી રહી છે. કર્મચારીઓની સંખ્યામાં ઘટાડો એચડીએફસી બેન્ક માટે વધુ મહત્વપૂર્ણ જણાય છે, કારણ કે છેલ્લા નવ વર્ષમાં પહેલી વખત બેન્કના કર્મચારીઓની સંખ્યા ઘટી છે.
આ સંદર્ભમાં એચડીએફસી બેન્કે કહ્યું કે, કર્મચારીઓની સંખ્યામાં ઘટાડો છટણીના કારણે નથી થયો. ટેક્નોલોજીની મદદથી બેક-ઓફિસના અનેક કામ પહેલાં કરતા વધુ ઝડપી અને સરળ થઈ ગયા છે.
આ કારણે અનેક કર્મચારીઓને બેક ઓફિસમાંથી હટાવીને સીધા ગ્રાહકો સાથે જોડવાના કામમાં લગાવાયા છે. જોકે, બેન્કિંગ ક્ષેત્રમાં આ પરિવર્તનથી કર્મચારીઓના નોકરી છોડવાના દરમાં સુધારો થયો છે.
નાણાકીય વર્ષ ૨૦૨૩માં આ દર ૩૪.૨ ટકા હતો, જે ૨૦૨૬માં ઘટીને ૨૩.૧ ટકા રહ્યો છે.
કોટક મહિન્દ્રા બેન્કે નાણાકીય વર્ષ ૨૦૨૬માં ૨૮,૮૪૬ લોકોની ભરતી કરી, જે ગયા વર્ષની તુલનામં ૪૨ ટકા વધુ છે. તેમ છતાં બેન્કના કુલ કર્મચારીઓની સંખ્યામાં ૧,૨૬૯નો ઘટાડો થયો છે. બેન્કનું કહેવું છે કે હેવ તેની ભરતીનું ફોકસ બદલાયું છે. બેન્ક એઆઈ, ક્લાઉડ ટેક્નોલોજી, એન્જિનિયરિંગ, એડવાન્સ ટેક્નોલોજીમાં ભરતી કરી રહી છે.
એક્સિસ બેન્કમાં પણ કર્મચારીઓની સંખ્યા સતત બીજા વર્ષે ઘટી છે. નાણાકીય વર્ષ ૨૦૨૫માં બેન્કમાં ૧.૦૪ લાખ કર્મચારી કામ કરતા હતા, જે ૨૦૨૬માં ઘટીને ૧.૦૧ લાખ થઈ ગયા. એટલે કે બેન્કમાંથી ૩,૧૧૬ કર્મચારીઓની છટણી થઈ હતી. આમ છતાં એક્સિસ બેન્કે ૨૦૨૬માં ૩૧,૦૦૦ વધુ લોકોની ભરતી કરી હતી. સાથે જ બેન્કે અંદાજે ૪૦૦ નવી શાખાઓ પણ ખોલી હતી. એટલે કે કારોબાર વધતો રહ્યો, પરંતુ કર્મચારીઓની કુલ સંખ્યા ઘટી હતી તેમ સૂત્રોએ જણાવ્યું હતું.