Mumbai

ભાંડુપનો 7 વર્ષનો બાળક વિરારના રિસોર્ટના સ્વિમિંગ પૂલમાં ડૂબી ગયો

By GS Team
19 May 20262 mins read
ભાંડુપનો 7 વર્ષનો બાળક વિરારના રિસોર્ટના સ્વિમિંગ પૂલમાં ડૂબી ગયો

વિરારના વધુ એક સ્વિમિંગ પૂલમાં ગોઝારી ઘટના

નવાપુરનાં મંથન રિસોર્ટમાં વેવપૂલમાં રમતી વખતે દુર્ઘટના

મુંબઈ  -  વિરાર નજીક નવાપુરમાં એક રિસોર્ટમાં પોતાના પરિવાર સાથે વેકેશન માણવા આવેલા ભાંડુપના પરિવારનો  સાત વર્ષનો  લવિત રામજીત યાદવ  સ્વિમિંગ પુલમાં ડૂબી ગયો હતો.

રવિવાર, ૧૭ મેના રોજ, મુંબઈના ભાંડુપ (પશ્ચિમ) માં કસ્ટમ કોલોની નજીક રહેતા રામલાલ જયકરણ યાદવ તેમના પૌત્રો સાથે વસઈના નવાપુરમાં આવેલા 'મંથન રિસોટ'માં આવ્યા હતા. બપોરે ત્રણ વાગ્યાની આસપાસ, બધા બાળકો રિસોર્ટના સ્વિમિંગ પુલ ('વેવ પૂલ') માં રમી રહ્યા હતા. રમતી વખતે, અચાનક સાત વર્ષનો લવિત પાણીમાં ડૂબવા લાગ્યો હતો. આ વાતની જાણ થતાં જ રિસોર્ટના લાઇફગાર્ડ્સે તેને તાત્કાલિક પાણીમાંથી બહાર કાઢયો હતો. ત્યાર બાદ તેને તાત્કાલિક વિરારની ગ્રામીણ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. જો કે, ત્યાંના ડોક્ટરોએ તેને દાખલ થાય તે પહેલાં જ મૃત જાહેર કર્યો હતો.

આ કેસમાં અર્નાળા મરીન પોલીસ સ્ટેશનમાં આકસ્મિક મૃત્યુ નોંધવામાં આવ્યું છે. અગાઉ પણ વસઈના વિરાર વિસ્તારમાં સ્વિમિંગ પુલમાં ડૂબી જવાની ઘટનાઓ બની છે. સ્વિમિંગ પુલમાં મૃત્યુની આ ઘટનાએ ફરી એકવાર સ્વિમિંગ પુલની સલામતીનો મુદ્દો  સામે આવ્યો છે.

વિરાર આસપાસનાં રિસોર્ટમાં જીવલેણ દુર્ઘટનાઓનો સિલસિલો

-૨૦ માર્ચ, ૨૦૨૬ના રોજ, પંદર વર્ષનો આર્યન કનોકિયા રિસોર્ટમાં રમતી વખતે જખમી થયો હતો. આ બાદમાં તેનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.

-૨૯ મે, ૨૦૨૪ના રોજ, સાત વર્ષના સમીક્ષા જાધવ નામનો બાળક રંગાંવ બીચ પર એચ.ડી નામના રિસોર્ટમાં ડૂબી ગયો હતો.

-૯ મે, ૨૦૨૪ના રોજ, વસઈના રંગાંવમાં રોયલ રિસોર્ટમાં સ્વિમિંગ પુલમાં ડૂબી ગયો અને રિદ્ધિ માને નામનો ૧૦ વર્ષનો બાળક મૃત્યુ પામ્યો હતો.

-નવેમ્બર ૨૦૨૪ માં, અર્નાળાના વિસાવા રિસોર્ટમાં સ્વિમિંગ પુલમાં ૨૫ વર્ષીય યુવક ડૂબી ગયો હતો.

-૧૪ જૂન, ૨૦૨૩ ના રોજ, વિરાર પશ્ચિમના નવાપુર વિસ્તારમાં આવેલા સેવન સીઝ રિસોર્ટમાં બાંદરાના રહેવાસી મોહમ્મદ ઇમાદ મુદત્સર નામના ચાર વર્ષના છોકરાનું મૃત્યુ થયું હતું.