Mumbai

નાગપુરના જંગલમાં દીપડાનો શિકાર કરતા 7 શિકારી ઝડપાયા

By GS TEAM
13 Dec 20251 min read
નાગપુરના જંગલમાં દીપડાનો શિકાર કરતા 7 શિકારી ઝડપાયા

વન્યજીવોના અવયવોનો રીતસર ઢગલો મળી આવ્યો

દીપડાને મારીને તેની ખાલ ઊંચી કિંમતે વેંચી નાખતા હતાઃ બીજાં અનેક વન્ય પ્રાણીઓનો પણ ખાત્મો 

મુંબઈ - મહારાષ્ટ્રમાં એક તરફ દીપડા અને માનવ વચ્ચે સંઘર્ષની સમસ્યા   ચરમસીમાએ પહોંચી છે ત્યારે બીજી બાજુ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે નાગપુરના આસપાસના જંગલમાં દીપડાનો ગેરકાયદે શિકાર કરતી સાત શિકારીઓની ગેંગને ઝડપી લીધા હતા.

હિંગણાના જંગલમાં ૯મી ડિસેમ્બરે એક દીપડાનો શિકાર થયા પછી જંગલ ખાતાના અધિકારીઓએ તપાસ હાથ ધરી હતી અને એક શકમંદને પકડી પાડયો હતો તેની પાસેથી દીપડાના શિકારમાં વપરાયેલા હથિયારો પકડાયા હતા. તેણે આપેલી માહિતીને આધારે એક પછી એક આરોપીઓને પકડવામાં આવ્યા હતા. અને તેમની પાસેથી દીપડાની ખાલ પણ હસ્તગત કરવામાં આવી હતી. આ ગેંગ દીપડા અને બીજા પ્રાણીઓનો શિકાર કરીને ઊંતી કિંમતે ખાલ અને બીજા અવયવો વેંચતી હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું.

શિરૃળ અને બુટીબોરી વિસ્તારમાં વનવિંભાગે કાર્યવાહી હાથ ધરીને ગેરકાયદે શિકાર કરતી ટોળીનો પર્દાફાશ કર્યો હતો. આ કાર્યવાહી દરમ્યાન એક જગ્યાએ પ્રાણીઓના અવયવો, હાડકાં ખોપરીનો રીતસર ઢગલો મળી આવ્યો હતો.  આમાં દીપડા અને કાળીઆર હરણની ખાલ, ચિત્તળ અને મોરના કેટલાય પગ, હરણ અને કાળીઆરના શિંગડા, વાંદરા અને ચિત્તળની ખોપડીઓ, વાઘ અને જંગલી ડુક્કરના દાંત અને શાહુડીના કાંટા પકડાયા હતા.