મધ્ય રેલવેની લોકલમાં 60 વર્ષીય પ્રવાસી 15 કલાક બેભાન પડી રહ્યો

રેલવે સુરક્ષામાં મોટી બેદરકારી, કોઈ પ્રવાસીએ પણ ધ્યાન ન દોર્યું
ડોમ્બિવલીના રહીશ સાયનથી નીકળ્યા બાદ લાપતા થતાં પરિવારે પોલીસ ફરિયાદ નોંધાવીઃ મોબાઈલ , આઈકાર્ડસના આધારે ઓળખ
મુંબઇ - મુંબઈની સેન્ટ્રલ રેલવે લાઈન પર કલ્યાણ-ટિટવાલા વચ્ચે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં એક મુસાફર બેભાન હાલતમાં લગભગ ૧૫ કલાક સુધી લોકલ ટ્રેનમાં પડયો રહ્યાની ઘટના સામે આવી છે. છતાં કોઈએ સમયસર ધ્યાન આપ્યું નહોતું. આ ઘટનાએ રેલવે સુરક્ષા વ્યવસ્થાની ગંભીર બેદરકારી પર સવાલો ઊભા કર્યા છે.
માહિત ી મુજબ, ડોમ્બિવલીના રહેવાસી એવા ૬૦ વર્ષીય પ્રવાસી સંજય શિંદે૧૫ એપ્રિલના રોજ સાંજે ૪ વાગ્યાથી બીજા દિવસે સવારે સવારે સાત વાગ્યા સુધી લોકલ ટ્રેનમાં બેભાન પડી રહ્યા હતા. સાંજે સાયન સ્ટેશનેથી ટ્રેન પકડયા બાદ તેમનો સંપર્ક થઈ શક્યો નહોતો. પરિવારજનોએ પોલીસમાં નોંધ કરાવી હતી. તે દરમ્યાન બીજે દિવસે સવારે પોલીસે ફોન કરી પરિવારજનોને જણાવ્યું હતું કે તે પ્રવાસી કલ્યાણમાં છે. તપાસ દરમિયાન, બેભાન મુસાફરની ઓળખ માટે તેની પાસે રહેલા ઓળખપત્ર, મોબાઇલ ફોન અને અન્ય દસ્તાવેજોની તપાસ કરવામાં આવી. ફોનમાં મળેલા સંપર્ક નંબરના આધારે તેના પરિવારજનોનો સંપર્ક કરવામાં આવ્યો. રેલવે અધિકારીઓએ પરિવારને જાણ કરી અને તેમને તાત્કાલિક હોસ્પિટલ પહોંચવા સૂચના આપી.
નોંધવાની વાત એ છે કે, એક મુસાફર ટ્રેનમાં બેભાન હતો પરંતુ લાંબા સમય સુધી સહ-મુસાફરો અને રેલવે સ્ટાફ તરફથી કોઈ યોગ્ય પ્રતિસાદ મળ્યો નહોતો. ટ્રેન અનેક સ્ટેશનો પરથી પસાર થતી રહી છતાં તેની સ્થિતિ પર કોઈનું ધ્યાન ગયું નહોતું. આખરે લાંબા સમય બાદ મુસાફરની સ્થિતિ નજરે ચઢતાં તેને તાત્કાલિક બહાર કાઢીને સારવાર માટે ખસેડવામાં આવ્યો.
આ ઘટનાથી ખાસ કરીને રેલવે સુરક્ષા દળ (આરપીએફ) અને સ્ટાફની સતર્કતા અંગે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. દરરોજ લાખો લોકોની મુસાફરી કરતી લોકલ ટ્રેનમાં કોઈ વ્યક્તિ કલાકો બેભાન રહે અને તેની નોંધ ન લેવાય તે અંગે સવાલો સર્જાયા છે.




