Mumbai

2 વર્ષમાં બેસ્ટની ભાડાની બસના અકસ્માતમાં 40 જણનાં મોત

By GS Team
7 Jun 20262 mins read
2 વર્ષમાં બેસ્ટની ભાડાની બસના અકસ્માતમાં 40 જણનાં મોત

બેસ્ટની કરકસરના પગલાં મુંબઈગરાં માટે જોખમી  

  બેસ્ટની પોતાની બસોના અકસ્માતમાં મૃત્યુનું પ્રમાણ પાંચમાંથી અને ઘટીને ત્રણ થયું

મુંબઈઆર્થિક તંગીનો સામનો કરતા  બેસ્ટ ઉપક્રમની કરકસરની યોજના મુંબઈગરા માટે જીવનું જોખમ બની રહી છે. ખર્ચો ઓછો કરવા માટે કાફલામાં સમાવિષ્ટ કરાયેલી ભાડાની બસોની દેખભાળ અને સમારકામનો પ્રશ્ન અને વધી રહેલા અકસ્માતને લીધે મુંબઈગરાના રોજનો પ્રવાસ અસુરક્ષિત બન્યો છે. ગત બે વર્ષમાં ભાડા પર લીધેલી બસોના અકસ્માતમાં ૪૦ મુંબઈગરાએ જીવ ગુમાવ્યા છે. ગુરુવારે સવારે માતેશ્વરી કંપનીના ભાડે લીધેલી બસે અડફેટમાં લીધેલા ટેક્સી ચાલકનું મલાડમાં મોત થયું હતું. આથી ભાડા પરની બસોનો પ્રશ્ન ગંભીર બન્યો છે.

મુંબઈ ઉપનગરીય રેલવે સાથે હવે બેસ્ટ પણ મુંબઈની બીજી જીવનવાહિની તરીકે ઓળખાય છે. વાજબીદરે સુરક્ષીત પ્રવાસ માટે લાખો મુંબઈગરા આજે પણ બેસ્ટનો પ્રવાસ કરે છે. છતાં ગત કેટલાંક વર્ષમાં બેસ્ટના અકસ્માતમાં વધારો નોંધાયો છે. બેસ્ટના કાફલામાં ૨,૭૯૨ બસમાંથી ૨૪૯ બસ સ્વમાલિકીની છે. અકસ્માતમાં ભાડે લીધેલી બસની સંખ્યા વધુ છે.

મેઈન્ટેનન્સના અભાવે ભાડાની બસ અચાનક શોર્ટ સર્કિટને લઈ ભડકે બળવાની ઘટના પણ બની ચૂકેલી છે નાદુરસ્ત બસ  રસ્તા પર અચાનક બંધ પડવાની પણ ઘટના બને છે. જેમાં પ્રવાસીઓના જીવને જેખમ છે.

ઉપલબ્ધ આકંડાવારી અનુસાર ભાડા પરની  બસના અકસ્માતમાં ૨૦-૨૪-૨૫માં ૧૯ના મોત થયા હતા. ૨૦૨૫-૨૬માં ૨૧ જણના મોત થયા હતા. સામે બેસ્ટની પોતાની બસના અકસ્માત મૃત્યુ પાંચથી ત્રણ થઈને ઘટયા છે. વધી રહેલા અકસ્માતને લીધે બેસ્ટ ઉપક્રમે બસની તપાસ વધારી હોવાથી વધુ કડક સુરક્ષા યોજના લાગુકરી છે. સીઅનેજી અને ઈલેક્ટ્રિક બસ ચલાવતા કોન્ટ્રેક્ટ પરના ચાલકો માટે ચાર સપ્તાહનું પ્રશિક્ષણ અનિવાર્ય કરાયું છે.

મે મહિનામાં ચાર બસને આગ લાગી હતી. પ્રતીક્ષા નગર ડેપો અને સાંતાક્રુઝમાં આ ઘટનાઓ બની હતી. મેઈન્ટેનન્સના નિયમનો ભંગ કરતા કોન્ટ્રેક્ટરોને નોટિસ બજાવીને ૫૦ હજારનો દંડ વસૂલવાનું શરૃ કર્યું છે.

પ્રવાસીની સુરક્ષા માટે બેસ્ટ પ્રશાસને કોન્ટ્રેક્ટ પરના ડ્રાઈવરો માટે વિશેષ પ્રશિક્ષણ અનિવાર્ય કર્યું છે. બસની તપાસ પર ભાર આપ્યો છે, પણ આ બધી સમસ્યાને લીધે ભાડા પરની બસ અને બેસ્ટ પર વિશ્વાસ ઓસરી રહ્યો છે.