Mumbai

નકલી શેર ટ્રેડિંગ દ્વારા 350 આરપીએફ કર્મચારીઓ સાથે 50 કરોડ સુધીની ઠગાઈ

By GS TEAM
27 Nov 20253 mins read
નકલી શેર ટ્રેડિંગ દ્વારા 350 આરપીએફ કર્મચારીઓ સાથે 50 કરોડ સુધીની ઠગાઈ

પૈસાનો ઉપયોગ કરી વતનમાં મોટાપાયે રોકાણ કર્યું

આર્થિક ગુના શાખાએ ૩૦ વર્ષના યુવાનની કરી ધરપકડ થાણે 

મુંબઈ -  રેલવે પ્રોટેકશન ફોર્સ (આરપીએફ)ના અધિકારી કર્મચારીઓ સાથે નકલી શેર ટ્રેડીંગ યોજના દ્વારા કથિત છેતરપિંડી કરનાર ઓમપ્રકાશ યાદવ (૩૦) નામના એક યુવાનની થાણે પોલીસની આર્થિક ગુના શાખા (ઈઓડબલ્યુ)એ ધરપકડ કરી હતી.

પોલીસનો અંદાજ છે કે ઓમપ્રકાશ યાદવે લગભગ ૩૫૦ જેટલા આરપીએફના કર્મચારીઓ સાથે ૪૦થી ૫૦ કરોડની છેતરપિંડી કરી છે. આ કેસમાં અત્યાર સુધીમાં ૪૦ જેટલા અધિકારી- કર્મચારીઓએ ઓમપ્રકાશ વિરુધ્ધ ફરિયાદ નોંધાવી છે. પ્રાથમિક માહિતીમાં એવું જાણવા મળ્યું છે કે આ લોકોના પૈસાનો ઉપયોગ કરીને આરોપી યાદવે પોતાના વતનના ગામમાં મિલકતમાં મોટાપાયે રોકાણ કર્યું છે.

મુંબઈમાં છેલ્લાં કેટલાક વર્ષોમાં શેરબજારમાં સારા વળતરની લાલચ આપીને ઘણા સામાન્ય નાગરિકોને છેતરવામાં આવ્યા હોવાનું બહાર આવ્યું છે એવું લાગે છે કે રેલવે પ્રોટેકશન ફોર્સ (આરપીએફ)ના કર્મચારીઓ પણ આ લાલચમાં આવી ગયા હતા. ઉત્તર પ્રદેશ (યુ.પી.)ના જૌનપુરના ઓમપ્રકાશ યાદવે ૨૦૨૦થી ઓનલાઈન ટ્રેડીંગ કરતો હોવાનો દાવો કરી ઉચ્ચ વળતરનું વચન આપી મુખ્યત્વે આરપીએફના કર્મચારીઓને ટાર્ગેટ કરવાનું શરૃ કર્યું હતું. તે આરપીએફના કર્મચારીઓના સર્કલમાં એવી વાત ફેલાવવામાં સફળ રહ્યો હતો કે તેણે ઘણા લોકોને સારું વળતર મેળવી આપ્યું છે. આ પ્રકારની વાત ફેલાતા ઘણા આરપીએફ અધિકારીઓ અને કર્મચારીઓમાં ઉચ્ચ વળતર મેળવવાની લાલચ ઉભી થઈ હતી.

શરૃઆતમાં મુંબઈથી કામ કરતા યાદવે પાછળથી કલ્યાણના ખડકપાડામાં પોતાની ઓફિસ શરૃ કરી હતી. યાદવના અમુક પરિચિતો  આરપીએફમાં હતા, તેથી તેણે શરૃઆતમાં આ લોકોને રોકાણ પર ઉચ્ચ વળતર આપી તેમનો વિશ્વાસ મેળવ્યો હતો. પછીથી મોટી સંખ્યામાં આરપીએફના કર્મચારીઓ તેની જાળમાં ફસાવવા લાગ્યા હતા.

જો કોઈ અધિકારી કે કર્મચારી રોકાણ માટે પૈસા ન હોવાનું કારણ આપે તો યાદવ કહેતો કે તેના વિવિધ બેંકોમાં ઘણા સંપર્કો છે અને તેના પ્રયત્નથી તેઓ તરત જ લોન મેળવી શકે છે. આ લોકોને જાળમાં ફસાવવા યાદવે શેર ટ્રેડીંગના રોકાણ પર દર મહિને અંદાજે પાંચ ટકાના દરે વ્યાજ પણ મળશે તેવું જણાવ્યું હતું. આ કારણે અમુક કર્મચારીઓએ ૧૦થી ૧૫ લાખ સુધીની વ્યક્તિગત લોન પણ લીધી હતી. કેટલાંક કર્મચારીઓએ તેમના મિત્રો અને સંબંધીઓ પાસેથી શેર ટ્રેડીંગમાં રોકાણ પર આકર્ષક વળતર મેળવવાની લાલચે ઉધાર- ઉછીના અથવા વ્યાજે પૈસા લઈ યાદવને આપ્યા હતા. છેતરપિંડીનો ભોગ બનેલા અમુક કર્મચારીઓ તો દિલ્હી અને યુ.પી.ના પણ હોવાનું જાણવા મળ્યું છે. જોકે મુખ્યત્વે મુંબઈ, નવી મુંબઈ, થાણે, પુણે, ભુસાવળ, નાગપુર, સોલાપુર, નાસિક, ચંદ્રપુર અને જળગાંવમાં રહેતા અથવા ફરજ બજાવતા આરપીએફના કર્મચારી આ છેતરપિંડીનો ભોગ બન્યા છે.

આ બાબતે થાણે આર્થિક ગુના શાખાના ડીસીપી પરાગ મણેરેએ છેતરપિંડીનો ભોગ બનેલા આરપીએફ કર્મચારીઓને આગળ આવીને તેમની ફરિયાદ નોંધાવવા અપીલ કરી છે.

તપાસ સાથે જોડાયેલા અધિકારીઓ અનુસાર શરૃઆતમાં કુલ છેતરપિંડી ૫૦ કરોડ રૃપિયાની હોવાનું અનુમાન કરવામાં આવ્યું હતું. જોકે તેને શંકા છે કે આ છેતરપિંડીની રકમ ૧૦૦ કરોડ રૃપિયાથી પણ વધુ હોઈ શકે છે.