Mumbai

કે.ઇ.એમ. હોસ્પિટલમાં સીટી સ્કેન કરાવવા માટે 3 મહિનાની પ્રતીક્ષા

By GS Team
24 Jan 20262 mins read
કે.ઇ.એમ. હોસ્પિટલમાં સીટી સ્કેન કરાવવા માટે 3 મહિનાની પ્રતીક્ષા

નેતાઓને નામ બદલવાના ધખારા પણ સુવિધાઓની પરવા નહિ

પાલિકાએ ચાર વૈકલ્પિક સેન્ટરની જોગવાઇ કર્યા છતાં મુશ્કેલી ઃ નવું મશીન ગોઠવાતા ચાર મહિના લાગશે

મુંબઇ  -  શતાબ્દી  વર્ષમાં પ્રવેશ કરી ચૂકેલી મુંબઇની અગ્રગણ્ય કે.ઇ.એમ. મ્યુનિસિપલ હોસ્પિટલમાં અત્યારે એમ.આર.આઇ. અને સીટી સ્કેન કરાવવા માટે દરદીઓએ ત્રણ મહિના સુધી રાહ જોવી પડે છે એવી વિકટ પરિસ્થિતિ છે. તાજેતરમાં આ હોસ્પિટલ સાથે સંકળાયેલું કિંગ એડવર્ડનું નામ બદલવા મહાપાલિકાને રાજ્યના મંત્રી દ્વારા જણાવાયું છે. જોકે, હોસ્પિટલનું નામ બદલવાની ઈચ્છા સેવતા નેતાઓને હોસ્પિટલમાં આવી મહત્વની સુવિધાઓની પરવા નથી. 

પરેલની  કેઇએમ હોસ્પિટલમાં  દરદી એમઆરઆઇ અથવા સીટી સ્કેન કરાવવા માટે જાય ત્યારે ત્રણ મહિના પછીની તારીખ આપવામાં આવે છે. મ્યુનિસિપલ હોસ્પિટલમાં  સામાન્ય રીતે આર્થિક રીતે નબળા વર્ગના દરદીઓ મોટી સંખ્યામાં આવે છે. કારણ કે નિઃશુલ્ક સારવાર અથવા રાહતના દરે આપવામાં આવતી હોય છે. આ દરદીઓને ખાનગી હોસ્પિટલોની ખર્ચાળ સારવાર પોષાતી નથી એટલે ના છુટકે એમઆરઆઇ અથવા  સીટી સ્કેન ટેસ્ટ માટે તેમણે ત્રણ મહિના રાહ જોવી પડે છે. આમ છતાં સમયસર સીટી સ્કેન કરાવવા  સિવાય છૂટકો જ ન હોય એ બધાએ ના છૂટકે મોટી રકમ ખર્ચીને ખાનગીમાં ટેસ્ટ કરાવવા પડે છે.

મુંબઇ મહાપાલિકાના આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીએ  જણાવ્યું હતું કે નવા મશીનો બેસાડવાની કામગીરી ચાલું છે. આ કામગીરી પૂરી ન થાય ત્યાં સુધી કે.ઇ.એમ. અને નાયર હોસ્પિટલમાં જે દરે સીટી સ્કેન કરવામાં આવે છે એ જ દરે ટેસ્ટ કરી સાથે એવા વૈકલ્પિક કેન્દ્રોની બીએમસીએ  વ્યવસ્થા કરી છે.

કે.ઇ.એમ હોસ્પિટલમાં અત્યારે એક જ એમઆરઆઇ મશીન છે અને દરદીઓનો ધસારો ખૂબ રહે છે. એટલે પ્રતીક્ષા કરવી પડે છે એમ હોસ્પિટલના સત્તાવાળાએ જણાવ્યું હતું. બીજું એમઆરઆઇ મશીન વસાવવા માટેની વિધિ ચાલી રહી છે. આમ નવું મશીન આવતા ચાર મહિના લાગશે. ત્યાં સુધી પાલિકાએ  સમજૂતી કરાર કરીને ચાર વૈકલ્પિક કેન્દ્રની જોગવાઇ કરી છે જ્યાં કે.ઇ.એમ. હોસ્પિટલના દરે જ ટેસ્ટ કરી આપવામાં આવે છે, એમ હોસ્પિટલના સત્તાવાળાએ ઉમેર્યું હતું. પરંતુ દરદીઓનો ધસારો વધુ રહેતો હોવાથી અત્યારે ટેસ્ટ માટે વિલંબનો  સામનો કરવો જ પડે છે એમ કેટલાક દરદીઓના પરિવારજનોએ જણાવ્યુ ંહતું.