અમરાવતીમાં વેન્ટીલેટરમાં વિસ્ફોટથી આગમાં ૩ શિશુનાં મોત ઃ ૩૬નો બચાવ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

સરકારી હોસ્પિટલની આગમાં છ શિશુ દાઝી ગયાં
વહેલી પરોઢે ચીસાચીસ અને આક્રંદથી હોસ્પિટલ ગાજી ઉઠીઃ હજુ એક વર્ષ પહેલાં જ નિઓ નેટલ કેર યુનિટ બન્યુું હતું
મુંબઈ - મહારાષ્ટ્રના અમરાવતી શહેરમાં સોમવારે વહેલી સવારે એક સરકારી હોસ્પિટલના નિયોનેટલ ઇન્ટેન્સિવ કેર યુનિટ (એનઆઈસીયુ)માં આગ લાગવાથી ત્રણ નવજાત શિશુઓના મોત થયાં હતાં. પરોઢે ત્રણ વાગ્યાના અરસામાં લાગેલી આગમાં હોસ્પિટલ સ્ટાફ સહિત અન્યોેએ જહેમત ઉઠાવી ૩૬ શિશુઓને બચાવી લીધાં હતાં. ગંભીર રીતે દાઝેલાં છ શિશુઓને અન્યત્ર સારવાર માટે ખસેડાયાં હતાં. વેન્ટિલેટરમાં વિસ્ફોટ બાદ આગ લાગી હોવાનું કહેવાય છે. હોસ્પિટલમાં આગની જાણ થતાં જ બાળકોના પરિવારોના લોકો સહિત મોટી સંખ્યામાં લોકો હોસ્પિટલ ખાતે ઉમટયા હતા અને તંત્ર પર ભારે આક્રોશ ઠાલવ્યો હતો.
પ્રત્યક્ષદર્શીઓએ દાવો કર્યો હતો કે વોર્ડના ફાયર એલાર્મ વાગ્યા નહીં અને વોર્ડમાં ધુમાડો ઝડપથી પ્રસરી જવાને કારણે ઓટોમેટિક વોટર સ્પ્રિંકલર સિસ્ટમ સક્રિય થઈ ન હતી.
હોસ્પિટલમાં ત્રીજા માળે સોમવારે પરોઢે વેન્ટિલેટરમાં અચાનક વિસ્ફોટ થયો હતો. ત્યારબાદ આગ લાગી હતી. તે ઝડપથી ફેલાઈ ગઈ હતી. હોસ્પિટલના સ્ટાફે રૃમમાં રહેલા અન્ય બાળકોને સલામત સ્થળે ખસેડવાનું શરૃ કર્યું હતું. પરંતુ ધુમાડાથી શ્વાસ લેવામાં તકલીફ થતા ત્રણ બાળકોના મોત થયા હતા. નવજાત શિશુ માટે નિયોનેટલ ઇન્ટેન્સિવ કેર યુનિટ એક વર્ષ પહેલા જ નવી ઇમારતમાં ખોલવામાં આવ્યું હતું. ઓછા વજનવાળા અને ગંભીર રીતે બીમાર બાળકોની અહીં સારવાર આપવામાં આવે છે. જોકે આગ લાગ્યા પછી હોસ્પિટલની અગ્નિશામક વ્યવસ્થા કેમ સક્રિય કરવામાં આવી ન હતી તે અંગે પ્રશ્ન ઉઠાવવામાં આવી રહ્યો છે. આ ઘટનાએ હોસ્પિટલની કટોકટી સલામતી વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કર્યા છે.
આ દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં ત્રણ બાળકોના મોત થયા છે અને છ બાળકોને વધુ સારવાર માટે નજીકની ડિવિઝનલ રેફરલ સવસ હોસ્પિટલ (સુપર સ્પેશિયાલિટી) માં ખસેડવામાં આવ્યા છે. એમાંથી ચારની સારવાર ચાલી રહી છે , એક બાળકની સ્થિતિ ગંભીર હોવાનું ડોક્ટરોએ જણાવ્યું હતું. આ બાળક હાથ અને પગ પર દાઝી ગયા છે અને અન્ય ત્રણ બાળકોમાં સામાન્ય દાઝી ગયા છે. કેટલાક બાળકોને ડા. પંજાબરાવ દેશમુખ મેડિકલ કોલેજ હોસ્પિટલમાં પણ દાખલ કરવામાં આવ્યા છે, એમ જિલ્લા સર્જન ડા. વિનોદ પવારે જણાવ્યું હતું.
અગાઉ ૨૦૨૨માં જિલ્લા મહિલા હોસ્પિટલના જૂના મકાનમાં એનઆઈસીયુમાં શોર્ટ સકટને કારણે આગ લાગી હતી. ધુમાડો નીકળતો જોવા મળતાની સાથે જ ફરજ પરની નર્સોએ યુનિટમાંથી ૧૨ શિશુઓને સુરક્ષિત રીતે બહાર કાઢયા અને તેમના જીવ બચાવ્યા હતા.




