મુંબઈના કેટલાંક વિસ્તારોમાં ૧૧ ઑગસ્ટથી ૨૪ કલાક પાણીકાપ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

વૈતરણા પાઈપલાઈન કામગીરીને લીધે પાલિકાનો નિર્ણય
બાંદરા, બીકેસી, સાંતાક્રુઝ વગેરે વિસ્તારમાં સંપૂર્ણપણે પાણી પુરવઠો બંધ રહેશે
મુંબઈ - બૃહન્મુંબઈ મહાનગરપાલિકા (બીએમસી) દ્વારા પાઈપલાઈનમાં આવશ્યક મેઈન્ટેનન્સ અને આંશિક શટડાઉનની કામગીરી હાથ ધરવામાં આવવાની હોવાથી ૧૧ ઑગસ્ટ સવારે ૧૦ વાગ્યાથી ૧૨ ઑગસ્ટ સવારે ૧૦ વાગ્યા સુધી મુંબઈના કેટલાંક વિસ્તારોમાં પાણી પુરવઠા ખોરવાશે. આ સમયગાળા દરમ્યાન એચ-ઈસ્ટ વોર્ડમાં ૨૪ કલાક માટે પાણી પુરવઠો સંપૂર્ણપણે બંધ રહેશે. જ્યારે કે-સાઉથ વોર્ડમાં ઓછા દબાણથી પાણી પુરવઠો આપવામાં આવશે.
મહાનગરપાલિકાના જણાવ્યાનુસાર, આ કામગીરી ૨૪૦૦ મીમી વ્યાસની વૈતરણાં પાઈપલાઈન પર કરવામાં આવશે. આથી એચ-ઈસ્ટ વોર્ડ હેઠળ આવતાં બાંદરા (પૂર્વ), ખાર (પૂર્વ) અને સાંતાક્રુઝ (પૂર્વ) અને બાંદરા કુર્લા કોમ્પ્લેક્સ (બીકેસી) સહિતના વિસ્તારોમાં પાણી પુરવઠો સંપૂર્ણપણે બંધ રહેશે.
જ્યારે બીજી તરફ એજ દિવસે કે-સાઉથ વોર્ડના કેટલાંક વિસ્તારો જેમ કે, કબીર નગર, બામણવાડા, પારસીવાડા, એરપોર્ટ વિસ્તાર, તરુણભારત કોલોની, ઈસ્લામપુરા, દેઉળવાડી, માછલીબજાર, ઘાટીવાડા, ચકાલા અને પીએન્ડટી કોલોનીમાં બપોરે બેથી સાંજે ૫.૩૦ દરમ્યાન તો કોલડોંગરી, જૂની પોલીસ લેન, વિજય નગર અને મોગરપાડામાં સાંજે પાંચથી રાત્રે ૧૦ સુધી ઓછાં દબાણથી પાણી આવશે. જ્યારે ૧૨મીએ સહાર વિલેજ, સુતાર પખાડી અને કાર્ગો કોમ્પ્લેક્સમાં સવારે પાંચથી ૮ વાગ્યા સુધી ઓછાં દબાણે પાણી આવશે.
મહાનગરપાલિકાએ અસરગ્રસ્ત વિસ્તારોના નાગરિકોને અગાઉથી જરુરી પાણીનો સંગ્રહ કરી રાખવા તેમજ પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવાની અપીલ કરી છે. મેઈન્ટેનન્સ કામગીરી પૂર્ણ થયા બાદ પાણી પુરવઠો તબક્કાવાર પૂર્વવત્ કરવામાં આવશે.









