Mumbai

કેસ રફે-દફે કરવા 50 લાખની લાંચ માગનાર ડીઆરઆઈના 2 અધિકારી સસ્પેન્ડ

By GS TEAM
16 Oct 20252 mins read
કેસ રફે-દફે કરવા 50 લાખની લાંચ માગનાર ડીઆરઆઈના 2 અધિકારી સસ્પેન્ડ

શકમંદની બિઝનેસમેનની પત્નીએ ફરિયાદ કરી 

જંતુનાશકોની આયાતમાં ડયૂટી ચોરીનું આળ મૂક્યું ઃ કોઈ લૂક આઉટ સર્ક્યુલર કે વોરન્ટ વિના ધરપકડ કરી

મુંબઈ - જંતુનાશકોની  આયાતમાં ડયુટી ચોરીનું આળ મૂકી ૫૦ લાખની લાંચ માગવાના એક કેસમાં ડિરોક્ટોરેટ ઓફ રેવેન્યુ ઈન્ટેલિજન્સ (ડીઆરઆઈ)ના  બે અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ડીઆરઆઈએ શકમંદ ગણાવેલા બિઝનેસમેનની  પત્ની તરફથી મળેલી ફરિયાદ બાદ વરિષ્ઠ ગુપ્તચર અધિકારી દીપકકુમાર અને ઈન્સ્પેક્ટર ચેતન પરીખ સામે કાર્યવાહી કરવામાં આવી હતી.

ડીઆરઆઈએ ૩૦ સપ્ટેન્બરના રોજ બાર્ના ઈન્ટરનેશનલ શિપિંગના માલિક શૈલેષ વ્યાસને દુબઈથી કોલકાતા પહોંચતા લગભગ ૧૦ કલાક માટે અટકાયતમાં રાખવામાં આવ્યા હતા. જેમા કોઈ લુકઆઉટ સર્કયુલર કે ધરપકડ વોરંટનો ઉપયોગ કરવામાં આવ્યો નહોતો. તેમની ધરપકડ કર્યા બાદ ૧ ઓક્ટોબરના રોજ તેમને મુંબઈની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જેમા એવો આરોપ કરવામાં આવ્યો હતો કે તેમણે મુક્તપણે આયાત કરી શકાય તેવા અન્ય રસાયણોની આડમાં જંતુનાશકોની દાણચોરી કરી હતી અને માલનું ઓછું મૂલ્ય દર્શાવ્યું હતું. વ્યાસે આ આરોપોને નકારી કાઢ્યા હતા.

વ્યાસની પત્ની પ્રતિભાએ ડીઆરઆઈને ફરિયાદ કરતા જણાવ્યું હતું કે રિમાન્ડ કાર્યવાહી દરમિયાન કુમાર અને પારેખે તેમનો સંપર્ક કર્યો હતો અને તેમની સામે કોઈ કાર્યવાહી ન કરવા માટે ૫૦ લાખ રૃપિયાની લાંચ માંગી હતી. અધિકારીઓએ પાછળથી પરિવારના જાણીતા ક્લિયરિંગ અને ફોરવર્ડિંગ એજન્ટ સુરેશ નંદા દ્વારા તેમનો સંપર્ક કર્યો હતો. ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે તેઓએ નંદા અને પ્રતિભાને ઘણા ફોન કર્યા અને અંતે તેમને પૈસા લઈને અંધરી આવવાનો નિર્દેશ કર્યો હતો. પ્રતિભાએ જણાવ્યું હતું કે સંપૂર્ણ રકમની વ્યવસ્થા કરી શક્યા નહોતા. પારેખે તેમને જણાવ્યું હતું કે જ્યાં સુધી એક સાથે ૫૦ લાખ રૃપિયા આપવામાં નહી આવે ત્યાં સુધી તેઓ કેસ આગળ ચલાવશે. આ ઉપરાંત ડીઆરઆઈએ કોઈપણ જપ્તી મેમો વગર વ્યાસનો ફોન ગેરકાયદે જપ્ત કર્યો હતો.

આ બાબતની ફરિયાદ અને કોલ રેકોર્ડ્સ ટાવર લોકેશન ડેટા દ્વારા વાતચીત અને મીટિંગ્સની દ્રષ્ટિના આધારે મુંબઈના પ્રિન્સિપાલ કમિશનર ઓફ કસ્ટમ્સ (જનરલ)એ બન્ને અધિકારીને સસ્પેન્ડ કર્યા હતા. આ સંદર્ભે વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે.