Mumbai

થાણેમાં વિકરાળ આગમાં 155 સ્ટોલ ભરખાયા, ગાર્ડને બચાવવા જતાં ફાયર ઓફિસરનું પણ મોત

By GS Team
22 May 20263 mins read
થાણેમાં વિકરાળ આગમાં 155 સ્ટોલ ભરખાયા, ગાર્ડને બચાવવા જતાં ફાયર ઓફિસરનું પણ મોત

પરોઢે પોણા ચાર વાગ્યે લાગેલી આગ નવ કલાકે માંડ કાબુમાં આવી

પહેલા માળે ગાર્ડ ફસાયો હોવાનું જાણી ફાયર ઓફિસર  સૂર્યકાંત શિંદે જોખમ વહોરી અંદર ગયાઃ છેવટે ગૂંગળામણના કારણે ંબંનેનાં મોત

બ્રિગેડ કોલ જાહેર કરવો પડયોઃ શાકભાજી બજારમાં  ગેરકાયદે બની  ગયેલી કપડાંની દુકાનોને કારણે આગ વધુ વિનાશક બની

મુંબઈ     થાણ રેલવે ે સ્ટેશન નજીક એક શાકભાજી માર્કેટમાં ગુરુવારે વહેલી સવારે ભીષણ આગ ફાટી નીકળી હતી. આગ બૂઝાવવા આવેલા ફાયર ફાઇટર અને એક સુરક્ષા ગાર્ડનું  આ આગમાં મોત નીપજ્યું હતું .  જ્યારે અન્ય બે ફાયર કર્મચારીઓ ઘાયલ થયા હતા. આગમાં ફસાયેલા સુરક્ષા ગાર્ડને બચાવવા ફાયર અધિકારી છેક  અંદર પ્રવેશ્યા હતા. આખરે ધૂમાડાના  કારણે શ્વાસ રુંધાઈ જતાં બંનેનાં મોત નીપજ્યાં  હતાં. માંડ નવ કલાકે કાબુમાં આવેલી આગમાં આશરે ૧૫૫ જેટલી નાની મોટી દુકાનો તથા સ્ટોલ ખાક થઈ જતાં થાણેની બજારમાં ભારે માતમનો માહોલ છવાયો હતો.

    રેલવે  સ્ટેશનથી લગભગ ૧૦૦  મીટર દૂર નૌપાડામાં  આવેલા ગામદેવી શાકભાજી બજાર સંકુલમાં વહેલી સવારે ૩-૪૩  વાગ્યે આગ લાગી હતી. આગની માહિતી મળતા પોલીસ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલનો સ્ટાફ, ફાયર બ્રિગેડના કર્મચારીઓ પાંચ ફાયર એન્જીન , જમ્બો વોટર ટેન્કર અને અન્ય  વાહનો સાથે   ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.  જોકે, આગનું વિકરાણ તથા વ્યાપક સ્વરુપ જોતાં  બ્રિગેડ કોલ  (મહત્તમ ફાયર વિભાગના સંસાધનોની જરૃર હોય તેવી પરિસ્થિતિ) નો આદેશ આપ્યો હતો.

આગમાં બચાવ કામગીરી દરમિયાન, ૫૩ વર્ષીય સુરક્ષા ગાર્ડ કાળુ શંકર  ગાડેકર ઉપરના માળે ફસાઈ ગયો હતો. તેના શ્વાસ રુંધાવા લાગ્યા હતા. તેને બચાવવા માટે ફાયર સ્ટેશન ઓફિસર ૪૩ વર્ષીય સાગર સૂર્યકાંત શિંદે પણ ઉપરના માળે ગયા હતા. જોકે, આ દરમિયાન જ  ધૂમાડાના ગોટેગોટા બંનેને ઘેરી વળ્યા હતા અને ગૂંગળામણથી બંનેનાં મોત નીપજ્યાં  હતાં.

અન્ય બે ફાયર કર્મચારીઓ સુજીત પષટે (૪૫) અને સમીર જાધવ (૪૦) ને ઇજાઓ થઈ હતી. તેમને કલવાની  છત્રપતિ શિવાજી મહારાજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.જ્યાં તેમની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે, એમ ટીએમસી તરફથી  જણાવાયું છે.

   આગને કાબુમાં લેવા માટેના ઓપરેશનમાં  શહેરભરમાંથી ઉપલબ્ધ તમામ ફાયર એન્જિનો અને રિજનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ ટીમની મદદ લેવામાં આવી હતી.

   અધિકારીએ કહ્યું  હતું કે બજારના સ્ટોલની અંદર ખૂબ જ જ્વલનશીલ કપડાંનો મોટો જથ્થો સંગ્રહિત હોવાથી ફાયરબ્રિગેડને  આગ પર કાબુ મેળવવામાં મુશ્કેલીઓનો  સામનો કરવો પડયો હતો. પરોઢે પોણા ચાર વાગ્યે લાગેલી આગ બપોરે ૧૨.૩૦ પછી કાબુમાં આવી હતી.

    પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર  સળગતા સ્ટોલમાંથી નીકળતી વિશાળ જ્વાળાઓ અને ગાઢ ધુમાડાના ગોટેગોટાને કારણે વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો. વેપારીઓ પણ આગની માહિતી મળતાં  દોડી આવ્યા હતા અને પોતાની આજીવિકાના સાધનોને રાખ થતાં જોઈ ભારે આઘાત પામ્યા હતા.  આ માર્કેટમાં  શાકભાજી, ફળો અને કપડાંના સ્ટોલ હતા. તેમજ  સ્થાનિક મ્યુનિસિપલ વોર્ડ ઓફિસ પણ હતી.

  સ્થાનિક નેતાઓના આરોપો અનુસાર  અનધિકૃત કપડાની દુકાનોને કારણે આગની પરિસ્થિતિ વધુ ગંભીર બની  હતી.

     આ માર્કેટ  ફળ અને શાકભાજી વેચવા  માટે બનાવવામાં આવી હતી.અનધિકૃત કપડાની દુકાનો ના હોત તો નુકસાન ઓછું થયું હોત. આ બાબતે મહાપાલિકાનું અગાઉ ધ્યાન દોરવામાં આવ્યા છતાં પણ કોઈ પગલાં લેવાયાં ન હતાં.

મૃતકોને વળતર, સ્ટોલોનું પુનઃવસન કરાશે

ટીએમસીએ મૃતકોના પરિવારજનોને ૧૦ લાખ રૃપિયાની સહાય અને કરુણાના ધોરણે સરકારી નોકરી  તથા ઘાયલોને એક લાખ આપવાની જાહેરાત કરી હતી.  ફરજિયાત માળખાકીય અને ફાયર ઓડિટ પછી  પહેલી   જૂન સુધીમાં તમામ ૧૫૫  અસરગ્રસ્ત સ્ટોલ માલિકોનું તે જ સ્થાને પુનર્વસન કરવામાં આવશે, એમ  મહાપાલિકાએ જણાવ્યું હતું.