મુંબઇમાં છેલ્લાં ત્રણ વર્ષમાં વૃક્ષો તૂટી પડવાથી ૧૩નાં મોત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

મહાપાલિકાની બેદરકારી નાગરિકો માટે ઘાતક બની
ચોમાસાં પહેલાં ૧૭ હજારથી વધુ વૃક્ષોનું ટ્રિમિંગ બાકી રહી ગયું , કુલ ૧.૯ લાખ વૃક્ષો રસ્તાઓની ધારે છે
મુંબઇ - ચેમ્બુરમાં ગઇ કાલે મૂળમાંથી ઉખડી ગયેલું વૃક્ષ સ્કૂલ બસ ઉપર પડતા એક વિદ્યાર્થીનું મૃત્યું થયું હતું. આ દુર્ઘટનાના ગણતરીના કલાક બાદ આવી જ રીતે મરીન ડ્રાઇવમાં તોતીંગ વૃક્ષ વૉક-વે ઉપર તૂટી પડયું હતું. સદ્ભાગ્યે કોઇ જાનહાની નહોતી થઇ.
મુંબઇમાં કાયમ ચોમાસા પહેલાં વૃક્ષોની છટણી (ટ્રિમિંગ) કરવામાં આવે છે, પરંતુ કોંક્રિટીકરણને કારણે વૃક્ષની આસપાસ પૂરતી જગ્યા રાખવામાં આવતી ન હોવાથી ધાડના મૂળિયા સૂકાઇને કે સડીને નબળા પડી જાય છે. આને લીધે વૃક્ષો મૂળમાંથી ઉખડીને પડી જાય છે તેની તરફ પાલિકાવાળા દુર્લક્ષ સેવતા હોવાનો આક્ષેપ પર્યાવરણપ્રેમીઓએ કર્યો છે.
મુંબઇમાં છેલ્લાં ત્રણ વર્ષ દરમિયાન વૃક્ષ તૂટી પડવાને કારણે ૧૩ વ્યક્તિએ જીવ ગુમાવ્યા હતા અને ૧૨૫ જણ ઘાયલ થયા હતા. મંગળવારે ચેમ્બુરમાં જીવ ગુમાવ્યો એ દિવસે શહેર વિસ્તારમાં ૬, પૂર્વના ઉપનગરમાં ૧૧ અને પશ્ચિમના ઉપનગરમાં ૧૩ એમ એકંદર ૩૦ જગ્યાએ વૃક્ષો અને વૃક્ષની ડાળીઓ તૂટી પડવાની ફરિયાદો પાલિકાને મળી હતી.
મહાપાલિકા આ વખતે ચોમાસા પહેલાં ટ્રી ટ્રિમિંગનું કામ પૂરું કરી શકી નહોતી. એકંદર ૮૪,૮૧૯ વૃક્ષોની છટણી કરવાની હતી એમાંથી ૬૭,૨૭૪ વૃક્ષોની જ છટણી ૩૧મી મે પહેલાં પૂરી થઇ હતી. હજી ૧૭ હજારથી વધુ વૃક્ષોનું ટ્રિમિંગ કરવાનું કામ બાકી છે.
ચેમ્બુરની દુર્ઘટનાને પગલે મહાપાલિકા તંત્ર સફાળું જાગ્યું છે અને જોખમી તેમજ જીર્ણ થઇ ગયેલા વૃક્ષોની તપાસ શરૃ કરી છે. ૨૦૧૮માં થયેલી વૃક્ષ ગણના મુજબ મુંબઇમાં ૨૯.૭૫ લાખ વૃક્ષો છે. આમાંથી ૧.૯ લાખ વૃક્ષો રસ્તાની આજુબાજુ આવેલા છે. એટલે રસ્તા પાસેના વૃક્ષોની સ્થિતિ કેવી છે તેની તપાસ સૌથી પહેલાં થવી જોઇએ જેથી અકસ્માત અને જાનહાનિ નિવારી શકાય એવો પર્યાવરણવાદીઓનો મત છે.




