Mumbai

નવી મુંબઈની 11 મહિલા સફાઈકર્મીઓએ વર્ષો બાદ ધો.10ની પરીક્ષા પાસ કરી

By GS Team
13 May 20262 mins read
નવી મુંબઈની 11 મહિલા સફાઈકર્મીઓએ વર્ષો બાદ ધો.10ની પરીક્ષા પાસ કરી

એક મરાઠી ચિત્રપટ પરથી પ્રેરણા લઈ પરીક્ષા આપી  

ઘર-પરિવારની જવાબદારી, રોજગારીના કારણે ૧૦થી ૩૫ વર્ષ પહેલાં ભણતર છોડી દીધું હતું

મુંબઈ - નવી મુંબઈમાં કચરો એકત્રિત કરવાનું કામ કરતી ૧૧ મહિલા સફાઈ કર્મચારીઓએ ઘણા વર્ષોના વિરામ બાદ ધોરણ ૧૦ની પરીક્ષા પાસ  કરી છે.  આ મહિલાઓએ ૧૫થી ૩૫ વર્ષના લાંબા અંતર પછી ફરી શિક્ષણનો માર્ગ પસંદ કર્યો હતો. સ્ત્રી મુક્તિ સંગઠનના પ્રયત્નો અને નવી મુંબઈ મહાનગરપાલિકાના સહકારથી શરૃ કરાયેલા ઉપક્રમ દ્વારા તેમને શિક્ષણની બીજી તક મળી હતી. 

આ  મહિલાઓમાંથી અનેક મહિલાઓએ નાની ઉંમરે ગરીબી, લગ્ન, ઘરેલુ જવાબદારીઓ અને જીવનનિર્વાહ માટે અભ્યાસ અધૂરો છોડવો પડયો હતો. કેટલીક મહિલાઓ સિંગલ પેરેન્ટ તરીકે જીવન જીવી રહી છે અને તેમને જરૃરી દસ્તાવેજોે મેળવવા, નામમાં થયેલા ફેરફારો સુધારવા તેમજ જૂના શૈક્ષણિક દાખલા શોધવા જેવી અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડયો હતો. છતાં તેમણે હિંમત ન હારતા અભ્યાસ પૂર્ણ કરવાનો સંકલ્પ જાળવી રાખ્યો હતો. ા મહિલાઓને આ પ્રેરણા ગયા વર્ષે મે મહિને જોયેલાં એક મરાઠી ચિત્રપટ 'આત્તા થાંબાયચા નાય' જોયા બાદ મળી હતી.

આ મહિલાઓને સ્વયંસેવક શિક્ષકો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કોપરખૈરણે સ્થિત કેન્દ્રમાં નિયમિત વર્ગો યોજાતા હતા. મહિલાઓનો દિવસ વહેલી સવારે ઘરકામથી શરૃ થતો, ત્યારબાદ તેઓ કચરો જમા કરવાનું કામ કરતી અને બપોરે અભ્યાસ માટે વર્ગમાં હાજરી આપતી. શરૃઆતમાં  કેટલીક મહિલાઓને પરિવારનો વિરોધ પણ સહન કરવો પડયો, પરંતુ તેમની જિદ્દ અને મહેનતને લીધે અંતિ પરિવારજનોએ પણ તેમનો સાથ આપ્યો.

આ સફળતાથી મહિલાઓમાં આત્મવિશ્વાસ વધ્યો છે અને હવે કેટલીક મહિલાઓ આગળનું શિક્ષણ મેળવવાની તો કેટલીક મહિલાઓ સમાજસેવા અથવા આંગણવાડીમાં કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી રહી છે. શિક્ષણ માટે ઉંમર ક્યારેય અડચણ નથી એવો સંદેશ આ મહિલાઓએ આપ્યો છે. કચરો જમા કરી સફાઈનું કામ કરતાં હાથોમાં હવે પુસ્તકો આવી જતાં તેમના જીવનને નવી દિશા મળી હોવાનું સંગઠને જણાવ્યું છે.