મહારાષ્ટ્રના ભિવંડીમાં ધ્વસ્ત થયેલી ઈમારત 6 વર્ષ અગાઉ જોખમી જાહેર કરાઈ હતી, મૃતકાંક 10 થયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Maharastra Building Collpapsed : મુંબઈ નજીકનાં પાવરલૂમ સિટી ભિવંડીમાં ચાર માળની રહેણાંક ઇમારત ધરાશાયી થતાં ઓછામાં ઓછા 10 લોકો માર્યા ગયા હતા અને ત્રણ અન્ય ઘાયલ થયા હતા. આ બિલ્ડિંગને પાલિકા દ્વારા 2020માં ભારે જોખમી જાહેર કરવામાં આવી હતી અને હાલમાં ગેરકાયદેસર રીતે સમારકામ ચાલી રહ્યું હતું તે વખતે જ આ દુર્ઘટના બની હતી. વક્રતા એ છે કે હજુ ગઈકાલે જ સ્થાનિક મ્યુનિસિપલ અધિકારીએ આ બિલ્ડિંગની મુલાકાત લઈ ત્યાંથી તત્કાળ 40 લોકો અને કામ કરતા શ્રમિકોને બહાર કાઢ્યા હતા. આ નિરીક્ષણના થોડા કલાકોમાં જ બિલ્ડિંગ તૂટી પડી હતી.
મુંબઈથી આશરે 50 કિમી દૂર આવેલાં ભિવંડીના બાલાજીનગર વિસ્તારમાં આવેલી કોહિનૂર બિલ્ડિંગનો એક ભાગ ગુરુવારે રાત્રે તૂટી પડયો હતો. રાતે નવ વાગ્યાની આસપાસ લોકોએ વિચિત્ર અને બહુ ભયાનક અવાજ સાંભળ્યો હતો અને જોતજોતામાં બિલ્ડિંગ ધસી પડી હતી. આ ઇમારતમાં કુલ 48 રૂમ (દરેક માળે 12 રૂમ) હતા. આથી રહેવાસીઓ ગભરાઈ ગયા હતા. સ્થાનિકોએ તાત્કાલિક ઘણા પરિવારોને અન્ય સ્થળોએ ખસેડવામાં મદદ કરી હતી. જ્યારે કેટલાક રહેવાસીઓ બહાર નીકળી રહ્યા હતા ત્યારે ઇમારતનો બી વિંગ ધરાશાયી થયો હતો. અનેક જણ કાટમાળ નીચે દબાઈ ગયા હતા.
એનડીએફ તથા સ્થાનિક ફાયર બ્રિગેડ સહિત જુદી જુદી એજન્સીઓ સ્થળ પર પહોંચી હતી. આજે સવાર સુધીમાં રેસ્ક્યુ ટીમે દસ મૃતદેહો બહાર કાઢયા હતા. તેમજ ચાર માળના માળખાના કાટમાળ નીચેથી બચી ગયેલા લોકોને શોધવા માટે ભારે મશીનરી અને સ્નિફર ડોગ્સ તૈનાત કરવામાં આવ્યા હતા.
અધિકારીઓએ જણાવ્યું હતું કે મૃતકોમાંથી પાંચની ઓળખ શમીમ શેખ (32), રણજીત સિંહ (45), મિરાજ રસુલ શેખ (34), સંતોષ કુમાર પાંડે (42) અને શમીમ અંસારી (30) તરીકે થઈ છે.
ભિવંડી નિઝામપુર સિટી મ્યુનિસિપલ કોર્પોરેશનએ જણાવ્યું હતું કે તેમણે સપ્ટેમ્બર ૨૦૨૦માં ઇમારતને ખતરનાક જાહેર કરી હતી અને આખરે આ વર્ષે પાંચ જૂને ખાલી કરાવવાની નોટિસ જારી કરી હતી. ત્યારબાદ વીજળી અને પાણી પુરવઠો બંધ કરી દીધો હતો. આમ છતાં પ્રોપર્ટીના માલિકોએ પાલિકા પાસેથી કોઈપણ પરવાનગી લીધા વિના બિલ્ડિંગનું સમારકામ કામ શરૂ કર્યું હતું.
હજુ ગઈકાલે જ આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરની આગેવાની હેઠળ પાલિકાની એક ટીમે બિલ્ડીંગની મુલાકાત લીધી હતી. તેની હાલત ખરાબ હતી. આથી આ ટીમે તાત્કાલિક 40 જેટલા રહેવાસીઓ અને ત્યાં કામ કરતા મજૂરોને બહાર કાઢયા હતા. તે સમયે કોન્ટ્રાક્ટર અને કામદારોને સમારકામ બંધ કરવાનું કહેવામાં આવ્યું હતું. પરંતુ તેમણે વાત સાંભળવાનો ઇનકાર કર્યો હતો. તેમજ કેટલાક રહેવાસીઓએ પણ બિલ્ડગની બહાર નીકળવાની ના પડી દીધી હતી.
પાલિકા કમિશનરે ગેરકાયદેસર સમારકામ કરનારા કોન્ટ્રાક્ટર સામે કડક શિક્ષાત્મક અને ફોજદારી કાર્યવાહીનો આદેશ આપ્યો હતો. સાવચેતીના પગલા તરીકે સ્થાનિક વહીવટીતંત્રે ધરાશાયી થયેલી ઇમારતની બાજુમાં રહેતા રહેવાસીઓને ખાલી કરાવ્યા છે.
રાજ્ય સરકારે મૃતકોના પરિવારજનોને પાંચ લાખનાં વળતરની તથા ઘાયલોને તબીબી સહાયની જાહેરાત કરી હતી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ તથા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના મહાનુભવોએ ઘટના અંગે શોકની લાગણી વ્યક્ત કરી હતી. કેનદ્ર સરકારે મૃતકોને બે લાખનું વળતર જાહેર કર્યું હતું.
મુંબઈમાં મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે મ્યુનિસિપલ કમિશનરને તાત્કાલિક કેસ દાખલ કરવા અને ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવા સૂચનાઓ આપવામાં આવી છે.









