Mumbai

ડ્રગ ઓવરડોઝથી 2નાં મોતના કેસમાં વધુ 1 વિદ્યાર્થીની ધરપકડ

By GS Team
17 Apr 20262 mins read
ડ્રગ ઓવરડોઝથી 2નાં મોતના કેસમાં વધુ 1 વિદ્યાર્થીની ધરપકડ

નેસ્કો કોન્સર્ટ કેસમાં કુલ સાત આરોપની ધરપકડ

22 વર્ષીય વિનિત પર ડ્રગ સપ્લાય કરવાનો આરોપઃ બેન્ક ખાતાં તથા નાણાંકીય વ્યવહારોની તપાસ

મુંબઈ -     ગોરેગાંવમાં  આયોજિત એક મ્યુઝિક કોન્સર્ટમાં ડ્રગ્સની હેરાફેરી કરવાના આરોપમાં ગુરુવારે ૨૨ વર્ષીય વિદ્યાર્થીની ધરપકડ કરવામાં આવી હતી,એમ પોલીસ ઓફિસરે  જણાવ્યું હતું

    વનરાઈ પોલીસ સ્ટેશનના અધિકારીએ કહ્યું  હતું કે દક્ષિણ મુંબઈની એક પ્રખ્યાત કોલેજના વિદ્યાર્થી વિનિત ગરલાનીની ધરપકડ સાથે આ કેસમાં પકડાયેલા આરોપીની સંખ્યા સાત પર પહોંચી ગઈ છે.   ૧૧ એપ્રિલના રોજ ગોરેગાંવના નેસ્કો ગ્રાઉન્ડમાં આયોજિત મ્યુઝિક કોન્સર્ટ દરમિયાન ડ્રગના ઓવરડોઝથી એક વિદ્યાર્થી અને એક વિદ્યાથનીના મોત થયા બાદ આ કેસની તપાસ શરૃ થઈ હતી.

    અધિકારીએ જણાવ્યું હતું કે ગરલાની પર સંગીત કોન્સર્ટ દરમિયાન ડ્રગ્સ સપ્લાય કરવામાં ભૂમિકા ભજવવાનો આરોપ છે. તેના બેંક ખાતા અને નાણાકીય વ્યવહારોની તપાસ કરવામાં આવી રહી છે.

    અધિકારીએ ઉમેર્યું કે, આ કેસમાં ધરપકડ કરાયેલા સાત વ્યક્તિઓને બોરીવલી કોર્ટે ૧૮  એપ્રિલ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દીધા છે.

      શનિવારે ગોરેગાંવ એક્ઝિબિશન સેન્ટરમાં આયોજિત કાર્યક્રમમાં  શનિવારે હાજરી આપ્યાના એક દિવસ પછી શહેર સ્થિત મેનેજમેન્ટ ઇન્સ્ટિટયૂટના બે સ્ટુડન્ટના મૃત્યુ બાદ પોલીસે તપાસ માટે અત્યારસુધીમાં છ વિશેષ  ટીમો બનાવી છે અને ૧૨થી વધુ લોકોના નિવેદનો નોંધ્યા છે.

   આ બનાવ દરમિયાન અન્ય એક વિદ્યાથનીને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.તેની હાલત હાલમાં સ્થિર છે.

    વનરાઈ પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું કે અગાઉ ધરપકડ કરાયેલા છ આરોપીઓમાં ઇવેન્ટ આયોજકો અને એક શંકાસ્પદ ડ્રગ સપ્લાયરનો સમાવેશ હતો. 

    પ્રાથમિક દ્રષ્ટિએ ધરપકડ કરાયેલા આરોપીઓમાંથી એક પ્રતીક પાંડે  કલ્યાણના  મુખ્ય આરોપી આનંદ પટેલ સાથે સતત સંપર્કમાં હતો.

    પટેલે કથિત રીતે ડ્રગ્સની ગોળીઓ પાંડેને આપી હતી.આરોપી પાંડેએ તે તેના સાથી રૌનક ખંડેલવાલને આપી હતી. આમ આ ગોળીઓ આખરે મૃતક યુવતી સુધી પહોંચી હતી. 

    પ્રાથમિક તપાસ મુજબ વિદ્યાર્થીઓના ગ્પના  કેટલાક સભ્યોએ શનિવારે રાત્રે  મ્યુઝિક કોન્સર્ટમાં પ્રવેશતા પહેલા એક્સ્ટસી ગોળીઓ (નશીલોપદાર્થ) પીધી હતી  અને કોન્સર્ટ દરમિયાન દારૃ પીધો હતો.

     આથી  ઘણાએ અસ્વસ્થતાની ફરિયાદ કરી હતી અને તેમને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.જ્યાં  રવિવારે વહેલી સવારે એક  અને બપોરે એક સ્ટુડન્ટનું મૃત્યુ થયું હતું.

     વનરાઈ પોલીસે કલમ ૧૦૫  અને ભારતીય ન્યાય સંહિતાની અન્ય સંબંધિત કલમો હેઠળ કેસ નોંધ્યો છે. 

  એક્સ્ટસી જેવા 'પાર્ટી ડ્રગ્સ' સામાન્ય રીતે આવા કાર્યક્રમોમાં ઉપલબ્ધ હોય છે,એમ કહેવાય છે.એક્સ્ટસી ગોળીઓ સામાન્ય રીતે ૭૦૦થી ૮૦૦  રૃપિયામાં મળે છે. પરંતુ આવા કાર્યક્રમોમાં કિંમત લગભગ  ૧,૫૦૦ રૃપિયા સુધી વધી શકે છે. ઘણા લોકો લાંબા સમય સુધી ડાન્સ કરવા માટે તેનો ઉપયોગ કરે છે.