Mumbai

વસઈ-વિરારમાં 1 લાખ શ્વાનની નસબંધી કરવામાં આવશે

By GS Team
24 May 20262 mins read
વસઈ-વિરારમાં 1 લાખ શ્વાનની નસબંધી કરવામાં આવશે

વસઈ-વિરાર મ્યુનિસિપલ કોર્પોરેશનનો નિર્ણય

 નસબંધી કરાયેલા શ્વાનોને ગળામાં જીપીએસ ટ્રેકર સાથેનો કોલર પટ્ટો લગાવવામાં આવશે

મુંબઈ - શ્વાનના ઉપદ્રવને રોકવા માટે, વસઈ-વિરાર મ્યુનિસિપલ કોર્પોરેશને ખાનગી સંસ્થાઓની મદદથી એક લાખ શ્વાનનું નસબંધી કરવાનો નિર્ણય લીધો છે. વસઈમાં નસબંધી કરાયેલા શ્વાન માટે ૫.૫ કરોડ રૃપિયાનું આશ્રય કેન્દ્ર બનાવવામાં આવશે. આ ઉપરાંત, નસબંધી કરાયેલા શ્વાનોની ચોક્કસ ગણતરી અને ઓળખ સુનિશ્ચિત કરવા માટે ગળામાં જીપીએસ ટ્રેકર સાથેનો કોલર પટ્ટો લગાવવામાં આવશે.

વસઈ-વિરારમાં શ્વાન કરડવાના બનાવોમાં વધારો થયો છે. તાજેતરમાં શ્વાન કરડવાથી એક છોકરીનું રેબીઝથી મૃત્યુ થયું હતું. ચાલુ વર્ષે જાન્યુઆરીથી એપ્રિલ સુધીના ૪ મહિનામાં વસઈ વિરારમાં ૧૫,૦૦૦ શ્વાન કરડવાના બનાવો બન્યા છે. મહાનગરપાલિકાની મહાસભામાં શ્વાનના ઉપદ્રવનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. વિરોધ પક્ષોએ મ્યુનિસિપલ કોર્પોરેશન પર કૂતરાઓના ઉપદ્રવને રોકવામાં નિષ્ફળ રહેવાનો આરોપ લગાવ્યો હતો. વસઈ-વિરારમાં ૧ લાખ રખડતા શ્વાન છે. મહાનગરપાલિકાએ માહિતી આપી હતી કે તેમાંથી ૩૦ હજાર કૂતરાઓનું નસબંધી કરવામાં આવી છે. મેયર અજીવ પાટીલે જણાવ્યું હતું કે, શ્વાનને વધુ ઝડપથી નસબંધી કરવા માટે ખાનગી સંસ્થાઓની મદદ લેવામાં આવશે.

નસબંધી પછી, શ્વાનની સંભાળ રાખવા માટે વસઈમાં એક આશ્રય કેન્દ્ર સ્થાપવામાં આવશે. આ આશ્રય કેન્દ્ર માટે ૫.૫ કરોડ રૃપિયાની જોગવાઈ કરવામાં આવી છે. આ આશ્રય કેન્દ્રમાં એક હજાર શ્વાન રાખવાની સુવિધા આપવામાં આવી છે. શ્વાનની સંભાળ અને તબીબી સારવાર માટે સુવિધાઓ પૂરી પાડવામાં આવશે, તેવી માહિતી આરોગ્ય અઘ્યક્ષ નિલેશ દેશમુખે આપી હતી.