Morbi

VIDEO: મોરબીના કૂવામાં મોજાં ઉછળવાના રહસ્ય મુદ્દે ખુલાસો, કલેક્ટરે ભૂકંપની અફવા ફગાવીને આપ્યા ચોક્કસ કારણો

By GS Team
8 Aug 20262 mins read
TukuTouch Logo
મોરબીના વીરપરડા ગામના 18 ફૂટ ઊંડા કૂવામાં છેલ્લા 4 દિવસથી પાણી ઉછળી રહ્યું છે. કલેક્ટર સ્વપ્નિલ ખરેએ જીઓલોજિસ્ટની પ્રાથમિક તપાસ બાદ જણાવ્યું કે, વરસાદથી ભૂગર્ભ જળસ્તરમાં ફસાયેલી હવાને કારણે આ હલચલ થાય છે. ભૂકંપની કોઈ પ્રવૃત્તિ નથી. 'ગુજરાત ગ્રાઉન્ડ વોટર રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ'ની ટીમ પણ વધુ તપાસ કરશે.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO: મોરબીના કૂવામાં મોજાં ઉછળવાના રહસ્ય મુદ્દે ખુલાસો, કલેક્ટરે ભૂકંપની અફવા ફગાવીને આપ્યા ચોક્કસ કારણો
AI તસવીર

Mysterious Well In Morbi: રાજ્યના મોરબી જિલ્લાના વીરપરડા ગામના એક કૂવામાં અજીબોગરીબ હલચલ જોવા મળી રહી છે. 18 ફૂટ ઊંડા આ કૂવાનું પાણી છેલ્લા ચાર દિવસથી સમુદ્રના મોજાંની જેમ ઊછળી રહ્યું છે. પાણીમાં થઈ રહેલી આ હલચલને લઈને સ્થાનિક લોકો વચ્ચે ભાત-ભાતની ચર્ચાઓ થઈ રહી છે. હવે મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેએ કૂવાના પાણીમાં થઈ રહેલી આ હલચલનું કારણ સ્પષ્ટ કરી દીધું છે. જુઓ, આખરે શું છે તેની પાછળનું કારણ.

જીઓલોજિસ્ટની ટીમ દ્વારા પ્રાથમિક તપાસ બાદ મોરબીના કલેક્ટરે ઘટના અંગે જણાવતા કહ્યું કે-

મોરબી જિલ્લાની જે જીઓલોજિસ્ટની ટીમ છે, તેમના દ્વારા આ સ્થળની વિઝિટ કરવામાં આવી. તેમના ધ્યાને પ્રાથમિક રીતે એ આવ્યું છે કે ત્યાં હવા જે છે, છેલ્લા કેટલાક દિવસોમાં વરસાદ થયો છે, તેના કારણે કેટલીક એર નીચે એક્વિફર (ભૂગર્ભ જળસ્તર)માં ફસાઈ ગઈ છે. હવે પાણી ઉતરતા તે જમીનની અંદર દબાયેલી હવામાં હલનચલન થાય છે, તો તેના કારણે કૂવાની ઉપરની સપાટી પર હલનચલન પણ આપણને જોવા મળે છે. લોકોનો એ ડર છે, લોકોની એ અફવા છે કે ત્યાં કદાચ કોઈ ભૂકંપ સંબંધિત પ્રવૃત્તિ કે ભૂકંપ સંબંધિત કોઈ પ્રશ્ન છે. પરંતુ આ અંગે અમે ભૂકંપ જ્યાં માપવામાં આવે છે, ગુજરાતના ગાંધીનગરમાં, ત્યાં પણ પૂછપરછ કરી છે. છેલ્લા 5-10 દિવસમાં આવી કોઈ અસામાન્ય ભૂકંપ સંબંધિત પ્રવૃત્તિ ધ્યાનમાં આવી નથી.

ગુજરાત ગ્રાઉન્ડ વોટર રિસર્ચ ઇન્સ્ટિટ્યુટની ટીમ કરશે તપાસ: કલેકટર

'જેનો અર્થ એ જ છે કે આ જે ઘટના બની રહી છે, તે કોઈ એક લોકલ એરિયામાં, લોકલ કોઈ ટ્રેપ થવાના કારણે બની રહી છે. આ સિવાય પણ અમે 'ગુજરાત ગ્રાઉન્ડ વોટર રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ'ની ટીમને પણ જાણ કરી છે. આવનારા કેટલાક દિવસોમાં તેઓ પણ વિઝિટ કરશે અને આપણને આ બાબતે વધુ સ્પષ્ટતા આપશે.'

આસપાસના કૂવાઓ શાંત, એક જ કૂવામાં અસાધારણ હલચલ

આ ઘટનામાં સૌથી વધુ આશ્ચર્ય પમાડે તેવી બાબત એ છે કે આસપાસમાં આવેલા અન્ય તમામ કૂવાઓમાં પાણી એકદમ શાંત સ્થિતિમાં છે, જ્યારે આ ચોક્કસ કૂવામાં પાણી સતત હિલોળા મારી રહ્યું છે. આ દ્રશ્ય સ્થાનિક લોકોમાં ભારે આશ્ચર્યનું કેન્દ્ર બન્યું છે. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઇરલ થતાં લોકો આ અસાધારણ ઘટના જોવા માટે દૂર-દૂરથી કૂવા પાસે ઉમટી રહ્યા છે. હાલ તો કલેકટર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવતા અનેક અફવાઓ પર પૂર્ણ વિરામ મુકાયું છે.