સત્યાગ્રહ પાર્ટ-3 : વીજલાઇન વળતરના પરિપત્રનો વિરોધ, મોરબીમાં ખેડૂતોની વિશાળ પદયાત્રા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Morbi Farmers Protest: મોરબીના જેતપર ગામે વીજલાઇન વળતર મુદ્દે ઉપવાસ આંદોલન પાર્ટ-2 પૂર્ણ થયા બાદ સત્યાગ્રહ પાર્ટ-3 શરૂ કરવામાં આવ્યું છે. વીજલાઇન વળતરના નવા પરિપત્રના વિરોધમાં મોરબીમાં ખેડૂતોની વિશાળ પદયાત્રા યોજાઈ હતી. તેમાં હજારો ખેડૂતો અને મહિલાઓ જોડાયા હતા. સૂત્રોચ્ચાર સાથે કલેક્ટર કચેરીએ પહોંચી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
જેતપર આંદોલન અંતર્ગત સત્યાગ્રહ પાર્ટ-૩નો પ્રારંભ
ગુજરાત સરકારના ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ દ્વારા તાજેતરમાં જાહેર કરવામાં આવેલા નવા પરિપત્રનો ખેડૂતો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ પરિપત્ર ખેડૂતોના હિતમાં ન હોવાના આક્ષેપ સાથે સત્યાગ્રહ પાર્ટ-3ના પ્રારંભે આજે મોરબીમાં હજારો ખેડૂતો અને મહિલાઓની વિશાળ પદયાત્રા યોજાઈ હતી. રાજ્યના 365 ગામોની ગ્રામ પંચાયતોના લેટરપેડ સાથે ખેડૂતોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ઠરાવમાં સુધારા કરવાની માગ કરી છે.
મોરબીમાં ખેડૂતોની વિશાળ પદયાત્રા
ગુજરાત ખેડૂત છાવણી જેતપર (મચ્છુ)ના નેજા હેઠળ યોજાયેલી આ વિશાળ પદયાત્રા મહેન્દ્રનગર ચોકડીથી શરૂ થઈ હતી. ખેડૂતોને થતા અન્યાયના બેનરો સાથે મોટી સંખ્યામાં મહિલાઓ અને ખેડૂતો આ રેલીમાં જોડાયા હતા. સૂત્રોચ્ચાર સાથે સામાકાંઠા વિસ્તારમાં ફરીને આ પદયાત્રા કલેક્ટર કચેરીએ પહોંચી હતી, જ્યાં કલેક્ટરને લેખિત આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.
માર્કેટ રેટ કમિટી સહિતની કામગીરી ચાલુ: કલેક્ટર
મોરબી જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે, જેતપરના ખેડૂતોની માંગણી મુજબ માર્કેટ રેટ કમિટીની રચના કરીને તેમાં ખેડૂત પ્રતિનિધિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. વળતરના ભાવ 200 ટકા અને ગ્રામ્યમાં 30 ટકાની જોગવાઈ કરાઈ છે. જેમને અગાઉ વળતર મળી ગયું છે, તેમને પણ વધારાનું વળતર આપવાની જોગવાઈ છે. સરકારી જીઆર પ્રમાણે માર્કેટ રેટ કમિટી દ્વારા ભાવ નક્કી થયા બાદ જ થાંભલા નાખવાની કામગીરી થશે. સંબંધિત કંપની સાથે બેઠક કરીને વેલ્યુઅર નિમણૂક કરવા સૂચના આપી દેવાઈ છે. ખેડૂતોને 100 ટકા વળતર મળ્યા બાદ જ કામગીરી શરૂ કરવા આદેશ કરાયા છે. ખેડૂતોએ ઝડપથી પોતાના પ્રતિનિધિઓની નિમણૂક કરવી જોઈએ, જેથી સમયસર વળતર ચૂકવી શકાય. આજે ખેડૂતો દ્વારા અપાયેલું નવું આવેદનપત્ર પણ સરકાર સુધી પહોંચાડવામાં આવશે
કલમ 10 (D) મુજબ પૂરેપૂરા વળતરની માંગ
આવેદનપત્રમાં રજૂઆત કરાઈ છે કે, ઊર્જા વિભાગના ઠરાવ ક્રમાંક ઈપીસીડી/ઈએલએ/ઈ ફાઈલ/20/2023/1173/ક (તા. 04-07-2026) થી ઈલેક્ટ્રીસીટી એક્ટ 2003 અને ટેલીગ્રાફ એક્ટ 1885ની જોગવાઈઓ હેઠળ ટ્રાન્સમિશન લાઈનોના વળતર અંગે જે ઠરાવ કરાયો છે, તેમાં સુધારો જરૂરી છે. ટેલીગ્રાફ એક્ટની કલમ 10 (ડી)ની જોગવાઈ મુજબ ખેડૂતોને ઓછામાં ઓછું નુકસાન થાય અને પૂરેપૂરું વળતર મળે તેવા સુધારા ન થાય ત્યાં સુધી આ ઠરાવની અમલવારી સ્થગિત રાખવાની માંગ કરવામાં આવી છે.









