મોરબી અને ખાંભા APMCની ચૂંટણીમાં 93 ટકાથી વધુ મતદાન, આજે ગણતરી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

મોરબી,અમરેલી : મોરબી અને ખાંભા માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં આજે મતાધિકારનો ઉપયોગ કરવા મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. મોરબીમાં વેપારી વિભાગમાં શત-પ્રતિશત મતદાન અને ખેડૂત વિભાગમાં ૯૬ ટકા મતદાન નોંધાયું છે, જ્યારે ખાંભા એપીએમસીમાં ખેડૂત વિભાગની ૧૦ બેઠકો માટે લગભગ ૯૩ ટકા મતદાન થતાં હવે આવતીકાલે ગુરૂવારે મત ગણતરી થનાર હોવાથી મતપેટીમાં કોના પક્ષે જનાદેશ પડયો છે તેના પર સૌની નજર મંડાઈ છે.
મોરબી માર્કેટીંગ યાર્ડમાં ખેડૂત વિભાગની ૧૦ બેઠકો માટે ૧૯ ઉમેદવારો મેદાનમાં હતા. ૧૫૦૭ મતદારો પૈકી ૧૪૪૮ મતદારોએ મતદાન કર્યું, એટલે કે ૯૬ ટકા મતદાન નોંધાયું હતું. બીજી તરફ વેપારી વિભાગની ચાર બેઠકો માટે છ ઉમેદવારો વચ્ચે મુકાબલો હતો અને નોંધાયેલા તમામ ૫૧ મતદારોએ મતદાન કરતાં ૧૦૦ ટકા મતદાન થયું હતું. મોરબી, માળિયા અને ટંકારા તાલુકાની ૧૦૪ મંડળીઓ અને કુલ ૧૫૫૮ મતદારો ધરાવતી એપીએમસીમાં અગાઉ ચાર વખત ચૂંટણી યોજાઈ ચૂકી છે. આ પાંચમી ચૂંટણીમાં ભાજપ પ્રેરિત સહકાર પેનલ સામે કોંગ્રેસ પ્રેરિત ખેડૂત પરિવર્તન પેનલ વચ્ચે સીધી ટક્કર ઉપરાંત સ્થાનિક અસંતોષ અને જૂથબંધીનું ગણિત પણ મહત્વનું બની શકે છે.
બીજી તરફ ખાંભા માર્કેટીંગ યાર્ડમાં વેપારી વિભાગની ચાર બેઠકો અગાઉ જ બિનહરીફ જાહેર થઈ ગઈ હતી. તેથી આજે ખેડૂત વિભાગની ૧૦ બેઠકો માટે ૩૧ ઉમેદવારો વચ્ચે જંગ રહ્યો હતો. કુલ ૫૬૭ મતદારોમાંથી ૫૨૭એ મતદાન કર્યું, એટલે ૯૨.૯૫ ટકા, એટલે લગભગ ૯૩ ટકા મતદાન નોંધાયું હતું. અહીં ભાજપ, કોંગ્રેસ અને બળવાખોરો વચ્ચે ત્રિપાંખિયો મુકાબલો હોવાથી એક-એક મત પરિણામનું ગણિત બદલી શકે છે. ઊંચા મતદાનને પગલે ત્રણેય જૂથો પોતાના પક્ષે પરિણામ આવવાના દાવા કરી રહ્યા છે.




