Gujarat

મોરબી નગરપાલિકા કચેરીએ ફોડયા માટલા, પ્રમુખને ઘેરાવ

By GS Team
19 Jun 20192 mins read
This article was originally published on 19 Jun 2019
મોરબી નગરપાલિકા કચેરીએ ફોડયા માટલા, પ્રમુખને ઘેરાવ



મોરબી,તા. 19 જૂન 2019, બુધવાર

મોરબી નગરપાલિકા તંત્ર નગરજનોને પ્રાથમિક સુવિધા આપવામાં નિષ્ફળ રહ્યું છે અને છાશવારે પાણીના પ્રશ્ને મહિલાઓના મોરચા જોવા મળતા રહે છે ત્યારે આજે મોરબીની વિવિધ  સોસાયટીની મહિલાઓએ પાલિકા કચેરીએ હલ્લાબોલ કર્યો હતો અને માટલા ફોડી પાલિકા પ્રમુખને ઘેરાવ કરી ઉગ્ર સુત્રોચ્ચાર કર્યો હતો. 

મોરબીની અવધ - ૪ સોસાયટીનાં રહેવાસી મહિલાઓને પીવાના પાણીની સમસ્યા હોય જેથી આજે મહિલાઓનું ટોળું પાલિકા કચેરી દોડી ગયું હતું અને માટલા ફોડી વિરોધ દર્શાવ્યો હતો. પાલિકા કચેરીએ પ્રમુખ કે ચીફ ઓફિસરના મળતા ટોળાએ ઉગ્ર સુત્રોચ્ચાર કર્યો હતો અને બાદમાં પાલિકા પ્રમુખ કેતન વિલપરા કચેરીએ પહોંચતા તેનો ઘેરાવ કરી તેમને પ્રમુખની ચેમ્બરમાં જતા રોક્યા હતા. જેને પગલે થોડીવાર માટે માહોલ તંગ બન્યો હતો પાણી અંગે મહિલાઓની ઉગ્ર રજૂઆતને પગલે પાલિકા પ્રમુખ યોગ્ય કરવાની ખાતરી આપી હતી.  જયારે બે દિવસ પૂર્વે  રજૂઆત કરનાર શ્રીજી સોસાયટીની મહિલાઓનું ટોળું આજે ફરીથી કચેરી પહોંચ્યું હતું અને હલ્લાબોલ કર્યો હતો. 

અવધ સોસાયટીની મહિલાઓના હલ્લાબોલ સાથે આજે શ્રીજી સોસાયટીની મહિલાઓએ પણ મોરચો માંડયો હતો. શ્રીજી સોસાયટીની મહિલાઓએ બે દિવસ પૂર્વે કરેલી રજૂઆતને પગલે ખાતરી મળી હતી. જો કે હંમેશની જેમ ખાતરી ગાજર પુરવાર થતા શ્રીજી સોસાયટીની મહિલાઓએ ફરી મોરચો માંડયો હતો અને ઉગ્ર સુત્રોચ્ચાર કર્યો હતો. 

અવધ સોસાયટીની મહિલાઓએ કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે નાની કેનાલ રોડ રાજનગર  રોડ પરના વિસ્તારમાં એપાર્ટમેન્ટમાં બાંધકામ ચાલી રહ્યા હોય જે ડાયરેક્ટ લાઇનમાંથી વપરાશ કરે છે. જેથી પાણી પહોંચતું ન હોવાની લેખિત રજૂઆત કરી છે અને યોગ્ય પગલા ભરવાની માંગ કરી છે.