Mera Bharat Mahan

ગાય હિંસક બની જાય ત્યારે દીકરીની કેવી હાલત થાય?

By GS Team
14 Aug 20265 mins read
TukuTouch Logo
લખનઉના અલીગંજના સરસવાં ગામમાં 8 વર્ષની બાળકી સુનૈના શેરીમાં રમતી હતી ત્યારે એક હિંસક ગાયે તેના પર હુમલો કર્યો. દોઢ મિનિટ સુધી બાળકી ગાયના પગ અને શિંગડા વચ્ચે ફસાયેલી રહી. પૂજા નામની યુવતીએ સાહસ બતાવીને બાળકીને બચાવી. ગંભીર રીતે ઘાયલ સુનૈનાને હોસ્પિટલ ખસેડતા તેનો જીવ બચ્યો, જેનો વિડીયો વાયરલ થયો.

Summarized by AI; it may make mistakes. Check important info

ગાય હિંસક બની જાય ત્યારે દીકરીની કેવી હાલત થાય?
  • મેરા ભારત મહાન-અક્ષય અંતાણી

આપણામાં કહેવત છે કે દીકરી ને ગાય દોરે ત્યાં જાય. પણ ગાય જો હિંસક બની જાય તો માસુમ દીકરીની કેવી હાલત થાય? એ લખનઉની અરેરાટીપૂર્ણ ઘટનાએ દેખાડી દીધું. અલીગંજના સરસવાં ગામમાં સાંજના સમયે આઠ વર્ષની સુનૈના ઘરની બહાર ઉછળકૂદ કરતી શેરીમાં રમતી હતી. અચાનક હિંસક બની ગયેલી ગાય ધસી આવી અને જોરદાર ઢીંક મારીને પાડી નાખી અને પછી પગેથી અને માથાથી મારવા લાગી. બાળકીની ચીસાચીસથી મોહલ્લો ગાજી ઉઠયો. હિંસક ગાયને તેની સાથેની ગાયો દૂર હડસેલવાનો પ્રયાસ કરવા લાગી. પરંતુ દોઢ મિનિટ સુધી ઘાયલ બાળકી ગાયના પગ અને શિંગડા વચ્ચે ફસાયેલી રહી બાળકીની બૂમાબૂમ સાંભળી બાજુની દુકાનમાં સિલાઈકામ કરતી પૂજા નામની યુવતી પોતાની સાઈકલ સાથે વિફરેલી ગાય સામે ધસી ગઈ. આમ છતાં ગાયના બાળકી ઉપર પ્રહાર ચાલુ જ રહ્યો. એટલું સારૃં થયું કે આજુબાજુમાંથી બીજા લોકો પણ હાકલા પડકારા કરતા બચાવવા દોડયા, અને બાળકીને મોતના મોઢામાંથી બચાવી લીધી. ગંભીર રીતે ઘાયલ થયેલી સુનૈનાને લોહીલુહાણ હાલતમાં તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તેનો જીવ બચી ગયો. આ ઘટનાનો ધુ્રજારીપૂર્ણ વિડિયો સોશ્યલ મિડિયામાં વાઈરલ થયો. મારકણી ગાયની આ ઘટના વિશે જાણીને કહેવું પડે કેઃ
ગરીબડી ગણાતી ગાય
જ્યારે હિંસક બની જાય
ત્યારે માસુમ દીકરીની
કેવી ગંભીર હાલત થાય?
પુરૂષો પહેરે સાડી ને સજે સોળ શણગાર
સુંદર સાડી પરિધાન કરી સોળે શણગાર સજીને સ્ત્રી જ્યારે નીકળે ત્યારે ભલભલાની આંખો અંજાઈ જાય છે. પરંતુ સ્ત્રીને બદલે કોઈ મરદ મુછાળો સાડી ઓઢી સધીજધી નીકળે તો કેવો લાગે? પરંતુ આવા શણગાર સજેલા અને સાડી ઓઢી લટકમટક ચાલતા પુરૂષોને જોવા હોય તો કેરળના કોલ્લમ જિલ્લાના કોટ્ટનકુલંગરા દેવી મંદિરમાં જવું પડે. આ મંદિરમાં દર વર્ષે ઉજવાતા 'ચામયાવિલક્કુ' ઉત્સવ વખતે પુરૂષો સાડી ઓઢી, મેકઅપ કરી, કેશમાં ગજરા લગાડી અને આભૂષણો પહેરીને આવ ે તો જ તેમને મંદિરમાં પ્રવેશ આપવામાં આવે છે. આમ સોળે શણગાર સજેલા પુરૂષો દેવીનું પૂજન કરે ત્યારે અજબ દ્રશ્ય સર્જાય છે.
કાયદાને શરણે
કેદી પરણે
શહેરો અને ગામોમાં ધામધૂમથી લગ્નો યોજાતા હોય છે. લગ્નની શણગારેલી વાડીઓમાં, ખુલ્લામાં બાંધવામાં આવતા વિશાળ શમિયાણામાં, હોટલોના બેન્કવેટ હોલમાં કે પછી અત્યારના ડેસ્ટીનેશન વેડિંગના ટ્રેન્ડ પ્રમાણે દેશ -વિદેશના ટુરિસ્ટ સ્પોટના રિસોર્ટમાં લગ્નો યોજાતા હોય છે. પરંતુ છત્તીસગઢના બસ્તર જિલ્લામાં જગદલપુરની સેન્ટ્રલ જેલમાં અદાલતના નિર્દેશ અનુસાર અનોખા લગ્ન યોજાયા હતા. બળાત્કારના આરોપ હેઠળ જેલમાં બંધ કેદી સાથે બળાત્કારની ફરિયાદ નોંધાવનારી પ્રેયસીએ વિવાહ કર્યા હતા. આ પ્રકરણ કૌટુંબિક વિખવાદને લીધે પોલીસમાં પહોંચ્યું હતું. પ્રેમી વિરુદ્વ બળાત્કારની ફરિયાદ થતાં તેને જેલમાં જવું પડયું હતું. આખરે પ્રેયસીએ અદાલતમાં જઈને રજૂઆત કરી હતી કે તે રાજીખુશીથી પ્રેમીને જ પરણવા માગે છે. એટલે અદાલ તે જેલમાં જ લગ્નની મંજૂરી આપી હતી અને કારાગૃહમં જ બન્ને શાસ્ત્રોકત વિધિથી ફેરા કર્યા હતા.
ગાય માટે બે
માળનો મહેલ
ગાયોને આપણે ગમાણમાં ઊભેલી જોઈ હશે. પરંતુ રાજસ્થાનમાં એક શુકનવંતી ગાયને માટે તેનાં મલિક તરફથી બે માળનો મહેલ બાંધવામાં આવી રહ્યો છે. રાધા નામની ગાય માટે ઝાલોરમાં એક કરોડના ખર્ચે રાધા-મહેલ તૈયાર થઈ રહ્યો છે એટલું જ નહીં ગાયને ખૂબ જ લકી ગણતા તેના માલિક નરેન્દ્ર પુરોહિત કહે છે કે આ ગાયના પગલાં થયા એ પહેલાં તેઓ દોઢ હજાર રૂપિયાની નોકરી કરતા હતા. પણ રાધા ગાય આવ્યા પછી નસીબ આડેનું પાંદડું ખસી ગયું અને તેઓ બિઝનેસ મેન બની ગયા. એટલે જ તેઓ ખાસ તહેવારોમાં ગાયને ૨૪ લાખ રૂપિયાના ચાંદીના આભૂષણો પહેરાવીને અને કારીગરો પાસે ખાસ તૈયાર કરાવેલી ઝીણાં ભરતકામ વાળી ચૂંદડી ઓઢાડીને શણગારે છે. રાધા ગાયની કાળજીપૂર્વક સરભરા થાય છે અને પરિવારજનો તેની શ્રદ્ધાપૂર્વક રોજ પૂજા કરે છે. આ જોઈને કહેવું પડે કેઃ
રાધા ગાયના માનપાનની
કંઈ વાત થાય
વારતહેવારે તેને દાગીના
અને ચૂંદડીથી સજાવાય.
જોડિયા ભાઈઓ પરણ્યા જોડકી બહેનોને…
કેરળના કોટ્ટામ જિલ્લાના ચંગનસેરી મેટ્રોપોલિટન ચર્ચમાં આપણે ક્યારેય ન સાંભળ્યું હોય એવાં અનોખા લગ્ન પાર પડયા હતા. આ અભૂતપૂર્વન મેરેજની ખાસિયત એ હતી કે જોડિયા ભાઈઓ બે જોડકી બહેનોને પરણ્યા એટલું જ નહીં લગ્નની વિધિ કરાવનારા ચર્ચના પાદરી પણ ટિવન્સ હતા બોલો! અખિલ થોમસ અને નિખિલ થોમસ નામના બેલડાના ભાઈઓએ મ ેગી મેરી અને મારિયા મેરી નામની આઈ.ટી.એન્જિનિયર બહેનો સાથે લગ્ન કર્યા. લગ્નવિધિ પાર પાડી ટિવન બ્રધર્સ ફાધર એન્ટો અને ફાધર એન્ટોએ આ બધા જોડકાએ એકસરખા ડ્રેસ પહેર્યા હોવાથી લગ્નમાં હાજર મહેમાનો પણ તેમને ઓળખવામાં થાપ ખાઈ ગયા હતા. આ જોઈને કહેવાનું મન થાય કે
કુદરતનો પાર
કોઈ ન શકે પામી
બોલો! જોડકા જોડકીની
જોડીઓ કેવી જામી?
પાવરલૂમ સિટીનો પાવરફૂલ સ્પાઈડરમેન
ફિલ્મના પડદે અત્યારે ટોમ હોલેન્ડની સ્પાઈડરમેન ફિલ્મ ધૂમ મચાવી રહી છે અને કરોડોની કમાણી કરી રહી છે. જ્યારે બીજી તરફ રિયલ લાઈફમાં મુંબઈ નજીક આવેલા પાવરલૂમ સિટી ભિવંડીમાં એક સહુને મદદરૂર થતો અને કોઈ પણ મુશ્કેલ પરસ્થિતિમાં સપડાયા હોય તેને સહાય કરવા તત્પર રહેતો સાચો સ્પાઈડરમેન ધૂમ મચાવી રહ્યો છે. શાદાબ મોમીન નામનો યુવાન સ્પાઈડરમેનનો કોસ્ચ્યુમ પહેરીને નીકળે છે અને નાચીને કે ઠેકડા મારીને સહુનું મનોરંજન કરવા ઉપરાંત લોકોને હેલ્પ કરે છે. એટલે જ લોકોએ તેનું નામ જ સ્પાઈડી ભાઈ પાડી દીધું છે. અત્યંત સામાન્ય સ્થિતિના પરિવારમાંથી આવતો શાદાબ જ્યુ સ સેન્ટરમાં પોતા મારતો હતો.એ વખતે તેની એક્સ -ગર્લફ્રેન્ડ જ્યુ સેન્ટરમાં આવી અને તેના ભાઈએ કોલ્ડ ડ્રિન્કનો ઓર્ડર આપ્યો. શાદાબે ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડ સાથે નજર મિલાવ્યા વિના બોટલ આપી દીધી. એ રાતે મનોમન થયું કે મારે જીવનમાં કંઈક એવું કરી દેખાડવું છે કે લોકો તેનાં પરથી નજર હટાવી ન શકે. બસ એમાંથી એના મગજમાં ફણગો ફૂટયો કે સ્પાઈડરમેન બનીને સહુનું મનોરંજન પણ કરૃં અને મદદરૂપ પણ બનું, બસ એ દિવસ અને આજની ઘડી. સ્પાઈડરમેનના કોચ્ચ્યુમમાં સવારથી સ્પાઈડી ભાઈ નીકળી પડે છે ટ્રાફિક જામ થયો હોય ત્યાં ઊભો રહીને વાહનોને સ ાઈડ આપે છે. સિનિયર સિટીઝનો રસ્તો ક્રોસ કરવા ઊભા હોય તેને રોડ ક્રોસ કરાવે છે. આ ચોમાસામાં ભિવંડીમાં જળબંબાકાર સ્થિતિ સર્જાઈ ત્યારે સ્પાઈડીભાઈ પાણીમાં ધૂબાકા મારતા નીકળી ગયા. મોટરીસ્ટોને દિશા સૂચન કરવા માંડયા. કમર સુધી ભરાયેલા પાણીમાં ફસાયેલા બે બાળકોને ખભા પર બેસાડી સલામત જગ્યાએ ખસેડયા. આજે તો આ સ્પાઈડરમેનની જાત જાતની રીલ બની છે. સોશ્યલ મિડિયામાં તેનાં લાખોની સંખ્યામાં ફોલોઅર્સ છે. આ સેવાભાવી સ્પાઈડરમેનને જોઈને કહેવું પડે કેઃ
માત્ર મનોરંજન નહીં
સેવા પણ થાય છે
એટલે જ આ સાચા
સ્પાઈડરમેનનું નામ થાય છે.
પંચ-વાણી
પ્રભુ નામથી આરામ મળે
પ્રભુ નામથી આ-રામ મળે.