Mera Bharat Mahan

હત્યારા હાથીએ હણી ત્રણ પેઢી

By GS Team
24 Jul 20264 mins read
TukuTouch Logo
નેપાળના ચિતવન નેશનલ પાર્કમાં ધ્રુબે હાથીએ એક જ પરિવારની 3 પેઢીના 5 સભ્યોને મારી નાખ્યા. 2012માં શનિચરાના માતા-પિતાને મારી નાખ્યા બાદ, 4 જુલાઈએ નદી પાર કરી તેની વહુ અને 4 વર્ષની દીકરીને પણ કચડી નાખી. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

હત્યારા હાથીએ હણી ત્રણ પેઢી

મેરા ભારત મહાન-અક્ષય અંતાણી
આમ તો હાથી માણસનો સાથી ગણાય પણ કોઈ હત્યારા હાથીથી એક જ પરિવારની ત્રણ પેઢી હણાય ત્યારે ઝટ ભલે ન મનાય પણ આ હક્કિત અજાયબ ગણાય. નેપાલના ચિતવન નેશનલ પાર્કની આ હૈયું હચમચાવી નાખે એવી ઘટનામાં ધુ્રબે નામ ના ખૂંખાર હાથીએ શનિચરા નામના એક ગ્રામજનના માતાપિતાને ૨૦૧૨માં પગ નીચે કચડીને મારી નાખ્યા હતા. મારકણા બની ગયેલા આ ઘાતક હાથીની દહેશતને લીધે શનિચરા પોતાના પરિવારને લઈ નદીને સામે પાર ૧૭ કિલોમીટર દૂર જતો રહ્યો. નવી જગ્યાએ જઈને સહુએ રાહતનો શ્વાસ લીધો હતો કે હાશ! હવે હત્યારો હાથી ઘર સુધી નહીં પહોંચી શકે. પરંતુ ગઈ ચોથી જુલાઈએ ધુ્રબા હાથી નદી ઓળંગી સામે પાર પહોંચ્યો હતો અને રાતના ધનધોર અંધારામાં શનિચરાના ઘરને ગોતી કાઢી હુમલો કર્યો હતો. કાચા ઘરની દિવાલનો હાથીએ ભૂક્કો બોલાવી દીધો હતો અને શનિચરાની વહુ અને ચાર વર્ષની માસૂમ દીકરીને કચડીને મારી નાખ્યા હતા. આ હત્યારા હાથીએ આમ ત્રણ પેઢીનો ભોગ લીધો એ જાણીને કહેવું પડે કેઃ
બાત એક રાત કી
હાથી નીકળ્યો કેવો ઘાતકી.
જલાલાબાદ ગામને પરશુરામનું નામ
પ્રભુ રામના નામના સંખ્યાબંધ ગામ છે પણ આજ સુધી પરશુરામના નામનું કોઈ ગામ હોય એવું સાંભળ્યું નહોતું. પણ ઉત્તર પ્રદેશ સરકારે શાહજહાંપુર જિલ્લામાં આવેલા જલાલાબાદ ગામને પરશુરામપુરી નામ આપ્યું છે. ઘણાંના મનમાં પ્રશ્ન થયો હશે કે જલાલાાબદને પરશુરામનું નામ કેમ આપવામાં આવ્યું હશે? આ ક્ષેત્રને પરશુરામ સાથે શું સંબંધ? તો આનો જવાબ એ છે કે જલાલાબાદ પરશુરામનું જન્મસ્થળ મનાય છે. પરશુરામની હાજરીની શાખ પૂરાવતું ભગવાન પરશુરામનું અતિ પ્રાચીન મંદિર પણ છે. આ મંદિર સેંકડો વર્ષ પુરાણું છે. પરશુરામની ભૂમિને જલાલાબદ નામ આપવા પાછળ એવું કહેવાય છે કે મુગલ બાદશાહ જલાલુદ્દીન અકબરના નામ પરથી પડયું હતું. આ ક્ષેત્રનુ નવું નામકરણ થયું એ જાણીને કહેવું પડે કેઃ
જે થયું એ સારૂ કામ થયું
ક્ષેત્રનું નામ પરશુરામ થયું
માલપૂઆની મોકાણઃ
૪૩પરિવારોનો બહિષ્કાર
પંચ ત્યાં પરમેશ્વર એ કહેવત ને જરા ફેરવીને પંચાયત ત્યાં પાંજન કહેવી પડે એવી ઘટના રાજસ્થાનના સિરોહી જિલ્લામાં બની હતી. રાજસ્થાનમાં કોઈ વ્યક્તિ મૃત્યુ પામે ત્યારે તેની પાછળ મૃત્યુભોજ એટલે મરણ નિમિત્તે જમણવારની પરંપરા છે. હવે સિરોહી જિલ્લાના ગામડે મૃત્યુ પ્રસંગે આર્થિક રીતે નબળો પરિવાર દેશી ઘીમાં લચપચતા મ ાલપૂઆ ન ખવડાવી શક્યા. એટલે પંચાયતવાળા વિફર્યા. અને આખા પરિવારનો સામાજિક બહિષ્કાર કર્યો. ત્યાર પછી પીડિત પરિવારની પડખે ઊભા રહેલા ૪૩ પરિવારોનો પણ સ્થાનિક બહિષ્કાર કરવામાં આવ્યો આ તઘલકી ફરમાન બાદ ગામમાં પરણ પ્રસંગે મરણ પ્રસંગે અથવા કોઈ સામાજિક પ્રસંગે આ બહિષ્કૃત પરિવારોને દૂર રાખવામાં આવે છે. ગામના દુકાનદારોએ અનાજ આપવાનું બંધ કર્યું છે અને ખેતરમા મજૂરી માટે પણ કોઈ બોલાવતું નથી. પંચાયતના કેટલાક માથાભારે સભ્યોને કારણે કેટલાય પરિવારોને બહિષ્કારનો સામનો કરવો પડે છે. લોકશાહી દેશમાં આદર્શ પંચાયત રાજની કલ્પના કરવામાં આવેલી. જ્યારે સિરોહીના ગામડાની પંચાયતે તો પંચાયતી રાજનું નામંબોળ્યું છે. આ જોઈને કહેવું પડે કેઃ
ખાઈબદેલા પંચાયતવાળા
થયા ધૂંઆપૂંઆ
જ્યારે ખાવા ન
મળ્યા માલપૂઆ
રિક્ષામાં પ્રસૂતિઃ ચારેય બાળકોનાં મોત
પ્રસૂતાને હોસ્પિટલે લઈ જવા માટે અમ્બ્યુલન્સ ન મળતા ઓટો રિક્ષામાં લઈ જતી વખતે તેણે રિક્ષામાં જ ચાર બાળકોને જન્મ આપ્યો હતો. કમભાગ્યે ચારે ચાર બાળકો રિક્ષામાં જ મૃત્યુ પામ્યા હતા. મધ્ય પ્રદેશના મંડલા જિલ્લામાં બનેલી આ અરેરાટીપૂર્ણ ઘટનાને પગલે હોબાળો મચી ગયા પછી આરોગ્ય અધિકારીએ એવો બચાવ કર્યો હતો કે મુદત પૂર્વે થયેલી સુવાવડ અને શિશુનો યોગ્ય વિકાસ થયો ના હોવાથી ચારેય બાળ કો મૃત્યુ પામ્યા હતા. જ્યારે પ્રસૂતાના પરિવારે આક્ષેપ કર્યો હતો કે સમયસર એમ્બ્યુલન્સ ન મળતા નાછૂટકે મહિલાને રિક્ષામાં લઈ જવાની ફરજ પડી હતી જેને કારણે એક સાથે ચાર બાળકો ગુમાવવા પડયા હતા. સરકાર ઝડપી આરોગ્ય સેવા અને સમયસર ઈલાજની સુવિધાના બણગાં ફૂંકે છે પણ દેશની આર્થિક રાજધાની મુંબઈના પડખામાં આવેલા થાણે અને પાલઘર જિલ્લાના ગ્રામવિસ્તારમાં તો અનેક વર્ષોથી એમ્બ્યુલન્સની સુવિધાના અભાવે પ્રસૂતાઓને કે બીમારોને બાંબૂ સાથે કપડાની ઝોળી બાંધી એમાં સૂવાડીને રૂરલ હોસ્પિટલોમાં પહોંચાડવા પડે છે. આ રીતે એમ્બ્યુલન્સના અભાવે પ્રસૂતાએ અથવા ગંભીર બીમાર વ્યક્તિએ જીવ ગુમાવવા પડયા છે. ભર ચોમાસે પાલઘરમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ એ વખતે એક સગર્ભાને પ્રસૂતિ પીડા ઉપડતા તત્કાળ હોસ્પિટલે પહોંચાડવાની જરૂર પડી. પરંતુ જળમય સ્થિતિમાં એમ્બ્યુલન્સ ન પહોંચતા ઘરનો લાકડાનો દરવાજો તોડી એમાં પ્રસૂતાને સૂવાડી હોસ્પિટલ પહોંચાડવી પડી હતી બોલો. એટલે જ કહેવું પડે કેઃ
સરકારી દાવા
લાગે જોલમજોલ
એમ્બ્યુલન્સ ન મળે
ત્યારે ખુલે પોલમપોલ.
રાખ ખાઈને એક જ પરિવારના પાંચ જણ રાખ
મૃત્યુ પછી અગ્નિ સંસ્કાર કરવામાં આવે ત્યારે માનવદેહ રાખમાં ફરેવાઈ જાય છે. પરંતુ ઝારખંડના પલામૂ જિલ્લાના ગામડામાં બનેલી હૃદયદ્રાવક ઘટનામાં તાંત્રિકના કહેવાથી રાખ ખાધા પછી એક જ પરિવારના પાંચ જણ મૃત્યુ પામ્યા હતા. માંદા પડયા પછી ડોકટર પાસે ઈલાજ કરાવવાને બદલે અભણ અને અંધશ્રદ્ધાળુ લોકો તાંત્રિક પાસે ગયા હતા. મંત્ર-તંત્ર કરતા આ તાંત્રિકે પરિવારના પાંચેય સભ્યોને રાખ ખવડાવી હતી. સૌથી પહેલાં પરિવારના વડાનું મૃત્યુ થયું હતું, બીજે દિવસે દિકરીનો જીવ ગયો હતો અને ત્યાર પછી ત્રણ જણ મોતને ભેટયા હતા. મૃત્યુનું કારણ સ્પષ્ટ નથી થયું, પણ ડોકટરોએ રાખ ખાવાને લીધે મૃત્યુ થયાની શકયતા દર્શાવી છે. આઘાતજનક ઘટના વિશે જાણીને અંધશ્રદ્ધાળુઓને ચેતવણી રૂપે કહેવું છે કેઃ
રાખમાં તું અંધશ્રદ્ધા રાખ-મા
નહીંતર મેળવી દેશે રાખમાં.

પંચ-વાણી
મોટા માલ ખાય
નાના માર ખાય
મોટાને મજા મજા
નાનાને સજા સજા
મોટા કરે ગોટા
નાના મરે ખોટા.