'નકસલી' નારીઓનું નખરાળું રૂપ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- મેરા ભારત મહાન-અક્ષય અંતાણી
છત્તીસગઢના જંગલમાં પોલીસ સાથેની અથડામણ વખતે પુરૂષ નકસલીઓ સાથે ખભેખભા મિલાવી ધાણીની જેમ બંદૂકો ફોડતી નકસલી નારીઓએ આત્મસમર્પણ કર્યા પછી તેમનુ જીવન જ પલ્ટાઈ ગયું છે. નક્સલવાદી અને માઓવાદી હિંસક પ્રવૃત્તિઓ છોડીને શરણે આવેલા આ નકસ લવાદી નર-નારીઓને સમાજના મુખ્ય પ્રવાહમાં લાવવા અને પુનર્વસન છત્તીસગઢ સરકારે અનેક યોજનાઓ અમલમાં મૂકી છે. હજી થોડા વર્ષો પહેલાં મિલિટરીના યુનિફોર્મ જેવો ડ્રેસ પહેરી અને ખભે બંદૂક લટકાવી રોફથી ફરતી નકસલી નારીઓને જોઈને ગ્રામજનો ફફડી ઉઠતા. પરંતુ આ જ નારીઓના હૃદય પરિવર્તન પછી જ્યારે રાયપુરના વિશાળ સ્ટેજ ઉપર પ્રોફેશનલ મોડેલો સાથે ફેશન-શોમાં સોમલ કરવામાં આવી ત્યારે ભાત ભાતના પહેરવેશમાં અને નખરાળા અંદાજમાં આ નારીઓને કેટવોક કરતી જોઈને દર્શકોએ તાળીઓના ગડગડાટ કરી વધાવી લીધી હતી. છત્તીસગઢ અને મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાંથી આમ તો નકસલવાદીઓનો ખાતમો બોલાવી દેવામાં આવ્યો છે અને મોટી સંખ્યામાં નકસલીઓ શરણે પણ આવી ગયા છે. આમ છતાં હજીય કયાંક જંગલમાં ખૂણે ખાંચરે ભરાઈને બેઠેલા નકસલીઓને સંદેશ પહોંચાડવો જોઈએ કે મરણને શરણ થવા કરતા આવી જાવ શરણ…
કાર્ડ અંદર
અનાજ બહાર
રાહતના દરે રેશનિંગનું અનાજ મેળવવા માટે લોકોએ લાંબી લાઈનોમાં ઊભું રહેવું પડતું હોય છે. પણ મશીનમાં કાર્ડ નાખો અને અનાજ બહાર આવે એવું કદાચ પહેલ વહેલું એ.ટી.એમ. છત્તીસગઢના રાયપુરમાં શરૂ કરવામાં આવ્યું છે. આ એટીએમને અન્નપૂર્તિ ગ્રેઈન એ.ટી.એમ. નામ આપવામાં આવ્યું છે જે સાતેય દિવસ ને ચોવીસે કલાક ચાલુ રહે છે. રાયપુરમાં રેશનનું અનાજ મેળવાને પાત્ર હોય એવા લોકોને ખાસ રેશન કાર્ડ આપવામાં આવ્યા છે જેની મદદથી દર મહિને નિર્ધારિત ક્વોટા મુજબ અનાજ મેળવી શકે છે. રેશનકાર્ડ અને ફિંગ પ્રિન્ટના વેરિફિકેશનથી અટીએમમાંથી ક્વોટા પ્રમાણે અનાજ બહાર આવે છે. આ એટીએમને કારણે લોકોને રેશનિંગની લાંબી લાઈનમાં ઊભા રહેવામાંથી મુક્તિ મળી ગઈ છે. આના પરથી કહેવું પડે કેઃ
વધતી જાય છે સુવિધા ઓનલાઈન ઘટતી જાય
છે તકલીફ ઓફ-લાઈન.
આખરી શ્વાસ ભારતમાં લેવાની તમન્ના
આખરી શ્વાસ ભારતમાં લ ેવાની છે ૯૫ વર્ષના માજીની આશ, એટલે જ ભારતીય નાગરિકત્ત્વ મેળવવા કરે છે પ્રયાસ અને સરકાર તરફથી સકારાત્મક જવાબ મળતા માજીને થઈ છે હાશ. આંધ્ર પ્રદેશના બાપટાલા જિલ્લાના કે.મહાલક્ષ્મી અમ્મા૨૦૦૦ની સાલમાં પતિના નિધન બાદ અમેરિકા ગયા હતા અને અમેરિકાના સિટીઝન બની ગયા હતા. ૨૦૧૮માં ભારત પાછા ફરેલા અમ્માની અંતિમ ઈચ્છા છે કે ભારતમાં જ છેલ્લાં શ્વાસ લેવા છે. ઈન્ડિયન સિટીઝનશીપ મેળવવા માટેની અરજી લઈને માજી કલેકટર ઓફિસમાં ગયા ત્યારે દેશ પ્રતિ શપથ લેતા માજીનો ભાવવાહી વિડિયો વીજળી વેગે વાઈરલ થયો હતો. કલેકટરે અરજી અને સાથે જરૂરી દસ્તાવેજો સ્વીકાર્યા બાદ કેન્દ્રના ગૃહ મંત્રાલયને પાઠવ્યા હતા. દેશની માટી પ્રત્યે મોહોબ્બતની દાસ્તાન સાંભળી રાહત ઈન્દોરીના શેરની પંક્તિ યાદ આવે છેઃ મોહોબ્બત કી ઈસ મીટ્ટી કો હિંદુસ્તાન કહતે હૈ… વયોવૃદ્ધ માતા ભારત માતાને ખોળે માથું ઢાળી મૃત્યુને વ્હાલું કરવાની મહેચ્છા ધરાવે છે ત્યારે એક માતાની ભારત માતા પ્રત્યેની આ અગાધ લાગણી જાણીને કહેવું પડે કેઃ જનની જન્મભૂમિ સ્વર્ગાદપિ ગરિયસી…
બંદર ભગાવ પૈસા કમાવ
એક જમાના વાંદરાના ખેલ કરવાવાળા ગામમાં આવતા એ વાંદરાને નચાવીને અને જાતજાતના ખેલ કરાવીને પૈસા કમાતા. પણ હવે દેશની રાજધાની દિલ્હીમાં વાંદરા ભગાડવાનો કસબ શીખ્યા હોય એવાં લોકો પૈસા કમાવા લાગ્યા છે. વાત જાણે એમ છે કે દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ડોર સ્ટેડિયમમાં વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપ ટુનામેન્ટ શરૂ થઈ છે. દિલ્હીમાં પહેલેથી વાંદરાનો બહુ ત્રાસ છે. એટલે ટુર્નામેન્ટ વખત મન્કી બ્રિગેડ મસ્તીના મૂડમાં ધમાચકડી ન મચાવે એટલે એ નાના વાનરોને ભગાડવા માટે કાળા મોઢાળા મોટા લંગૂરનો અવાજ કાઢી શક્તા ચાર જણને સ્ટેડિયમમાં તૈનાત કરવામાં આવ્યા છે. સ્ટેડિયમની આસપાસના ઝાડ પર કે દીવાલ પર વાંદરા દેખાય કે તરત જ આ ચાર વોઈસ ઓફ લંગૂર હૂપ્પ… હૂપ્પ… હૂપ્પ.. એવો અવાજ કાઢવા માંડે છે. એટલે બંદર પાર્ટી ગભરાઈને નાસી જાય છે. ડાર્વિનવાદ મુજબ વાનરોમાંથી માણસ બન્યો છે, જ્યારે દિલ્હીમાં પૈસા ખાતર માણસે વાનર બનવ ું પડે છે. આ જોઈને કહેવું પડે કેઃ
છોટે બંદર ભાગે દૂર
જબ આદમી બને લંગૂર
ખેતરમાં દાટેલા લાખો રૂપિયા
ઊગ્યા નહીં, ઉધઈ ખાઈ ગઈ
આપણામાં કહેવાય છે કે ખેડૂતો આકરો પરિશ્રમ કરે ત્યારે મહેનત ઊગી નીકળે. પણ રાજસ્થાનના બાલતોરા પાસેના નેવાઈ ગામડામાં એક ખેડૂતે ચોરાઈ ન જાય માટે જમીનમાં દાટેલા પાંચ લાખ રૂપિયા ઉધઈ ઓહિયા કરી ગઈ હતી. આમ ખેડૂતની મહેનત નહીં મૂર્ખાઈ ઊગી નીકળી હતી. આ ખેડૂતે વિચાર્યું કે પૈસા ઘરમાં રાખશે તો દીકરીઓને નજરે પડશે અને ચોરાવાનો પણ સતત ડર રહેશે. એનાં કરતાં ખેતરમાં દાટી દીધા હોય તો પછી ચિંતા જ ન રહે. આમ વિચારી ભાઈસાબે પ્લાસ્ટિકની કોથળીમાં પેક કરી પાંચસો-પાંચસો રૂપિયાની નોટોની થોકડીઓ ખેતરમાં કોઈ જગ્યાએ દાટી દીધી. આ વાતને મહિનાઓ વીત્યા પછી ખેડૂત પોતે જ જગ્યા ભૂલી ગયો કે પાંચ લાખ રૂપિયા ક્યાં દાટેલા. એક વર્ષ બાદ ટ્રેકટરથી ખેડાણ કરવામાં આવતું હતું ત્યારે પૈસા ભરેલી પ્લાસ્ટિકની કોથળી મળી આવી હતી. ખેડૂતે કોથળી ખોલીને જોયું તો તેને જબરજસ્ત આઘાત લાગ્યો હતો, કારણ કે પાંચસો-પાંચસોની મોટાભાગની ચલણી નોટો ઉધઈ-સેના અડધીપડધી ચાઉ કરી ગઈ હતી. ખેડૂત બિચ્ચારો ભારે હૈયે આ ખવાયેલી અડધીપડધી નોટો લઈને બેન્કમાં પહોંચ્યો. ત્યારે બેન્કવાળાએ તેને જયપુરની રિઝર્વ બેન્કની શાખામાં જવાની સલાહ આપી હતી. હવે આ ખેડૂતે આ પૈસા પહેલાં જ જમીનમાં દાટવાને બદલે બેન્કમાં મૂક્યા હોત તો વ્યાજ પણ મળત અને પૈસા જળવાઈ પણ રહેત. લોભિયાનું ધન ધૂતારા ખાય એવી જૂની કહેવત ફેરવીને કહેવી પડે કે લોભીયાનું ધન ઉધઈ ખાય. આ જોઈને દો લાઈના યાદ આવેઃ
જય જય રઘુરાય કી
યે કૈસ ''ઊંધઈ'' કી ખાઈકી.
પંચ-વાણી
એક શહેરમાં કૈલાશ અપાર્ટમેન્ટના મેઈન ગેટ પર લખેલી સૂચનાઃ પાર્કિંગ ફક્ત કૈલાશવાસીઓ માટે.




