Mera Bharat Mahan
સાઈકલ પર ફરીને કિસાનચાચીએ ટોકરી નહીં, ડંકો વગાડયા
By GS Team
16 Jul 20265 mins read
બિહારના રાજકુમારી દેવી, જે 'કિસાનચાચી' તરીકે ઓળખાય છે, તેમણે સાયકલ પર અથાણાં વેચી આત્મનિર્ભરતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. ગરીબી સામે લડીને તેમણે મહિલાઓને સશક્ત કરી અને પદ્મશ્રી એવોર્ડ મેળવ્યો. ઓડિશામાં પાંચમા ધોરણના પાઠ્યપુસ્તકમાં 'નિંબૂડા' ગીત છપાતા શિક્ષણ વિભાગની ભૂલો બહાર આવી, જ્યાં 55 પુસ્તકોમાં 1,678 ભૂલો મળી.
00:00
00:24
Summarized by AI; it may make mistakes. Check important info
બિહારના રાજકુમારી દેવી, જે 'કિસાનચાચી' તરીકે ઓળખાય છે, તેમણે સાયકલ પર અથાણાં વેચી આત્મનિર્ભરતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. ગરીબી સામે લડીને તેમણે મહિલાઓને સશક્ત કરી અને પદ્મશ્રી એવોર્ડ મેળવ્યો. ઓડિશામાં પાંચમા ધોરણના પાઠ્યપુસ્તકમાં 'નિંબૂડા' ગીત છપાતા શિક્ષણ વિભાગની ભૂલો બહાર આવી, જ્યાં 55 પુસ્તકોમાં 1,678 ભૂલો મળી.
00:00
00:24
Summarized by AI; it may make mistakes. Check important info

- મેરા ભારત મહાન - અક્ષય અંતાણી
નાનપણમાં બાલમંદિરમાં સાઈકલની કવિતા ગાતાઃ સાઈકલ મારી સ ર ર ર જાય… ટ્રીન -ટ્રીન ટોકરી વગાડતી જાય… સાઈકલની ટ્રીન- ટ્રીન ટોકરી નહીં, પણ બિહારની એક મહિલાએ સાઈકલ પર ફરી અથાણાં અને મુરબ્બા વેંચીને દેશમાં ડંકો વગાડયો. કઠિન પરિસ્થિતિ સામે ક્યારેય હાર ન માનનારી બિ-હારની આ મહિલા પ્યારથી કિસાનચાચીના નામે ઓળખાય છે. નામ છે એમનું રાજકુમારી દેવી. કિસાન પરિવારમાં તેમનો જન્મ ઘરની આર્થિક સ્થિતિ નબળી. ગરીબીને કારણે રાજકુમારીના ૧૪-૧૫મે વર્ષે લગ્ન થઈ ગયાં. પતિ સામાન્ય ખેડૂત હતો એટલે રાજકુમારીએ પતિને મદદરૂપ થવા ખેતીકામની તાલીમ લીધી અને ગામના મ્હેણા-ટોણાની પરવા કર્યા વિના ખેતીની શરૂઆત કરી. પછી મહિલાઓને પગભર કરવા માટે સ્વયં સહાયતા સમૂહ રચવાની શરૂઆત કરી. આ રીતે હજારો મહિલાઓને પગભર બનાવી પોતે જાતમહેનત ઝિંદાબાદનું સૂત્ર અપનાવી ઘરઆંગણે અથાણા-મુરબ્બા બનાવે અને પછી સાઈકલ ઉપર ગામેગામ વેંચવા જાય. પછી તો પૂસા કૃષિ વિશ્વ વિદ્યાલયમાં રીતસર ફાર્મિંગની પદ્ધતિસરની તાલીમ લીધી. પછી અન્ય મહિલાઓને બાયોલોજિકલ ફાર્મિંગની તાલીમ આપી. આમ જોતજોતામાં કિસાનચાચીનું નામ ગાજવા માંડયું. પહેલાં બિહાર સરકારે કિસાનશ્રી પુરસ્કારથી તેમને સન્માનિત કર્યાં. કિસાનચાચીની ખ્યાતિ બિહારના સીમાડા વળોટીને દેશભરમાં ફેલાઈ. કેન્દ્ર સરકારે પણ આ બાબતની નોંધ લઈને કિસાન ચાચીને પદ્મશ્રી એવોર્ડ એનાયત કર્યો.
પાઠયપુસ્તકમાં
નિંબૂડા… નિંબૂડા ગીત
સ્કૂલમાં કોઈ સ્ટુડન્ટ ફિલ્મી ગીત લલકારે તો માસ્તર કે માસ્તરાણી તેને વઢીને કહે પણ ખરાં કે ફિલ્મી ગીત ગાવાને બદલે પાઠયપુસ્તકમાંથી કોઈ કવિતા ગોખીને ગાતાં શું થાય છે? પરંતુ ઓડિશામાં શું થયું, ખબર છે? પાંચમા ધોરણના પાઠયપુસ્તકમાં જ ૧૯૯૯માં આવેલી 'હમ દિલ કે ચૂકે સનમ' ફિલ્મનું હિટ ગીત 'નિંબૂડા… નિંબૂડા' છપાઈ ગયું છે, બોલો. ઓડિશામાં જ્યારે પાંચમાં ધોરણની ટેક્સ્ટબુક ઓનલાઈન પબ્લિશ થઈ ત્યારે આ ભૂલ નજરે પડી હતી. પાંચમાં ધોરણના વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ અચરજમાં મૂકાઈ ગયા હતા કે ઐશ્વર્યા રાય પર ફિલ્માવાયેલું આ ગીત ટેકસ્ટબુકમાં શા માટે મૂકાયું હશે? આ મોટી ભૂલ પકડાઈ પછી શિક્ષણ ખાતાવાળાની આંખ ખુલી. બીજા પુસ્તકોમાં કોઈ ભૂલ રહી ગઈ છે કે નહીં તેની જાંચ કરવામાં આવી ત્યારે ચોંકાવનારી હકીકત સામે આવી હતી, પહેલા ધોરણથી આઠમા ધોરણના વિદ્યાર્થીઓ માટે નવા છાપવામાં આવેલા ૫૫ પુસ્તકોમાં ૧,૬૭૮ ભૂલો નજરે પડી હતી. અભણ અટકે નહીં ને ભણેલા ભૂલે તે આનું નામ.
અનોખું બજારઃ જ્યાં વેંચવાનું નહી, વહેંચવાનું
મુંબઈજેવાં શહેરોમાં ઝવેરી બજાર, કાપડ બજાર, સોના-ચાંદી બજાર જેવી જાત જાતની બજારો ધમધમતી હોય છે જ્યાં રોજ કરોડો રૂપિયાની લે-વેચ થતી હોય છે, પરંતુ મહારાષ્ટ્રની ઉપરાજધાની અન ે સંતરાના શહેર તરીકે જાણીતા નાગપુરમાં એક અનોખી બજાર શરૂ થઈ છે. આ બજારને 'અનોખા બજાર' નામ આપવામાં આવ્યું છે.
આ બજારની ખાસિયત એ છે કે ત્યાં વેંચવાનું નથી હોતું, પણ પ્રેમથી નિઃશુલ્ક વહેંચવાનું હોય છે. આપણા દરેકના ઘરમાં સાજીસારી હોય પણ વર્ષોથી ઉપયોગમાં લેવાઈ ન હોય એવી ઘણી ચીજ-વસ્તુ કે સરસામાન માળિયા પર પડયો હોય છે. આ ચીજ-વસ્તુઓને અનોખા બજારમાં લઈ જઈને જરૂરિયાતમંદને સન્માનપૂર્વક આપી દેવાનો હોય છે.
જરા કલ્પના કરો કે આપણા ઘરમાં એમને એમ પડી રહેલી ચીજવસ્તુ કોઈ જરૂરતમંદ વ્યક્તિને એમને એેમ આપવામાં આવે ત્યારે એને કેટલો આનંદ થાય? બસ, નક્કામી પડી રહેલી ચીજો જરૂરિયાતવાળાને કામ આવે એ આશયથી સોબત પાલકત્ત્વ પ્રકલ્પ અંતર્ગત 'અનોખા બજાર'ની શરૂઆત કરવામાં આવી છે. દર મહિનાના છેલ્લા રવિવારે સાંજે પાંચથી રાત્રે નવ દરમ્યાન આ બજાર ભરાશે. આ અનોખા બજાર વિશે જાણીને કહેવું પડે કે-
ન કંઈ ખરીદવાનું
ન કંઈ વેંચવાનું
અનોખા બજારમાં
બસ પ્રેમથી વહેંચવાનું.
અવારનવાર આગ એનો કોણ મેળવે તાગ
ભાઈઓ-ભાઈઓ વચ્ચે અણબનાવ, અદેખાઈ કે આંતરિક વેરઝેરને લીધે ક્યારેક ભડકા કે ક્યારેક ભવાડા થતા રહે છે, પણ પછી સમજાવટ અને સમાધાનથી આવી ઘરની અ ંદરની આગના છમકલાં ઠરી પણ જતાં હોય છે. જ્યારે મધ્ય પ્રદેશના ગ્વાલિયર જિલ્લામાં આવેલા આંતરી ગામે એક જ પરિવારના પાંચ ભાઈઓના ઘરોમાં અવારનવાર આગ લાગે છે. પાંચેય ભાઈઓ સ ંપીને રહેતાં હોવા છતાં કોઈ અગમ્ય કારણસર ઘરના કોઈ પણ ખૂણે આગ ભડકે છે. અવારનવાર લાગતી આગથી ગભરાઈને આ પરિવારવાળા પાકું મકાન છોડીને ખુલ્લામાં રહેવા માંડયા છે. આશ્ચર્યની વાત એ છે કે પોતાનો કિંમતી સામાન પાડોશીના ઘરે રાખ્યો તો એમના ઘરમાં પણ આગ ભડકવા માંડી. એટલે પાડોશીઓ પણ આ પાંચ ભાઈઓના પરિવારનો સામાન રાખતા નથી. આમ ઘરમાં થોડાં કપડાં રાખ્યા છે એ સળગી ઉઠે છે, અનાજના કોઠારમાં ભડકા થાય છે. ગેસનો ચૂલો કે સગડી સળગતા ન હોય કે પછી શોર્ટ-સર્કિટ પણ ન થઈ હોય છતાં આગ કેમ લાગે છે તેનો તાગ મેળવવામાં તાંત્રિકો પણ નિષ્ફળ ગયા છે. આ આગની ઘટનાના સમાચાર જિલ્લા પ્રશાસન પાસે પહોંચ્યા એ પછી વીજ પુરવઠા વિભાગની ટીમ આવીને તપાસ કરી ગઈ છતાં આગનું કારણ ન મળ્યું. હવે ફોરેન્સિક લેબના સાયન્ટિસ્ટો આ ઘર પર નજર રાખીને આગના કારણનો તાગ મેળવવાની કોશિશ કરે છે. આ અવારનવાર લાગતી આગને જોઈને ઘરવાળા અને ગામવાળા એક જ સવાલ કરે છેઃ 'યે આગ કબ બુઝેગી?'
ડોકટરની બેદરકારીથી બાળકે આંખની રોશની ગુમાવી
મમ્મી પોતાના બાળકને વ્હાલ કરતા કહેતી હોય છે કે તૂ મેરી આંખો કા તારા હૈ… પણ ઉત્તરપ્રદેશના બાંદાની સરકારી હોસ્પિટલના ડોકટરની બેદરકારીને કારણે માસૂમની આંખોની રોશની જ બુઝાઈ ગઈ હતી. અરેરાટીપૂર્ણ ઘટનાની મળતી વિગત મુજબ ૧૯ મહિનાના બાળકની આંખ લાલ રહેતી હતી અને શરદી-ઉધરસ પણ હતી. મા-બાપ તેને સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા. જ્યાં બેદરકાર ડોકટરે કફની દવા બાળકની આંખોમાં નાખતા બાળક ચીસો પાડી રડવા માંડયું હતું અને તરત જ આંખો સૂજી ગઈ હતી.
તરત મા-બાપ બાળકને બીજી હોસ્પિટલમાં લઈ ગયા જ્યાં ડોકટરોએ તપાસીને કહ્યું કે બાળક અંધ બની ગયું છે. હવે ક્યારેય જોઈ નહીં શકે. મા-બાપના માથે જાણે આભ તૂટી પડયું. તરત જ બાળકને લઈને પોલીસ સ્ટેશનમાં ગયાં હતાં અને ફરિયાદ કરતાં પોલીસે ડોકટર સામે બેદરકારીનો ગુનો નોંધ્યો હતો. હોસ્પિટલના સત્તાવાળાએ પણ તપાસ સમિતિની રચના કરી હતી. કાયદો કાયદાનું કામ કરશે પણ બાળક આંખો વગર શું કરશે?
પંચ-વાણી
નહી મન-સાફ
કરે ધન-સાફ,
માંહ્યલો જેનો સાફ એને
ગુજરેજીમાં કહેવાય 'ઈન-સાફ'









