Mera Bharat Mahan

મહિમામંડન અને મૂંઝવણઃ તેલંગણામાં ટ્રમ્પ એવેન્યુ

By GS Team
10 Jul 20265 mins read
મહિમામંડન અને મૂંઝવણઃ તેલંગણામાં ટ્રમ્પ એવેન્યુ

મેરા ભારત મહાન-અક્ષય અંતાણી
કોંગ્રેસ નામની એક પાર્ટીના નેતા રાહુલ ગાંધી અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને ભાંડવામાં પાછું વાળીને નથી જોતા. ટ્રમ્પને લાયર કહે છે, જુઠ્ઠાડા કહે છે. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે તેલંગણામાં અત્યારે રાહુલ ગાંધીની કોંગ્રેસ પાર્ટીની સત્તા છે અને ત્યાંના સત્તાધીશ મુખ્યપ્રધાન રેવંત રેડ્ડીએ હૈદરાબાદમાં યુ.એસ. કોન્સ્યુલેટ પાસેના રોડને ટ્રમ્પ એવેન્યુ નામ આપ્યું છે. આમ પાર્ટીના ટોચના નેતા જે અમેરિકાની પ્રમુખ ટીકા કરે છે એ જ ટ્રમ્પનું મહિમા મંડન કરવા માટે હૈદરાબાદમાં ટ્રમ્પ એવેન્યુ નામ અપાયું છે.
ઈરાન સાથે યુદ્ધ છેડીને આખી દુનિયાને પારાવાર પરેશાનીમાં મૂકનારા ટ્રમ્પની ચારે તરફથી ટીકા થઈ રહી છે, 'અભી બોલા અભી ફોક' કરવા માટે રીતસર હાંસીપાત્ર ઠરેલા ટ્રમ્પને કોંગ્રેસી રાજવાળા તેલંગણામાં માનપાન આપવામાં આવે ત્યારે કેવી નવાઈ લાગે?
ચોરીનો બદલો મોત
'બદલો ભલા- બુરાનો અહીંનો અહીં મળે છે….'
ભજનની આ કડીમાં કહ્યું છે કે વ્હેલા- મોડો બદલો મળે છે, પણ બેંગ્લોરમાં પહેલી જ વાર ચોરી કરવા નીકળેલા ટીનએજર ચોરને સ્વપ્નેય ખ્યાલ નહીં હોય કે ચોરી કર્યા પછી તેણે જીવ દઈ બદલો ચૂકવવો પડશે.
બન્યું એવું કે બેંગ્લોરની સડક ઉપર ૧૮ વર્ષનો તરૂણ પોતાના સાગરીત સાથે સ્કૂટર પર બેસી ચોરી કરવા નીકળ્યો હતો. એક રાહદારીના હાથમાંથી મોબાઈલ ચોરીને બંને સ્કૂટર પર નાસતા હતા ત્યારે તેમને અટકાવવા માટે ખભા ઉપર ગુણી લઈને જઈ રહેલા મજૂરે ગુણી સ્કૂટર પર ફેંકી હતી. તેને લીધે બંને સ્કૂટર સવાર ફૂટપાથ પર પટકાયા હતા અને એ જ વખતે ટીનએજરનું મોત થયું હતું. મૃતકના ઘરવાળાના કહેવા મુજબ તેને હાર્ટની પહેલેથી તકલીફ હતી. એટલે એવું અનુમાન કરી શકાય કે પહેલી ચોરી વખતે પકડાઈ જવાના ડરને લીધે હાર્ટ એટેક આવતા તેણે જીવ ગુમાવ્યો હશે. આના પરથી કહી શકાય કે ચોરી ન કરી હોત તો વધુ જીવ્યો હોત, પણ ચોરી કરતા બદલામાં મળ્યું મોત.
ભગવાન એવું કંઈક કરે કે ત્રાસ આપતી આન્ટી મરે
સામાન્ય રીતે મંદિરોમાં દર્શને જતા ભક્તો જીવનમાં સુખ, સમૃધ્ધિ અને શાંતિની કામના કરતા હોય છે, નોકરી- ધંધામાં બરકતની વિનવણી કરતા હોય છે. સારા સ્વાસ્થ્યની કામના કરતા હોય છે. મંદિરમાં રાખેલી દાનપેટીઓમાંથી પણ શ્રધ્ધાળુ ભક્તજનોએ ભગવાનને લખેલી ચીઠ્ઠી- ચબરખીઓ મળતી હોય છે. ઘણા તો દાનમાં દીધેલા પૈસાની નોટ ઉપર પણ મનોકામના વ્યક્ત કરતા હોય છે.
આંધ્રપ્રદેશના અનંતપુર જિલ્લા પંપાનુર ગામ પાસે સુબ્રમણ્યેશ્વર સ્વામીનું મંદિર છે. આ મંદિરની દાનપેટી ખોલવામાં આવતાં અંદરથી નીકળેલી ૨૦ રૂપિયાની ચલણી નોટ ઉપર લખ્યું હતું કે, 'સ્વામી, હું મારી આન્ટીની હેરાનગતીથી પરેશાન છું. તેનો ત્રાસ હવે સહન નથી થતો કૃપા કરી સુનિશ્ચિત કરો કે હવે તે જલ્દી મરી જાય.'
મંદિરવાળા તો આ જાતની વિનવણી વાંચીને સ્તબંધ થઈ ગયા હતા. જરા કલ્પના કરો કે એ માથાભારે આન્ટીનો કેવો ત્રાસ હશે કે આન્ટીના ભત્રીજા કે ભાણેજે ઠેઠ ભગવાનને વિનંતી કરવી પડે કે એનો કાંકરો કાઢો? જોકે સર્વશક્તિમાન ઈશ્વર કોઈને મારે નહીં પણ તારે અને ત્રાસ કરતી આન્ટીને વારે.
નનામી ચીઠ્ઠીએ સગીરાને બચાવી
મધ્યપ્રદેશના સિંગરોલી જિલ્લાના ગામે ઘરઆંગણે બંધાયેલા લગ્નને માંડવે વાજતેગાજતે જાન આવવાની તૈયારી હતી. કન્યા પક્ષવાળા જાનૈયાઓને વધાવવા માટે કોઈ કસર છોડવા નહોતા માગતા. માંડવામાં ઉલ્લાસનો માહોલ હતો. જાનના બેંડવાજા વાગવાની સહુ રાહ જોઈ રહ્યા હતા, ત્યાં તો પોલીસ વેનની સાઈરન સંભળાઈ અને પોલીસ પાર્ટી ધસી આવી. ખરી હલચલ મચી ગઈ. પોલીસે ઘડીનો પણ વિલંબ કર્યા વિના અંદર જઈને બળજબરીની પરણાવવામાં આવી રહેલી માત્ર ૧૩ વર્ષની સગીરાને ઉગારી લીધી હતી.
આ આખા રેસ્ક્યુ ઓપરેશન પાછળ એક નનામી ચીઠ્ઠીએ મુખ્ય રોલ ભજવ્યો હતો. સિંગરોલીના સુપિરન્ટેન્ડ ઓફ પોલીસ સિયાઝ કે.એમ.ની ઓફિસમાં કોઈ નનામી ચીઠ્ઠી નાખી ગયું જેમાં લખ્યું હતું કે 'ફલાણી તારીખે અને ઢીંકણે ઠેકાણે લગ્ન સમારંભ યોજાવાનો છે જેમાં માત્ર ૧૩ વર્ષની નવમાં ધોરણમાં ભણતી સગીરાને તેની મરજી વિરુધ્ધ પરણાવવાની તૈયારી થઈ ગઈ છે.'
પોલીસે ઘડીભરનો પણ વિલંબ કર્યા વિના રેડ પાડી અને ખરા અર્થમાં બેટી બચાવ ઓપરેશન પાર પાડયું. આમાં એવું બન્યું હતું કે સગીર કન્યાની મોટી બેનની સગાઈ થઈ હતી અને તેનાં જ લગ્ન નિર્ધાર્યાં હતાં, પરંતુ લગ્નના એક અઠવાડિયા પહેલાં જ મોટી બહેન ક્યાંક ભાગી ગઈ. એટલે સમાજમાં બદનામીના ડરને લીધે કન્યા પક્ષવાળાએ મોટી બહેનની જગ્યાએ નાની બહેનને પરણાવી દેવાનો કારસો રચ્યો હતો. પણ નનામી ચીઠ્ઠીએ રંગ રાખ્યો અને સગીરાને પોલીસે બચાવી લીધી.
આ જોઈને કહેવું પડે કે-
નનામી ચીઠ્ઠીએ રાખ્યો કેવો રંગ
સગીરાને પરણાવનારા રહી ગયા દંગ
જ્યાં ગધેડા પૂજાય છે
કોઈ સાવ મૂરખ જેવી વાત કરે તો તેને ટોણો મારવામાં આવે છે કે તું સાવ ગધેડા જેવો છે. વગર બોલ્યે કોઈ ભાર વેંઢારે કે મહેનત કરે ત્યારે કહેવામાં આવે છે કે ગધ્ધાવૈંતરું શું કામ કરે છે? યુવાન ૨૫ વર્ષનો થાય એટલે ગધ્ધાપચ્ચીસી કહેવાય છે. ગધેડાને ભલે બધે વગોવવામાં આવતા હોય, પણ અમુક જગ્યાએ ગધેડાને રીતસર પૂજવામાં આવે છે.
રાજસ્થાનમાં હોળીના તહેવાર પછી આઠમે દિવસે આવતી શીતળા અષ્ટમી પર્વ વખતે ગધેડાનું પૂજન કરવાની પરંપરા છે. આ દિવસે મહિલાઓ ગધેડાને માથે તિલક કરે છે, પૂજન કરે છે અને વાસી ભોજનનો ભોગ ધરાવે છે. રાજસ્થાનના બિકાનેર ક્ષેત્રમાં શીતલા માતાના તહેવાર વખતે ગધેડાને શણગારીને તેનું પૂજન કરવામાં આવે છે. વસમા પાડોશી દુશ્મન દેેશ પાકિસ્તાનમાં ગધેડાને ઉછેરવાનો અને ચીનમાં એક્સપોર્ટ કરવાનો ધંધો ધમધોકાર ચાલે છે. ખંધા, ખૂંટલ અને ખાનાખરાબીમાં માનતા ચીનાઓ ગધેડાઓની કતલ કરીને રાંધીને ખાય છે. આના પરથી કહી શકાય કે પાકિસ્તાન ચીની કતલખાને મોકલવા ગધેડાની નિકાસ કરે છે, જ્યારે જીવદયાપ્રેમી ભારતમાં અમુક જગ્યાએ ગધેડા પૂજાય છે, બસ, આટલો ફેર છે.
બાકી તો હમણાં વરસાદ ખેંચાયો ત્યારે આ વખતે પણ કર્ણાટકમાં એક જગ્યાએ ગધેડા- ગધેડીને ધામધૂમથી લગ્ન કરાવવામાં આવ્યાં હતાં. એવી માન્યતા છે કે ગધેડા- ગધેડીને પરણાવો તો વરૂણદેવ રાજી થાય અને વરસાદનો પરસાદ આપે છે. બાકી તો ગધેડાને ગમે એટલા વગોવો, ડફણાં મારો, મશ્કરી કરો, કમરતોડ ભાર વેંઢારાવો છતાં કઈ ન બોલે. એટલે ગર્દભો કેવા સ્થિતપ્રજ્ઞા ગણાય!
પંચ-વાણી
વરસાદ પડે ધોધમાર
ધાર્મિક ચેનલો પર બાબાઓ કરે બોધ-માર.