દિવ્ય કંકણ અલંકાર મહા ગણપતિ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- મેરા ભારત મહાન-અક્ષય અંતાણી
ચૂડી નહીં મેરા દિલ હૈ… દેખો દેખો તૂટે ના… અત્યારે સહુ શ્રદ્ધાળુઓના દિલમાં દુંદાળા દેવે આસન જમાવ્યું છે ત્યારે તેની સાથે ચૂડીના ગીતનો ઉલ્લેખ કરવાનો શું મતલબ? એવો ઘણાંને સવાલ થાય, તો એનો જવાબ છે વિશાખાપટ્ટનમ (વિઝાગ)માં કાચની અને માટીની ચૂડીઓ અને કંકણમાંથી તૈયાર કરવામાં આવેલી દેશની ઉંચામાં ઊંચી ગણેશજીની પ્રતિમા. વિધ્નહર્તાની આ વિરાટ પ્રતિમાને દિવ્ય કંકણ અલંકાર મહાગણપતિ નામ અપાયું છે. પ્રથમેશની આ ૧૧૭ ફૂટ ઉંચી પર્યાવરણ પૂરક (ઈકો-ફ્રેન્ડલી) પ્રતિમા તૈયાર કરવામાં એક કરોડથી વધુ કાચ અને માટીની બંગડીઓ-કંકણો -ચૂડીઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આંધ્ર પ્રદેશના પ્રકાશમ જિલ્લામાંથી આવેલા ૨૮ કારીગરો-કલાકારોની ટીમે ૪૦૦ બાંબૂમાંથી પ્રતિમાનું માળખું તૈયાર કર્યા પછી આ એક કરોડથી વધુ ચૂડીઓ લગાડવામાં આવી છે. ગાજુવાકા ગામની પર્યાવરણ પૂરક ઊંચામાં ઊંચી ગણપતિ પ્રતિમા તૈયાર કરવાની એક પરંપરા રહી છે. અગાઉ સાડીઓમાંથી અને રૂદ્રાક્ષમાંથી પ્રતિમાઓ બનાવવામાં આવી હતી. આ ગણપતિ ઉત્સવ ૨૧ દિવસ ચાલશે. ૨૧મે દિવસે વિસર્જન વખતે આ બધા કંકણો મહિલા ભક્તોને પ્રસાદ રૂપે વહેંચવામાં આવશે.
રીલને રવાડે ભાંગે પગ, હાંસી ઉડાડે જગ
રીલને રવાડે ચડેલા રીલઘેલાઓ ક્યારેક સ્ટંટ કરવા જતા જીવ ગુમાવે છે કાં હાથ-પગ ભાંગે છે. ખૂબ લ ડી મર્દાની વો તો ઝાંસીવાલી રાની થી… ઝાંસીની રાણીએ પેટ સાથે દીકરાને બાંધી ઘોડા પર સવાર થઈ કિલ્લાની રાંગ ઉપરથી ઝંપલવ્યું હતું યાદ છેને? એ જ ઝાંસીમાં રીલ બનાવવાની ઘેલછામાં યાહુજ ડેમ પર જઈ એક યુવાને ૩૦ ફૂટ નીચે ઝંપલાવ્યું હતું. પણ ડેમમાં પાણી ઓછું હોવાથી આ યુવક તળિયે કાળમીંઢ પથ્થરો પર પટકાતાં તેના બન્ન ે પગ ભાંગી ગયા હતા. પુષ્પેન્દ્ર કુમાર નામનો આ સ્ટંટબાજે હોસ્પિટલ ના બીછાનેથી પીડાથી કણસતા અવાજમાં પાણી મૂક્યું હતું કે ભાઈસા'બ હવે આવાં સ્ટંટ ક્યારેય નહીં કરૃં અને રીલ બનાવવા માટે જીવ જોખમમાં નહીં મૂકું. કહેવત છે ને કે વાર્યા ન વળે, હાર્યા વળે. આ ઘટના સોશ્યલ મિડિયામાં વાઈરલ થયા છતાં પણ એમાંથી ધડો લઈને બીજા રીલબાજો રીલ બનાવવાનું બંધ નહીં કરે જોજો.
'હેર-ઈટર'ની જો
થઈ હાલત
વાલ ખવાય પણ વાળ ખવાય? સામાન્ય લોકોમાંથી કોઈને વાળ ખાવાની ખોટી આદત હોય એ શક્ય છે, પણ દિલ્હીમાં તો એમ.બી.બી.એસ.નો અભ્યાસ કરતી મેડિકલ સ્ટુડન્ટને વાળ ખાવાની ટેવ હોય એ જોઈને કેવું વિચિત્ર લાગે? આ મેડિકલ સ્ટુડન્ટને ૧૧ વર્ષથી માથાના વાળા તોડીને ખાવાની આદત પડી ગઈ હતી. વર્ષોથી પેટમાં ભેગા થતા વાળે વળતો પ્રહાર કર્યો. કન્યાને પેટમાં અસહ્ય પીડા ઉપડી, ઉલટીઓ થવા લાગી અને વજન ઉતરવા માંડયું. તરત તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી.એન્ડોસ્કોપી કરવામાં આવતાં ડોકટરોની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ. કારણ કે અન્નનળીથી આંતરડા સુધી વાળનો ગઠ્ઠો અંગ્રેજી 'જે' અક્ષરના આકારમાં જમા થઈ ગયો હતો. ડોકટરોએ લેપ્રોસ્કોપિક સર્જરી કરીને સ્ટુડન્ટના પેટમાંથી ૧.૧૬ કિલોનો વાળનો ગઠ્ઠો કાઢ્યો હતો. વાળ ખાવાની ટેવ હોય એને ડોકટરી ભાષામાં ટ્રાઈકોફેજિયા કહે છે. આ બીજા કોઈ વાળખાઉ હોય એણે સમજી જવું જોઈએ કે જે વાળ ખાય એ પેટની પીડાથી વળ ખાય. જરા વિચાર તો કરો? દાળ-શાકમાં એકાદ વાળ આવી જાય તો કોળિયો બહાર કાઢી નાખીએ છીએ, તો આ વાળખાઉ આટલા બધા વાળ કેમ ખાઈ શકતા હશે? પ્રેમમાં પડે ત્યારે યુવક પ્રેમિકાના સુંદર કેશકલાપના અને લાંબા વાળના બે મોઢે વખાણ કરે છે, પણ એની સાથે પરણીને જ્યારે ખાવામાં એકાદ લાંબો વાળ આવી જાય તો પત્નીની ધૂળ કાઢી નાખે છે. મેડિકલ સ્ટુડન્ટ તો સમયસરની સારવારને લીધે 'બાલ બાલ બચ ગઈ' પણ બીજા કોઈને આવી આદત હોય તો તરત છોડી છે. કહે છે ને કે ખરતા વાળ બચે નહીં અને ખોરાકમાં વાળ પચે નહીં.
બુરાઈના પૂતળા બાળો અને અચ્છાઈ ભાળો
નાગપુરની નારંગી વખણાય એટલે તે સંતરાના શહેર તરીકે ઓળખાય છે. આ જ નાગપુરની બીજી એક ખાસિયત છે મારબત મહોત્સવની ઉજવણીની. આખા દેશમાં બીજે ક્યાંય નહીં, એક માત્ર નાગપુરમાં દર શ્રાવણ અમાવસ્યાને દિવસે ધામધૂમથી આ અનોખા ઉત્સવની ઉજવણી થાય છે. દશેરામાં જેમ દશાનન રાવણનું પૂતળું બાળવામાં આવે છે એવી રીતે મારબત મહોત્સવમાં બુરાઈ, બીમારી અને નકારાત્મક શક્તિના પ્રતીકરૂપ કાળા-પીળા રંગના મારબત (બાવલા) તૈયાર કરવામાં આવે છે. પછી આ મારબતને આખા શહેરમાં સરઘસાકારે ફેરવવામાં આવે છે અને છેવટે સળગાવી નાખવામાં આવે છે. આમ આખું નાગપુર નકારાત્મક શક્તિ અને બીમારી-બુરાઈથી મુક્ત થયેલું માનીને લોકો નાચતા, ગાતા, ધૂમ મચાવતા ઉજવણી કરે છે. છેલ્લા ૧૪૫ વર્ષથી મારબત મહોત્સવ ફક્ત નાગપુરમાં જ ઉજવાય છે. આ વખતે શ્રાવણ અમાવસ્યાને દિવસે જોરશોરથી ઉજવણી કરવામાં આવી હતી. આ એકદમ હટકે ઉત્સવની શરૂઆત ૧૮૮૧માં થઈ હતી. એ સમયે નાગપુરમાં મહામારી ફેલાઈ હતી. મહામારીમાંથી છૂટકારો મેળવવા માટે સ્થાનિક સમાજે મારબત (પૂતળું) બનાવીને સળગાવ્યું હતું. બસ ત્યારથી આ પ્રથા શરૂ થઈ હતી. એ વખતે ભારત પરતંત્ર હતું એટલે ઉજવણી વખતે ભેગા થતા લોકો અંગ્રેજો સામેનો અસંતોષ પણ વ્યક્ત કરતા હતા. એ વખતે બાંકાબાઈ નામની એક મહિલા અંગ્રેજોની મદદગાર હતી એટલે બાંકાબાઈનું પૂતળ ું અને પત્નીના કૃત્યનો વિરોધ ન કરનારા નમાલા ધણી બડગ્યાનું પૂતળું પણ સળગાવવામાં આવે છે. આમ વાંસ, કાગળ અને કાપડમાંથી બનાવવામાં આવતા આ જંગી પૂતળાનું જ્યારે જુલૂસ નીકળે ત્યારે નઝારો જોવા જેવો હોય છે. નાગપુરના આ ઉત્સવનો મર્મ સમજીને લોકો મનમાંથી બુરાઈઓને અને નકારાત્મકતાને જાકારો આપે તો મન કી બાત બને. એટલે જ કહેવું પડે કેઃ
બુરાઈના પૂતાળા બાળો
અને અચ્છાઈને ભાળો.
વાઘ આવ્યો ભાઈ વાઘ
કર્ણાટકના કોપ્પલ જિલ્લાના કાવલી ગામે એક યુવકને ખેતરમાં મજૂરી માટે જવાનો કંટાળો આવ્યો. પણ ઘરવાળા એને ગમે તેમ કરીને ધકેલવા માગતા હતા. આથી આ ફળદ્રુપ ભેજાના કામચોરે શું કર્યું ખબર છે? ખેતર પાસે આવેલા પહાડનો ફોટો પાડયો અને એ.આઈ.ટૂલનો ઉપયોગ કરીને પહાડ પર વિકરાળ વાઘ બેઠો હોય એવો ફોટો તૈયાર કરી દીધો. પોતાના મા-બાપને આ ફોટો દેખાડી યુવકે કહ્યું જુઓ પહાડ પર વાઘ આંટાફેરા કરે છે એટલે ખેતર જવામાં જોખમ છે. ગભરાયેલા ઘરવાળાએ વાત માની લીધી. મજૂરીએ જવાનું ટળ્યું એ પછી આ અળવિતરા યુવાને આ વાઘનો ફોટો સોશ્યલ મિડિયામાં વહેતો મૂક્યો. પછી ગામમાં વાઘ આવ્યો ભાઈ વાઘ… એવો હોબાળો મચી ગયો. ગામવાળાએ ગભરાઈને ફોરેસ્ટ ખાતાને અને પોલીસને જાણ કરી. ફોરેસ્ટ ઓફિસરોએ બારીકાઈથી ફોટો તપાસ્યો અને જે જગ્યાએ વાઘને બેઠેલો દેખાડવામાં આવ્યો હતો તેની પણ જાંચ કરી. ત્યાં વાઘનું નામનિશાન જ નહોતું, અને આ ફોટો એ.આઈ.ટૂલથી તૈયાર કર્યો છે એ સાબીત થતા યુવકને પકડીને પોલીસવાળા એ જ પહાડ ઉપર લઈ ગયા જ્યાં તેણે વાઘને બેઠેલો દેખાડયો હતો. ત્યાર પછી અફવા ફેલાવી લોકોને ગભરાવી મૂકવા બદલ યુવકને કાન પકડીને ૫૦ ઉઠ-બેસ કરવાની ફરજ પાડી હતી.
પંચ-વાણી
ઉત્સવમાં કરો ઉજવણી
પ્રજાની થાય નહીં પજવણી.




