Gujarat

મહેસાણામાં મોડી રાતે યુવાનને તલવારના ઘા ઝીંકાતા ગંભીર

By GS Team
2 Jan 20222 mins read
This article was originally published on 2 Jan 2022
મહેસાણામાં મોડી રાતે યુવાનને તલવારના ઘા ઝીંકાતા ગંભીર

મહેસાણા,તા.01

મહેસાણા શહેરના ટીબી રોડ ઉપર મોડી રાત્રે ફરીવાર બુટલેગરોએ ધિંગાણું મચાવતાં ફફડાટ ફેલાયો હતો. જેમાં જુની અદાવતના મુદ્દે ઘર તરફ જઈ રહેલા એક યુવાનને તલવાર અને ચપ્પુના ઘા ઝીંકીને ગંભીર ઈજાઓ પહોંચાડવામાં આવી હતી. આ અંગે બી ડિવીઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મહેસાણાનો ટીબી રોડ છેલ્લા કેટલાક સમયથી વિદેશી દારૃની હેરાફેરીનું કેન્દ્ર બન્યો છે.છાસવારે આ વિસ્તારમાંથી પોલીસ દ્વારા વિદેશી દારૃ કબજે કરવામાં આવે છે.વળી,દારૃના વેચાણના મુદ્દે બુટલેગરો વચ્ચે છાસવારે  થતાં ઝઘડાઓને કારણે અહીં પરિવારો સાથે વસવાટ કરતા સ્થાનિકોમાં ફફડાટ જોવા મળે છે. ત્રણેક માસ પહેલાં દારૃના વેચાણની પ્રવૃતી કરનાર બે જુથો વચ્ચે હિંસક ધિંગાણું સર્જાયું હતુ અને સામસામે ફરીયાદ નોંધાઈ હતી. આ મામલે ભાજપના કોર્પોરેટર દ્વારા બુટલેગરોની પ્રવૃતીઓ રોકવા રજૂઆત કરવામાં આવી હતી.જોકે,ગત રાતે ફરીથી ટીબી રોડ પર ધિંગાણું થયું હતું.જેની મળતી વિગત અનુસાર ટીબી રોડના છાપરામાં રહેતા સજનબેન ઠાકોરનો દિકરો દિપક રાત્રે ૧૧ના સુમારે પાર્લર બંધ કરીને ઘરે જઈ રહ્યો હતો.તે વખતે રેમન્ડ શોરૃમ આગળ દિનેશ ઉર્ફે હવેલી છનાજી ઠાકોર અને તેના સાગરીતોએ અગાઉના ઝઘડાની અદાવત રાખીને તેને રોકીને તલવાર તેમજ ચપ્પુના ઘા ઝીંકી દેતાં ગંભીર ઈજાઓ પહોંચાડી જતા રહ્યા હતા.જેની જાણ થતાં સજનબેન પોતાના પરીવાર સાથે ઘટનાસ્થળે પહોંચતા ત્યાં રોડ ઉપર દિપક લોહીલુહાણ હાલતમાં પડયો હતો.જેથી તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયો હતો. આ અંગે બી ડિવીઝન પોલીસ મથકે છ શખસો સામે ગુનો દાખલ કરીને પીઆઈ બી.એમ.પટેલ તપાસ ચલાવી રહ્યા છે.

કોની સામે ગુનો દાખલ થયો

૧. દિનેશ ઉર્ફે હવેલી છનાજી ઠાકોર

૨. સંદિપ ઉર્ફે કલરીયો

૩. બાદલીયો

૪. લાલો ભાણો

૫. પીન્ટુ ઠાકોર

૬. ભુરીયો