Gujarat

મહેસાણા જિલ્લામાં ધ્વનિ પ્રદૂષણ નિયંત્રણ રાખવા 9 દિવસ માટે નિયમો બનાવાયા

By GS Team
24 Mar 20222 mins read
This article was originally published on 24 Mar 2022
મહેસાણા જિલ્લામાં  ધ્વનિ પ્રદૂષણ નિયંત્રણ રાખવા 9 દિવસ માટે નિયમો બનાવાયા

મહેસાણા,તા.23

સુપ્રિમકોર્ટના આદેશ અનુસાર ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને પર્યાવરણ અને વન મંત્રાલયે ધ્વનિ પ્રદૂષણ નિયંત્રણમાં રાખવા માટે કેટલાક નિયમો બનાવ્યા છે. મહેસાણા જિલ્લામાં ધ્વનિ પ્રદૂષણના નિયમોનો કોઈ જ અમલ થતો નથી. તેવામાં વહિવટીતંત્રએ માત્ર ૯ દિવસ માટે ધ્વનિ પ્રદૂષણ નિયંત્રણના નિયમો બનાવીને તેનો અમલ કરવા તાકીદ કરતુ જાહેરનામુ બનાવીને સંતોષ માન્યો છે.

ધ્વનિ પ્રદુષણને અટકાવવા સુપ્રિમકોર્ટના આદેશ અનુસાર ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા ૧૪ મે ૨૦૧૦ થી ઘાંેઘાટ ઉત્પન્ન કરતા સાધનોના નિયંત્રણ માટે કેન્દ્ર સરકારના પર્યાવરણ અને વન મંત્રાલયે પર્યાવરણ (સુરક્ષા) અધિનિયમ ૧૯૮૬ની કલમ-૬ તથા ૨૫ હેઠળ ધ્વનિ પ્રદૂષણ (નિયમન અને નિયંત્રણ) નિયમો-૨૦૦૦ નું ૧૪ ફેબુ્રઆરી ૨૦૦૦ ના રોજ જાહેરનામું પ્રસિદ્ધ કરાયુ હતુ. આ નિયમોમાં સુધારા કરીને ૧૧ જાન્યુઆરી ૨૦૧૦ ના રોજ નવા નિયમો બનાવવામાં આવ્યા હતા. જો કે, ધ્વનિ પ્રદૂષણ નિયંત્રણ માટેના નિયમોનો અમલ શૂન્ય છે. વહિવટીતંત્ર માત્ર જાહેરનામુ બહાર પાડીને સંતોષ માની રહ્યુ હોય તેમ લાગી રહ્યુ છે. મહેસાણા જિલ્લામાં અમલવારી માટે અધિક કલેક્ટર ઇન્દ્રજીતસિંહ આર.વાળા ફોજદારી કાર્યરીતી અધિનિયમ ૧૯૭૩ની કલમ ૧૪૪ તેમજ ગુજરાત પોલીસ એક્ટની કલમ ૩૩( ૧ ),૩૭  ( ૧ ) હેઠળ મળેલ સત્તાની રૃએ મહેસાણા જિલ્લામાં  ધ્વનિ પ્રદૂષણ નિયંત્રણની સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવા આદેશ કર્યો છે.હુકમનો ભંગ કરનાર ફોજદારી અધિનિયમ ૧૮૬૦ની કલમ ૧૮૮  તથા ગુજરાત પોલીસ અધિનિયમની કલમ ૧૩૧,૧૩૫ મુજબ શિક્ષાને પાત્ર થશે. આ હુકમ ૩૧ માર્ચ ૨૦૨૨ સુધી અમલમાં રહેશે.

 ધ્વનિ પ્રદૂષણ નિયંત્રણમાં રાખવાના નિયમો

રાત્રે ૧૦ થી સવારના ૬ વાગ્યા સુધી હોર્ન , ધ્વનિ પ્રદુષણ પેદા કરતા બાંધકામ અંગેના સાધનો, ફટાકડા ફોડવા, લાઉડ સ્પીકર અને વાજીંત્રો વગાડવા ઉપર પ્રતિબંધ છે. જાહેર સ્થળોમાં લાઉડ સ્પીકર સિસ્ટમનો તથા અન્ય સાધનોથી ઉત્પન્ન થતા અવાજની માત્રા જે તે વિસ્તારની નિયત માત્રા કરતાં ૧૦ ડીબી ( એ ) થી વધવી ન જોઇએ.ખાનગી સ્થળોમાં નિયત માત્રા કરતાં પ-ડીબી ( એ ) થી વધવી ન જોઈએ. હોસ્પિટલો, શૈક્ષણિક સંસ્થાઓ, અદાલતો અને ધામક સ્થળોની આજુબાજુના ૧૦૦ મીટરના ઘેરાવાનાં વિસ્તારને શાંત તરીકે ગણવામાં આવે છે.