મહેસાણામાં હૃદયદ્રાવક ઘટના: શાળાએ જતી ધો.7ની વિદ્યાર્થિનીનો આવાસના છઠ્ઠા માળેથી કૂદીને આપઘાત!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Mehsana News: મહેસાણાથી આજે (બીજી જુલાઈ) વહેલી સવારે ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં રોજની જેમ સવારે ઘરેથી ચા-નાસ્તો કરીને શાળાએ જવા નીકળેલી ધોરણ સાતમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ અગમ્ય કારણોસર પંડિત દીનદયાલ નગર આવાસ યોજનાની બિલ્ડિંગના છઠ્ઠા માળેથી મોતની છલાંગ લગાવી દીધી હતો. બિલ્ડિંગ પરથી પટકાતાની સાથે જ કિશોરીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે અને પરિવારમાં આક્રંદ છવાયો છે.
વહેલી સવારે બની હતી ઘટના
મળતી માહિતી અનુસાર, આ હૃદયદ્રાવક ઘટના આજે ગુરૂવારે સવારે આશરે 7 વાગ્યાની આસપાસ બની હતી. આવાસ યોજનાની બિલ્ડિંગ પરથી કોઈ નીચે પટકાયું હોવાનો અવાજ આવતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા. કિશોરીને લોહીલુહાણ હાલતમાં જોઈને સ્થાનીક લોકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા. આ બનાવની તાત્કાલિક જાણ પોલીસને કરવામાં આવતા પોલીસનો ઉચ્ચ કાફલો પણ ઘટનાસ્થળે ધસી આવ્યો હતો.
ચા-નાસ્તો કરીને સ્કૂલે જવા નીકળી હતી ચાર્મી
પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવેલી વિગતો અનુસાર, મૃતક કિશોરીનું નામ ચાર્મી પરમાર છે. તે મહેસાણામાં સોમનાથ રોડ પર આવેલી શિવકૃપા સોસાયટીમાં રહેતી હતી અને ઘરની નજીક જ આવેલી સિદ્ધાર્થ સ્કૂલમાં ધોરણ-7માં અભ્યાસ કરતી હતી. તે સવારે નાસ્તો કરીને આશરે સાત વાગ્યે શાળાએ જવા માટે ઘરેથી નીકળી હતી. પરંતુ શાળાએ પહોંચવાને બદલે તે પંડિત દીનદયાલ નગર આવાસ યોજનાની બિલ્ડિંગ પર કેમ પહોંચી અને ત્યાંથી કેમ છલાંગ લગાવી, તે રહસ્ય અકબંધ છે.
મોતનું કારણ શોધવા પોલીસ તપાસ શરૂ
માત્ર 14 વર્ષની નાની ઉંમરે ચાર્મીએ આવું પગલું કેમ ભર્યું તે હજુ સુધી જાણી શકાયું નથી. પોલીસે મૃતદેહનો કબજો મેળવીને તેને પેનલ પોસ્ટમોર્ટમ (PM) અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડીને વધુ તપાસ શરૂ કરી છે.









