Mehsana

અમેરિકામાં વધારે એક ગુજરાતીની હત્યા, લૂંટ કર્યા બાદ દીકરીની નજર સામે પિતાને ગોળીઓ ધરબી દીધી

By GS Team
23 Aug 20262 mins read
TukuTouch Logo
અમેરિકાના ટેનેસી રાજ્યમાં ચોંકાવનારી ઘટના બની છે. જેક્સન શહેરમાં 62 વર્ષીય ગુજરાતી સ્ટોર માલિક સુરેશ પટેલની સશસ્ત્ર લૂંટારુએ ગોળી મારી હત્યા કરી. ગુરુવારે રાત્રે તેમની 19 વર્ષીય દીકરીની નજર સામે જ આ કરૂણ ઘટના બની. મહેસાણાના વતની સુરેશ પટેલે 7 દિવસ પહેલા જ સ્ટોર ખરીદ્યો હતો. પોલીસે આરોપીને પકડવા વ્યાપક તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમેરિકામાં વધારે એક ગુજરાતીની હત્યા, લૂંટ કર્યા બાદ દીકરીની નજર સામે પિતાને ગોળીઓ ધરબી દીધી

Suresh Patel Shot Dead US : અમેરિકાના ટેનેસી રાજ્યમાં એક અત્યંત દર્દનાક અને આઘાતજનક ઘટના સામે આવી છે. ટેનેસીના જેક્સન શહેરમાં આવેલા વાઇન એન્ડ સ્પિરિટ્સ સ્ટોર પર 62 વર્ષીય ભારતીય મૂળના ગુજરાતી સ્ટોર માલિક સુરેશ પટેલની સશસ્ત્ર લૂંટારુ દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. આ કરૂણ ઘટના ગુરુવારે રાત્રે બની હતી, જ્યારે તેમની 19 વર્ષની દીકરી પણ તેમની સાથે જ સ્ટોર પર હાજર હતી. દીકરીની નજર સમક્ષ જ લૂંટારુએ પિતા પર ગોળીઓ ચલાવી દીધી હતી. મૂળ ગુજરાતના મહેસાણા જિલ્લાના વતની સુરેશ પટેલનું ઘટનાસ્થળે જ નિધન થયું હતું.

સ્ટોર ચાલુ કર્યાના માત્ર 7 દિવસમાં જ બની કરૂણાંતિકા

મળતી માહિતી મુજબ, સુરેશ પટેલે ઘટનાના માત્ર 7 દિવસ પહેલા જ સોમવારે ‘રિજક્રેસ્ટ સેલર્સ વાઇન એન્ડ સ્પિરિટ્સ’ નામના આ સ્ટોરને ખરીદ્યો હતો. ગુરુવારે રાત્રે આશરે 9:00 વાગ્યે માસ્ક પહેરેલો એક અજાણ્યો લૂંટારુ સ્ટોરમાં પ્રવેશ્યો હતો અને બંદૂક બતાવીને કર્મચારીઓ પાસેથી રોકડ રકમની માંગણી કરી હતી. કર્મચારીઓએ રોકડ રકમ આપી દીધા પછી પણ લૂંટારુએ સુરેશ પટેલ પર અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું. આ લૂંટ દરમિયાન સ્ટોરના 70 વર્ષીય વૃદ્ધ મહિલા કર્મચારી નીચે પડી જતાં તેમનું કાંડું ભાંગી ગયું હતું.

હથિયારધારી લૂંટારુને પકડવા વ્યાપક સર્ચ ઓપરેશન

સીસીટીવી ફૂટેજમાં કેદ થયેલા શંકાસ્પદ લૂંટારુની ઓળખ ગ્રે હૂડી, જીન્સ અને કાળા રંગના બૂટ પહેરેલા અશ્વેત પુરુષ તરીકે થઈ છે. તેણે પોતાના ચહેરા પર પેઇન્ટબોલ માસ્ક પહેર્યું હતું. લૂંટ અને ફાયરિંગ કર્યા બાદ આરોપી સફેદ રંગની સેડાન કારમાં સવાર થઈને ફરાર થઈ ગયો હતો. જેક્સન પોલીસે આ લૂંટારુને અત્યંત ખતરનાક ગણાવ્યો છે અને તેને પકડવા માટે મોટા પાયે તપાસ હાથ ધરી છે. પોલીસે સ્થાનિક નાગરિકોને આ અંગે કોઈ પણ માહિતી હોય તો તુરંત પોલીસનો સંપર્ક કરવા અપીલ કરી છે.

અમેરિકામાં ગુજરાતી સ્ટોર માલિકો પર વધતા હુમલા

અમેરિકામાં ભારતીય અને ખાસ કરીને ગુજરાતી સ્ટોર માલિકો પર થઈ રહેલા હિંસક હુમલાઓથી ભારે ચિંતાનો માહોલ છે. આ પહેલાં મે 2025માં ટેનેસીના જ એક ગેસ સ્ટેશન પર લૂંટ દરમિયાન 30 વર્ષીય પરેશ "પ્રિન્સ" પટેલની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. આ ઉપરાંત, વર્જિનિયામાં મેઘના પટેલ અને સપ્ટેમ્બર 2025માં ચરોતરના કિરણ પટેલ પર પણ લૂંટારુઓએ ફાયરિંગ કરી તેમની હત્યા કરી દીધી હતી. આ પ્રકારની વધતી ગુનાખોરીથી NRI ગુજરાતી સમુદાયમાં ભય વ્યાપી ગયો છે.