મહેસાણામાં ભારે વરસાદ વચ્ચે મોટી દુર્ઘટના, કબ્રસ્તાનની જર્જરિત દીવાલ ધરાશાયી થતાં બાળકનું મોત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

6 Year Old Child Dies After Cemetery Wall Collapses In Mehsana: મહેસાણા શહેરમાં પડી રહેલા ભારે વરસાદ વચ્ચે ગઈકાલે (પાંચમી જુલાઈ) એક કમકમાટીભરી દુર્ઘટના સામે આવી છે. શહેરના પટ્ટાવાળાની ચાલી વિસ્તાર પાસે આવેલી કબ્રસ્તાનની પાછળની એક વર્ષો જૂની અને અત્યંત જર્જરિત દીવાલ અચાનક ધરાશાયી થઈ ગઈ હતી. આ અકસ્માતમાં દીવાલના ભારે કાટમાળ નીચે દબાઈ જવાથી એક 6 વર્ષના માસૂમ બાળકનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું છે. જોકે, સદનસીબે આસપાસ રમી રહેલા અન્ય બાળકોનો આબાદ બચાવ થયો હતો. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
વરસાદમાં રમતા બાળકો વચ્ચે કાળ ત્રાટક્યો
મળતી માહિતી અનુસાર, મહેસાણામાં થઈ રહેલા ધોધમાર વરસાદ દરમિયાન આ વિસ્તારમાં કેટલાક બાળકો ભેગા થઈને વરસાદની મજા માણી રહ્યા હતા અને રમી રહ્યા હતા. આ દરમિયાન 6 વર્ષીય રુદ્ર દેવીપૂજક નામનો માસૂમ બાળક ત્યાંથી પસાર થઈ રહ્યો હતો. બરાબર એ જ સમયે ભારે વરસાદના કારણે વધુ નબળી પડી ગયેલી કબ્રસ્તાનની પાછળની જર્જરિત દીવાલ અચાનક ધડાકાભેર તૂટી પડી હતી.
દીવાલનો મોટો હિસ્સો સીધો જ રુદ્ર પર પડતાં તે કાટમાળ નીચે ગંભીર રીતે દબાઈ ગયો હતો. દીવાલ પડવાનો જોરદાર અવાજ આવતા જ આસપાસ રમતા અન્ય બાળકોમાં ચીસાચીસ મચી ગઈ હતી અને તેઓ તાત્કાલિક દૂર ભાગી જતાં તેમનો જીવ બચ્યો હતો.
સ્થાનિકોએ કાટમાળ હટાવ્યો, પણ માસૂમનો જીવ ન બચી શક્યો
ધડાકાનો અવાજ સાંભળીને આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. લોકોએ ભારે જહેમત ઉઠાવીને કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરી હતી અને બાળકને બહાર કાઢ્યો હતો. પરંતુ કમનસીબે રુદ્રને કાટમાળમાંથી બહાર કઢાયો ત્યાં સુધીમાં તેનું મોત નીપજ્યું હતું.
અગાઉ રજૂઆતો કરવા છતાં તંત્ર ઊંઘતું રહ્યું: પરિવારનો આક્ષેપ
આ કરુણ ઘટના બાદ મૃતક બાળકના પરિવારે વહીવટી તંત્ર સામે ગંભીર આક્ષેપો કર્યા છે. મૃતક બાળકના દાદા બળદેવભાઈના જણાવ્યાનુસાર, 'આ દીવાલ લાંબા સમયથી અત્યંત બિસ્માર અને જોખમી હાલતમાં હતી. અગાઉ કેટલીય વાર સત્તાધીશો અને જવાબદાર અધિકારીઓ અહીં તપાસ અને ચેકિંગ કરવા માટે આવ્યા હતા. આમ છતાં, આ જોખમી દીવાલને તોડીને નવી બનાવવાની કે તેનું યોગ્ય રિપેરિંગ કરવાની કોઈ તસ્દી લેવામાં આવી ન હતી.'
સ્થાનિકોના મતે તંત્રની આ જ આળસુ નીતિ અને ઘોર બેદરકારીના કારણે આજે એક ગરીબ પરિવારે પોતાનો 6 વર્ષનો માસૂમ દીકરો ગુમાવવાનો વારો આવ્યો છે. હાલ તો આ કરુણ ઘટના બાદ મૃતકના પરિવારમાં ભારે આક્રંદ અને શોકનો માહોલ છે.









