Magazines

વિજયની ફિલ્મ અને પાઇરસીની વાત .

By GS TEAM
7 May 20265 mins read
વિજયની ફિલ્મ અને પાઇરસીની વાત                               .

- OTT ઓનલાઈન- સંજય વિ. શાહ 

- નિયમ કરો કે પોતાની, પોતાના પૈસાની, શાખ-આબરૂની કદર છે એટલે પાઇરસીથી આઘા રહેવું છે. સરવાળે થોડું મનોરંજન જશે એટલું જ. અન્યથા, ક્યારેક જો ખોટી જગ્યાએ ભેરવાઈ જવાશે તો...

- પાઇરસીથી અળગા રહેવા જેવું છે જેમાં દેશની સુરક્ષા, કોઈકની ગરિમા કે આબરૂ જોખમમાં મુકાઈ જાય. કારણ, કાયદો આવી બાબતોમાં સખત થઈ શકે છે. પોર્નોગ્રાફી એવી જણસ છે જેની પાઇરસી કૉમન બાબત છે અને જેનો ચોરીછૂપીથી આનંદ માણનારા લોકોમાં ભારતીયો અગ્રેસર છે. જોકે હવે એ સમજવું રહ્યું કે આવા આનંદની ક્યારેક મોટી કિંમત ચુકવવાનો વારો આવી શકે છે. અનેક રીતે.

તામિલ સુપરસ્ટાર વિજયના નવાસવા રાજકીય પક્ષે તામિલનાડુની વિધાનસભા ચૂંટણીમાં બ્લોકબસ્ટર પ્રદર્શન કર્યું. અલબત્ત, આ ચૂંટણીએ વિજયના છેલ્લા ફિલ્મી વિજય સામે જોરદાર બ્રેક મારી હતી. કારણ 'જન નાયગન' સેન્સરની કાતરમાં એવી અટવાવી દેવામાં આવી કે ના પૂછો વાત. એ ફિલ્મ તામિલનાડુ વિધાનસભા ચૂંટણી પહેલાં નથી આવી તો નથી જ આવી. હા, ઇન્ટરનેટ પર એ લીક થઈ ખરી. આ વખતે જોકે ફિલ્મ લીક થવાના મામલામાં પહેલાંના કિસ્સા કરતાં જરા અલગ દ્રશ્ય રહ્યું. કાયદાએ એ તમામ લોકોને તો આંટીમાં લેવાની વાત કરી જેમણે એ ફિલ્મને લીક કરવામાં ભૂમિકા ભજવી. સાથે એ લોકો સામે પણ પગલાં ઉઠાવવાની વાત થઈ જેઓએ લીક થયેલી ફિલ્મ ઓનલાઇન ડાઉનલોડ કરી હોય. 

આ નવું હતું આપણે ત્યાં અને એકદમ સચોટ હતું. 

ટેકનોલોજી એવી દુનિયા છે જ્યાં જે કરો એ બધી હરકતોનાં અને કરતૂતનાં નિશાન રહી જાય. તો પછી, જેઓ ગેરકાનૂની રીતે કશુંક ફેલાવે એની સાથોસાથ ગેરકાનૂની રીતે કશુંક માણનારા સામે પગલાં કેમ ના લેવાવાં જોઈએ? વિજયની ફિલ્મ લીક થયા પછી એના મેકર્સ વગેરેએ આ રીતે પગલાં લેવાની જે વાત કરી એની અસર પણ થઈ હશે. ઘણા એવા હશે જેઓએ પાઇરસીનો ભોગ બનેલી આ ફિલ્મને ગમે તેટલી તાલાવેલી છતાં ડાઉનલોડ કરીને જોઈ નહીં હોય. ઇન ફેક્ટ, આ લખતી વખતે ઇન્ટરનેટ પર અમસ્તા જોયું કે વિજયની ફિલ્મ 'હદી' (અને ખરેખર) ઓનલાઇન ડાઉનલોડ થઈ શકે છે ખરે, તો શું થયું? જે બે-ચાર સાઇટ ખોલી (એમાં એક ઇન્ટરનેટ આર્કાઈવ પણ હતી) એના પર મેસેજ ઝળુંબતો હતો કે સોરી, (આ ફિલ્મ) ડાઉનલોડ માટે અવેલેબલ નથી. 

પાઇરસી થાય ત્યારે કદાચ રોકી ના શકાય, પણ થયા પછી ત્વરિત એક્શન લઈને એનો ફેલાવો થતો રોકી શકાય છે. બીજું, પાઇરસીનો માલ, મુફત કા ચંદન ગણીને લૂંટવા નીકળનારા સામે કાયદો કામ કરી શકે છે. 

હા, તો વિજયની ફિલ્મ. હવે એ રિલીઝ થશે. ચૂંટણી પતી અને વિજયની પાર્ટીએ જબરદસ્ત વિજય મેળવ્યો એટલે એટલે ફિલ્મને રિલીઝ કરવાનો માર્ગ સાવ મોકળો થઈ ગયો છે. પણ વિલંબમાં ફિલ્મની ઓટીટી પ્લેટફોર્મ સાથેની ડીલ જોખમમાં મુકાઈ હતી. હવે ત્યાં સુધી વાત પહોંચી છે કે જે ભાવમાં ફિલ્મ ખરીદાવાની હતી એના કરતાં ક્યાંય ઓછા ભાવે અપાય તો ઓટીટીને એમાં રસ છે, બાકી નહીં. અહેવાલો કહે છે કે પ્રાઇમ વીડિયો આ ફિલ્મ રૂ. ૧૨૦ કરોડમાં ખરીદવા થનગની રહી હતી. હવે એ કેટલા આપવા માગે છે? રૂ. ૫૦ કરોડ માત્ર.

વરી બેડ. 

ખેર. વિજય અને પ્રાઇમ એમનું જોઈ લેશે. આપણે આગળ વધીએ ઓનલાઇન પાઇરસીની વાત સાથે. 

અત્યાર સુધી એવું હતું કે સામાન્ય માણસો એવા ભ્રમમાં હતા કે પાઇરસી કરનાર સામે કાયદો ડોળા કકળાવે છે, પાઇરસીનો આનંદ ઉઠાવનારા સામે નહીં. 'જન નાયગન'નો કિસ્સો એનાથી અલગ ઇશારો કરે છે. કાયદો એની સામે પણ ડોળા કકળાવી શકે છે જે પાઇરેટેડ માલનો વપરાશ કરે છે. એવું બિલકુલ હોવું પણ જોઈએ. ઇન્ટેલેક્યુઅલ પ્રોપર્ટીનું સન્માન થવું જોઈએ અને સર્જકના કામનું પણ. આપણે ત્યાં નકલખોરી, પાઇરસી અને પરાયા માલ અપના કરવાની નીતિ દરેક ક્ષેત્રમાં ચાલતી આવી છે. મનોરંજન ઉદ્યોગ માટે એ કાયમની સમસ્યા છે. સંગીત હોય કે ફિલ્મ, ફેશન હોય કે સ્ટાઇલ, ફિલ્મોમાં, શોઝમાં આવતી ઓરિજિનલ ક્રિએટિવિટીને આપણે ત્યાં સૌ મનફાવે તે, કચકચાવીને શોષિત કરતા રહ્યા છે. એ પણ સર્જકને કોઈ જાતનું વળતર તો ઠીક, સૌજન્ય આપ્યા વિના. 

પાઇરસીનો માલ આડેધડ વાપરનારા લોકોએ હવે ચેતી જવા જેવું છે. 

સોફ્ટવેર, સંગીત, ફિલ્મ, પુસ્તક સહિત, ઇન્ટરનેટ પરથી જાતજાતની ચીજોની મફતમાં જ્યાફત ઉડાવવાની લત હવે છોડવા જેવી છે. ખાસ કરીને એ મામલામાં જેમાં સંવેદનશીલતા હોય. વિજયની ફિલ્મનો મામલો સંવેદનશીલ થઈ ગયો હતો. બીજું, એવી બાબતોમાં પણ પાઇરસીથી અળગા રહેવા જેવું છે જેમાં દેશની સુરક્ષા, કોઈકની ગરિમા કે આબરૂ જોખમમાં મુકાઈ જાય. કારણ કાયદો આવી બાબતોમાં સખત થઈ શકે છે. પોર્નોગ્રાફી એવી જણસ છે જેની પાઇરસી કૉમન બાબત છે અને જેનો ચોરીછૂપીથી આનંદ માણનારા લોકોમાં ભારતીયો અગ્રેસર છે. જોકે હવે એ સમજવું રહ્યું કે આવા આનંદની ક્યારેક મોટી કિંમત ચુકવવાનો વારો આવી શકે છે. અનેક રીતે.

પોર્નોગ્રાફીની મોટાભાગની પાઇરેટેડ સાઇટ્સમાં મૅલવેર એટલે વાઇરસ અને વણજોઇતી સમસ્યાઓ હોય છે. ઉપરાંત, આવી અસંખ્ય સાઇટ્સ યુઝરની ખાનગી વિગતો પડાવી લેવા માટે સર્જાઈ હોય છે. અનેક એવી હોય છે જેમાં એકવાર પહોંચ્યા કે એ જાતજાતની આંટીમાં ફેરવ્યે રાખે. પાઇરસીના સૌથી વરવા અને ભયાનક પ્રકારમાં એક આ પ્રકારની સાઇટ્સ છે. એના ચક્કરમાં પડનારે જો ગુમાવવાનું આવે તો તગડું આવી શકે છે. 

ફિલ્મોની પાઇરસી માટે અમુક પ્લેટફોર્મ્સ અને ટૂલ્સ બદનામ છે. ટેલિગ્રામ એપ એમાંની એક છે. એમાં ફિલ્મો ઉપરાંત સોફ્ટવેરથી માંડીને કોને ખબર શાની પાઇરસની નથી થતી, પણ સમજદારી એમાં છે કે બદલાતા સમયનો મિજાજ પારખીને પાઇરેટેડ માલથી બને તેટલા દૂર રહીએ. કોણ જુએ છે અથવા કોને ખબર પડે છે એ વાત મગજમાંથી કાઢી નાખવા જેવી છે. ઓનલાઇનમાં એવું કશું નથી જે આપણે કરીએ અને જેનો રેલો, જેના લીટા પાછળ રહી ના જાય. 

નિયમ કરો કે પોતાની, પોતાના પૈસાની, શાખ-આબરૂની કદર છે એટલે પાઇરસીથી આઘા રહેવું છે. સરવાળે થોડું મનોરંજન જશે એટલું જ. અન્યથા, ક્યારેક જો ખોટી જગ્યાએ ભેરવાઈ જવાશે તો...