Magazines

ટ્રમ્પ તારા પ્રેમને ખાતર, અમે ભૂલી જઇશું ખેતીમાં ખાતર

By GS TEAM
26 Apr 20263 mins read
ટ્રમ્પ તારા પ્રેમને ખાતર, અમે ભૂલી જઇશું ખેતીમાં ખાતર

- સ્માઇલ ઇન્ડેક્સ-વ્યર્થશાસ્ત્રી

- ખેતરે-ખેતરે ટ્રમ્પનાં બેનરો મૂકી દો, ખેડૂતો તે જોઈને નિસાસા નાખશે તેની આપણે નિકાસ કરી દઈશું 

ખેતીવાડી ખાતાના એક  સાહેબે  અધિકારીઓને મેસેજ આપ્યો: 'ખાતર માટે ભેગા થાવ. ખાતરની સ્થિતિની વિગતો લાવજો.'

એક અધિકારી હોંશે હોંશે  પહોંચ્યા. 'બોસ, કયા પ્રોજેક્ટ, કઈ યોજનામાંથી કેટલું ખાતર પાડવાનું છે તે ટાર્ગેટ આપી દો.'

બોસ બગડયા. 'ભલા માણસ, દર વખતે ખાતર પાડવાનું જ પ્લાનિંગ ન હોય. ક્યારેક આપણે ખાતરની ચિંતા પણ કરવી પડે.'

આ વાત  સાંભળતાં બીજા અધિકારી બગાસું ખાઈને કહે,'સર, છેલ્લાં દસ વર્ષથી આપણે લોકોને કહેતા આવ્યા છીએ કે હવે ચિંતા કરવાની કોઈ જરુર નથી.  બધું બરાબર છે અને બધે લીલાલ્હેર જ છે.'

બોસ માથું ધૂણાવતાં કહે, 'ડિઅર, પરિસ્થિતિની ગંભીરતા  સમજો. અત્યારે દુનિયાભરમાં લીલાલ્હેર ફક્ત ને ફક્તે પેલા ડોનાલ્ડ ટ્રમ્પને જ છે. બાકી બધાને ભાગે લોહીઉકાળા આવ્યા છે. '

ત્રીજા અધિકારી બોસને તાળી મારવા હાથ ધરતાં  કહે, 'ઓહો... અવર ફ્રેન્ડ ડોનાલ્ડ ટ્રમ્પ ? એ તો બહુ ભલામાણસ છે.  આપણે તેની પાસેથી લીલાલ્હેર કરવાની મંજૂરી માગી લઈએ. મને એક આખું સ્ટેડિયમ સમાય એટલા ટકા ખાતરી છે કે ટ્રમ્પ આપણને લીલાલ્હેર કરવાની મંજૂૂરી આપી જ દેશે. '

બોસે પોતાના જ માથા પર ટકોરા માર્યા. પછી ઊંચે જોઈ કોઈ પ્રાર્થના કરતા હોય તેમ  કાંઈક બબડયા. આ જોઈ એક અધિકારી ચિંતિત થઈને કહે, 'સર, આમ લાચાર નજરે આકાશ તરફ નજર રાખીને પ્રાર્થના કરવાનું તો આ દેશના ખેડૂતોને લમણે જ લખાયેલુું છે. આપણે તો ખેતીવાડી ખાતાના મોટા સાહેબો છીએ. આપણને આવી  યાચકની મુદ્રા ન શોભે.'

બોસ આ અધિકારીના ખભે હાથ મૂકીને કહે, 'મહોદય, આ વખતે યાચના કરવી પડે એવું લાગે છે. આ ટ્રમ્પના કારણે યુદ્ધ લાંબું ચાલ્યું એમાં આ વખતે ખાતરની તાણ પડી જાય એમ લાગે છે. હજુ તો ચોમાસં  આવશે અને વાવણીની સીઝન ચાલુ થશે એટલે  ખાતરની બૂમો પડશે એવી આશંકા છે.'

બીજો અધિકારી હસવા લાગ્યો. 'ઓહો? આટલી જ વાત? સાહેબ, ધરપત રાખો. આ દેશના તમામ માણસોએ કોઈપણ જાતની સમસ્યા માટે હવે આપણી પોતાની સરકારને જવાબદાર ઠેરવવાનું ક્યારનુંય બંધ કરી દીધું છે. મારી પાસે તો એવો  આઇડિયા છે કે આમ પણ આપણે દરેક વાર તહેવાર પ્રસંગે ઉત્સવે દેશભરની ગલીએ ગલીએ અને ખૂણેખાંચરે રાતોરાત લાખો બેનરો મારી દેવામાં કુશળ જ છીએ. તો આ વખતે દેશના દરેક ખેતર પર ટ્રમ્પ સાહેબનો મુક્ત હાસ્ય વેરતો અને મસ્તી આંખો  બંધ કરતો વિશાળ ફોટો ધરાવતાં બેનરો મૂકી દઈએ. ખેડૂતો ભલે એને જોઈને નિસાસા નાખે. આપણે ખેડૂતોના નિસાસાની નિકાસ કરી  બારોબાર ટ્રમ્પને પહોંચાડી દઈશું. આમેય યુદ્ધના કારણે બીજી બધી નિકાસ અટકી ગઈ છે તો નિસાસાની નિકાસ કરીએ.'

બોસ ગળગળા થઈને આ અધિકારીને વળગી પડયા તો બીજા અધિકારીએ આ મધુર મિલન  જોઈને લલકાર્યું, 'ઓ ડિઅર ટ્રમ્પ તારા પ્રેમને ખાતર, આ વખતે અમે ખેતીમાં ભૂલી જશું ખાતર...'

આ વખતે તો બોસ સહિત બીજા કેટલાય અધિકારીઓની આંખમાં ઈમોશનલ માવઠું આવી ગયું. 

સ્માઈલ ટિપ 

દોસ્તીના આંબા વાવ્યા હોય તો પણ ત્રાસના કાંટાળા બાવળ જ ઉગાડે એ ખાતરનું બ્રાન્ડનેમ ડોનાલ્ડ ટ્રમ્પ છે.