Magazines

બોલિવૂડના તાડના ત્રીજા ભાઇ જેવા અભિનેતાઓની ઉંચી ઉંચી વાતો

By GS TEAM
11 Jun 20263 mins read
બોલિવૂડના તાડના ત્રીજા ભાઇ જેવા અભિનેતાઓની ઉંચી ઉંચી વાતો

- અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન, પ્રવીણ  કુમાર,  અરુણોદય  સિંહ, નિકિતિન  ધીર, ભાવેશ કુમાર, દેવ કુમાર વગેરેની હાઇટ છ ફૂટ કરતાં પણ વધુ છે

હિન્દી ફિલ્મ જગતના  અમિતાભ બચ્ચન મહાનાયક તો છે જ . સાથોસાથ પ્રભાવશાળી કહી શકાય તેવી   ઉંચાઇ પણ ધરાવે   છે. અમિતાભ બચ્ચન ફિલ્મના પડદા પર આવે ત્યારે  તેમની છ (૬ )ફૂટ,બે(૨)  ઇંચની હાઇટ   અને ઘેઘુર   અવાજથી તેમનાં સાથી કલાકારો પર જબરો પ્રભાવ પડે તે સ્વાભાવિક છે. 

બીજા શબ્દોમાં કહીએ તો અમિતાભ બચ્ચનની હાઇટ સામાન્ય ભારતીય નાગરિકની ઉંચાઇ કરતાં વધુ છે. બહુ ઉંચા માણસ માટે   ગુજરાતીમાં  તાડનો ત્રીજો ભાઇ એવો વિચિત્ર કહી શકાય તેવો શબ્દપ્રયોગ પણ થાય છે. 

અમિતાભ બચ્ચન ઉપરાંત પણ અન્ય અભિનેતાઓની ઉંચાઇની  પણ નોંધ લેવામાં આવી છે. બોલીવુડમાં કેટલાક અભિનેતાઓની ઉંચાઇ તો  અમિતાભ બચ્ચનની ઉંચાઇ કરતાં પણ વધુ  છે.  કયા કયા અભિનેતાની ઉંચાઇ  બીગ બી ની હાઇટ કરતાં પણ વધુ છે તેની રસપ્રદ વિગતો જાણીએ. 

અભિષેક બચ્ચન 

 અમિતાભ બચ્ચનના પુત્ર અને બોલીવુડ સ્ટાર અભિષેક બચ્ચની ઉંચાઇ છ  (૬) ફૂટ, ત્રણ (૩) ઇંચ છે. એટલે કે અભિષેક તેના પિતા અમિતાભ  કરતાં પણ વધુ હાઇટ  ધરાવે છે. 

અરુણોદય સિંહ 

 બુદ્ધા ઇન એ ટ્રાફિક જામ અને અપહરણ ફિલ્મના અભિનેતા અરુણોદય સિંહની હાઇટ તો અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચનની ઉંચાઇ કરતાં પણ વધુ છે. એટલે કે  અરુણોદય સિંહ  છ (૬) ફૂટ, ચાર(૪)  ઇંચ જેટલી જબરી હાઇટ ધરાવે છે. વળી, બહુ હેન્ડસમ ગણાતો અરુણોદય સિંહ ફિલ્મના પડદા પર આવે છે ત્યારે દર્શકોનાં મન મોહી લે છે. 

 નિકિતિન ધીર 

 મહાભારત ટીવી સિરિયલના કર્ણ એટલે કે પંકજ ધીરનો પુત્ર નિકિતિન ધીર પણ જબરો ઉંચો છે.  જોધા   અકબર, રેડી,  સૂર્યવંશી, ચેન્નાઇ એક્સપ્રેસ, દબંગ વગેરેહિન્દી ફિલ્મોમાં અભિનય કરનારા  નિકિતિન  ધીરની હાઇટ છ (૬)  ફૂટ, ચાર(૪) ઇંચ  છે. 

પ્રવીણ કુમાર

 મહાભારત ટીવી સિરિયલના મહાકાય ભીમ એટલે પ્રવીણ કુમાર સોબતી. મહાભારત ટીવી સિરિયલમાં પાંડવ પુત્ર મહાબળવાન ભીમની ભૂમિકા ભજવીને પ્રવીણ કુમાર સોબતી ભારતભરમાં લોકપ્રિય બની ગયા હતા. 

 પ્રવીણ કુમારની હાઇટ તો આ બધા અભિનેતાઓની ઉંચાઇ કરતાં પણ વધુ એટલે કે છ(૬) ફૂટ, છ(૬) ઇંચની  હતી. આમ પણ   પ્રવીણ કુમાર  ડિસ્કસ   થ્રો અને હેમર થ્રો  રમતના ઓલિમ્પિક પ્લેયર હતા.  પ્રવીણ કુમારે  ૧૯૬૬ની અને ૧૯૭૭ની એસિયન ગેમ્સમાં   બે સુવર્ણ ચંદ્રક પણ મેળવ્યા હતા.  પ્રવીણ કુમાર નું ૨૦૨૨માં , ૭૪ વર્ષની ઉંમરે  અવસાન થયું હતું.

ભાવેશ કુમાર

  પી સે પ્યાર, એફ સે ફરાર, ધ વિંડ એન્ડ ધ ડાર્ક જંગલ વગેરે ફિલ્મોમાં કામ કરનારા  ભાવેશ કુમારની ઉંચાઇ   પણ  છ(૬) ફૂટ, છ(૬) ઇંચ છે.  જરા કલ્પના કારો કે આવો તોસ્તાન લાગતો અભિનેતા  પડદા પર કેવો લાગતો હશે.    

 દેવ કુમાર

 મેરે લાલ, ચાચા  ભતીજા, નમકહલાલ, રખવાલે વગેરે ફિલ્મોના અભિનેતા દેવ કુમાર( સાચું નામ ચમન લાલ કોહલી)ની ઉંચાઇ  પણ છ(૬) ફૂટ, પાંચ(૫) ઇંચ હતી. દેવ કુમાર હિન્દી ફિલ્મોમાં અભિનય શરૂ કર્યો તે પહેલાં ભારતીય લશ્કર, કસ્ટમ્સ ડિપાર્ટમેન્ટમાં  ફરજ બજાવી હતી.