Magazines

ફટાકડાની લૂમ્મ... હાથીની દૂમ્મ...

By GS TEAM
12 Dec 20252 mins read
ફટાકડાની લૂમ્મ... હાથીની દૂમ્મ...

ગોરી સરકારના છેલ્લા વાઇસરૉય લૉર્ડ માઉન્ટબેટન. તેમની અગાઉના વાઈસરૉય હતા લૉર્ડ વેવેલ.

ભારતમાં જ્યારે આઝાદીની ચળવળ જોરમાં હતી ત્યારે વેવેલનું ચલણ હતું.

વેવેલ આમ કડક પણ થોડાક લહેરી. મનમાં ગોરા હાકેમ હોવાનું ગુમાન.

એક વખત તેમને એવું મન થયું. હાથી પર બેસીએ. ભારતના હાથીઓની વાત તેમણે સાંભળેલી અને જોયેલી. દશેરાને દિવસે તો હાથીઓનો ભારે મહિમા. હાથીઓને શણગારવામાં આવે, તેની પૂજા કરવામાં આવે, તેમની સમૂહસવારી નીકળે.

વેવેલ સાહેબ માટે હાથી લાવવામાં આવ્યો. હાથી પર બેસવાની રાજાશાહી ગોઠવણ થઈ.

સાહેબને વળી એટલાથી ચેન ન પડયું. તે તેમણે હાથી જાહેરમાં લેવાનું નક્કી કર્યું. ચાંદની ચોકમાંથી જ ગોરા હાકેમની હાથીસવારી નીકળી.

પણ ત્યારે દેશ આઝાદીના જોશમાં હતો. દરેક રીતે તૈયાર હતો. ભારતના લોકો ગોરા હાકેમની આવી દાદાગીરી સહન કરે?

જ્યાં સુધી હાથીસવારી ચાલી ત્યાં સુધી ચાલી. લોકોએ ખાસ કંઇ રસ બતાવ્યો નહીં. પણ મનમાં સમસમી રહેલાં છોકરાં, તરુણો, યુવકો આ ગુમાન સહન કરી શક્યા નહીં.

કોઇકે એકાએક જ હાથી તરફ ફટાકડાંની લૂમ ફેંકી. ફટાકડાં ધડાધડ ફૂટવા લાગ્યા. લૂમ કદાચ મોટીય હશે!

એકાએકના આ ધડાકા ભડાકાથી હાથી એવો ભડક્યો કે દોડવા જ લાગ્યો, બસ દોડતો જ રહ્યો.

હાકેમ વેવેલ જાતજાતની બૂમો પાડતા હતા - 'બચાવો, મારો, સીધા કરો, પાછા ફરો...' 

આમ તો હાથી કદી ઢોલનગારાના અવાજથી ડરતા નથી, પણ ભારતીય આઝાદીના દારૂખાનાએ હાથીને ભડકાવી દીધો.

હાથી એવો ભાગ્યો, દોડયો, ઊછળ્યો, નાઠો કે લોકોને મજા પડી ગઈ. જાહેરમાં તથા ખાનગીમાં લોકો ખિલખિલાટ અને ખુશખુશાલ હસતા હતા.

કહે છે કે આ ઘટનાની બહુ હોહા ન થાય, અને વાઈસરૉયની બદનામીની આ વાત વિલાયત સુધી ન પહોંચે, એની વેવેલ સાહેબે કાળજી રાખી હતી!