Magazines

ત્રિપુટીનું તારામંડળ

By GS TEAM
17 Oct 20253 mins read
ત્રિપુટીનું તારામંડળ

- માતા બની સાવધાન, સાવચેતીએ આપી તાળી અગમચેતીએ હરી ઊતાવળ, ધન-ધન થઈ દિવાળી

- એક માતા, એક દીવડો, એક યાદ, એક સ્મૃતિ!

- તું ધેલો બન્યો, મેં થાપ ખાધી

- 'બેટા, તેં અને મેં સાચવ્યું નહીં. થોડીક દરકાર કરી હોત, થોડીક કાળજી લીધી હોત, થોડીક ધીરજ ધારણ કરી હોત તો આજે આપણે ઓટલે હોત. બીજા બાળકોની જેમ જ દિવાળીઉજવતાં હોત...'

- હરીશ નાયક

દિવાળીની રાતે.

કેટલું અંધારૂં.

બારે માસનુ અંધારું જાણે ભેગું થયું હતું.

તારલાઓ પણ આંખ મીંચકારતાં ડરતા હતા. વચમાં આવી ગાઢ પ્રગાઢ અંધારી રાતે. આ વળી કોણ મહિલા છે? ક્યાં જઈ રહી છે? હાથમાં દીવડો છે.

સાચવવાનો મહા પ્રયાસ તે કરે છે. દીવડો ઘડીમાં ઝબૂકી ઊઠે છે. ઘડીમાં તરફડીને હોલવાઈ જાય છે.

ના. એ માતા લક્ષ્મી નથી. દેવી નથી. મહાદેવી નથી. તેનો કોઈ ઝાકઝમાળ નથી. અંધારી રાતમાં તે ય પોતાની જાત સંતાડે છે. સંતાડી સંતાડીને આગળ વધે છે.

માતા કોઈ ગરીબ હોતી નથી. આ માતાય ગરીબ નથી. ગરીબ બની ગઈ છે. પોતાની જાત છૂપાવવા પ્રયત્ન કરી રહી છે.

હાથની આડસે, પાલવની પાળીએ પવનદેવની પ્રાર્થનાએ તે માંડ દીવડો સાચવે છે. દીવડાને ય હોલવાવું નથી પણ તે ય હોલવાઈ જાય છે. માતા સાથે તેને ય જવું છે. જવું જ છે.

એક માતા, એક દીવડો, એક યાદ, એક સ્મૃતિ!

માતા જાણે આગળ વધતી હતી કે પાછળ પડી જતી હતી! તેમ છતાં તે પહોંચી. ધૂ્રજતે પગલે પહોંચી. દીવડો પણ પહોંચ્યો. અમળાતો અમળાતો, જાગી ઊઠતાં, ઝઝૂમી ઊઠતો દીવડો ય પહોંચ્યો.

એક નાની સરખી ટેકરી હતી. ટેકરી પર મઢૂલી હતી. મઢૂલી કે નાની સરખી મંદિરની રચના.

ન તાજમહાલ, ન કાશી, ન સાતપૂડા, ન સહ્યાદ્રિ, ન કૈલાસ, ન હિમાલય!

નાનકડા એ મંદિરમાં માતાએ નાનકડો દીવડો ગોઠવીને મૂકી દીધો. ચારે બાજુથી રોકાયેલા પવને દીવડાને ખીલવા દીધો. ઊજળવા દીધો, રોકાયેલા પવને દીવડાને ખીલવા દીધો, ઉજવવા દીધો, પ્રકાશવા દીધો. નાના મંદિરમાં નાનકડો દીવડો ઝળહળી ઊઠયો.

માતાએ પાલવથી મંદિરની સફાઈ કરી. તેમાંની અસ્પષ્ટ મૂર્તિની સાડલાથી સાર સંભાળ લીધી. પછી એ જ સાડલાના, એ જ પાલવથી પોતાની આંખો લૂછી, ચહેરો સ્વચ્છ કર્યો.

'બેટા, દીકરા, વ્હાલા!' માતાએ સૂમસામ વાતાવરણમાં વંદના શરૂ કરી. 'બેટા, તેં અને મેં સાચવ્યું નહીં. થોડીક દરકાર કરી હોત! થોડીક કાળજી લીધી હોત, થોડીક ધીરજ ધારણ કરી હોત! તો આજે આપણે ઓટલે હોત. બીજા બાળકોની જેમ જ દિવાળી ઉજવતાં હોત. પણ આપણે ઉત્સવ ઊજવવામાં અધીરા અને ઉતાવળા બની ગયા. ન સાવધાની રાખી, ન સાવચેતી વિચારી. તું ધેલો બન્યો, મેં થાપ ખાધી. પછી આંખે ધગધગતો લાવા અને ત્યાર બાદ તો અંધકાર જ અંધકાર. અનંત અંધકાર. કાયમનો અંધકાર. આરપારનો અંધકાર. જીવન-મરણનો અંધકાર અને આપણે આવી પહોંચ્યા અહીં.'

જે બાળક હતું, પણ છે નહીં. તેણે હાથ લંબાવ્યો. માતાએ અખંડ માતૃત્વ સાથે તેના હાથમાં તારામંડળ લંબાવ્યું. એ બન્ને હાથને વળી એ ત્રીજો કોના હાથનો ટેકો હતો?

કદાચ તે સાક્ષાત્ લક્ષ્મીદેવી હતી. દિવાળીની દેવી.

એ રીતે જ્યારે તારામંડળમાંથી દિવ્ય તણખાંઓ ફેલાતા હતા ત્યારે દિવાળી પરિપૂર્ણ થતી હતી. એ ત્રિપુટી દુનિયાભરના બાળકોને ઉમંગ પૂરા પાડતી હતી. ચારે બાજુ ફેલાયેલાં દીપસમૂહમાં બાળકોની અલા-બલા તેમણે લઈ લીધી હતી.

નાનાં મોટાં બાળકોના ફેલાયેલા રેલાયેલા જૂથેજૂથ ફટાકડાંઓ ફોડતાં હતાં. કોઈ ટોટી અને તડતડિયાં, કોઈ કોઠી અને ફૂલઝર, કોઈ હવાઈ અને રોકેટ, કોઈ એટમ અને યેટેમ, કોઈ સર્પ અને ભોંય-ચકરડી!

એ બધા જ ખુશખુશાલ હતાં, કેમ કે તેમની બધી ત્રૂટિ, બધી બાઘાઈ, બધી ભૂલો, બધી ચિંતાઓ પેલી ત્રિપૂટીએ લઈ લીધી હતી. કોઈ મૌન સંગીતમય આરાધના ગાન અદ્ભુત આ અવનીમાં ગૂંજતું હતું-

ઉત્સવ રહેજો ઉત્સવ

નિષ્કંટક નિર્ભય ઉત્સવ,

આ પર્વ બનજો અપૂર્વ

ઠેઠ પશ્ચિમથી ઠેઠ પૂર્વ.