અખાતી યુદ્ધે બોલિવુડનાં શૂટિંગ શેડયુલ પર પાણી ફેરવ્યું

- દુબઈ જેવું વાતાવરણ રચવા માટે 'વેલકમ ટુ ધી જંગલ'ની પ્રોડક્શન ટીમ મુંબઈ તરફ વળી છે. મઢ આઈલેન્ડ, ગોલ્ડન ટોબેકો સ્ટુડિયો અને ગોરેગામની ફિલ્મ સિટીમાં વિસ્તૃત સેટ બનાવવામાં આવશે.
પશ્ચિમ એશિયામાં સતત વધી રહેલા તણાવનો પડછાયો ભૌગોલિક અને રાજકીય ક્ષેત્રની બહાર પણ પડી રહ્યો છે અને તેની અસર હવે હિન્દી ફિલ્મ ઉદ્યોગ સુધી પણ પહોંચી રહી છે. એક સમયે આંતરરાષ્ટ્રીય શૂટીંગ ડેસ્ટીનેશન તરીકે જેને પ્રાથમિકતા આપવામાં આવતી તે દુબઈ હવે ફિલ્મ સર્જકો માટે અચાનક અનિશ્ચિત વિસ્તાર બની ગયું છે. તાજેતરના અહેવાલો મુજબ શાહ રૂખ ખાનની આગામી ફિલ્મ 'કિંગ'નું વિદેશી શેડયુલ પણ રદ કરવામાં આવ્યું છે જેનાથી સંકેત મળે છે કે કેવી રીતે વૈશ્વિક અસ્થિરતા બોલિવુડની પ્રોડક્શન વ્યૂહરચનાને પ્રભાવિત કરી રહી છે.
પણ આ અસર અહીં સીમિત નથી રહી. અક્ષય કુમાર અભિનિત અન્ય મુખ્ય પ્રોજેક્ટ 'વેલકમ ટુ ધી જંગલ'ને પણ તેનું આયોજિત દુબઈ શૂટ રદ કરવાની ફરજ પડી છે. અહમદ ખાન નિર્દેશિત આ ફિલ્મ માટે અમીરાતમાં ભવ્ય ગીત દ્રશ્યનું શૂટ થવાનું હતું. જો કે પ્રવર્તમાન અનિશ્ચિતતા અને સુરક્ષા ચિંતાઓને કારણે સર્જકોને તેમના અભિગમમાં ફેરફાર કરવાની ફરજ પડી છે, જેનાથી બાહ્ય તણાવ રચનાત્મક આયોજનો અને લોજિસ્ટિક્સને કેવી રીતે પ્રભાવિત કરે છે તેનો સંકેત મળે છે. દુબઈનો શેડયુલ રદ કરવાનો નિર્ણય ગંભીર હતો આયોજિત દ્રશ્યમાં સુનીલ શેટ્ટી, અર્શદ વારસી, રવીના ટંડન, જેકી શ્રોફ, પરેશ રાવલ, લારા દત્તા ભુપથી, દિશા પટ્ટણી, જેકલીન ફર્નાન્ડીઝ અને શ્રેયસ તલપદે તેમજ અન્યો સહિત વિશાળ સ્ટાર કાસ્ટ સામેલ છે. આટલા વિશાળ જૂથની તારીખો વચ્ચે સુમેળ કરવો પોતે જ એક લોજિસ્ટિકલ પડકાર છે અને શૂટ મોકૂફ રાખવાથી મહત્વના વિલંબ અને ખર્ચમાં વધારો થવાની સંભાવના હતી. આવી અસમંજસ સ્થિતિ વચ્ચે ફિલ્મસર્જકોએ પ્રોડક્શન સમયપત્રક જળવાઈ રહે તેવો વિકલ્પ અપનાવ્યો.
દુબઈ જેવું વાતાવરણ રચવા પ્રોડક્શન ટીમ મુંબઈ તરફ વળી. મઢ આઈલેન્ડ, ગોલ્ડન ટોબેકો સ્ટુડિયો અને ગોરેગામની ફિલ્મ સિટીમાં વિસ્તૃત સેટ બનાવવામાં આવશે. પ્રોડક્શન ડીઝાઈનર સૈલેશ મ્હાડિક દ્વારા ડીઝાઈન કરાયેલ આ સેટનો હેતુ વૈભવી નાઈટક્લબો, વૈભવી કેસિનો અને ખાનગી જેટની પણ પ્રતિકૃતિ રચવાનો છે જેનાથી કલ્પના કરવામા આવેલા મૂળ દ્રશ્ય કંડારાઈ શકાય. પ્રોડયુસર ફિરોઝ એ. નડિયાદવાલા અને દિગ્દર્શકે લોકેશનમાં ફેરફાર છતાં તેની મૂળ દ્રશ્ય અપીલ જાળવી રાખવા ગીતની નવેસરથી રચના કરી. ગીતનું શૂટીંગ મુંબઈમાં ૧૫ એપ્રિલે શરૂ થઈ જશે. શિફ્ટની પુષ્ટી કરતા અહમદ ખાને જણાવ્યું કે સમગ્ર કાસ્ટનો સમાવિષ્ટ કરતું દ્રશ્ય ભવ્ય અને ગ્લેમેરસ જ રહેશે. આ સમગ્ર ઘટનાથી સાબિત થાય છે કે કેવી રીતે વૈશ્વિક રાજકીય વાતાવરણ અનપેક્ષિત રીતે મનોરંજન ઉદ્યોગને પણ પ્રભાવિત કરે છે, જેનાથી ફિલ્મસર્જકોએ તાત્કાલિક ફેરફાર કરવા પડે છે. એક તરફ દુબઈ ઉચિત પૃષ્ઠભૂમિ હોઈ શકે, પણ બોલીવૂડની અનુકૂલનતા અને બહુવિધ સ્રોતની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરે છે કે શો મસ્ટ ગો ઓન, અલબત્ત અલગ મંચ પર.









